7 - અનુભવોની વાનગી / મોહનદાસ કરમચંદ ગાંધી


નાતાલનું બંદર ડરબન કહેવાય છે અને નાતાલ બંદરને નામે પણ ઓળખાય છે. મને લેવાને અબદુલ્લા શેઠ આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો સ્ટીમર ઉપર પોતાના મિત્રોને લેવા આવ્યા ત્યાં જ હું સમજી ગયો કે અહીં હિંદીઓને બહુ માન નથી, અબદુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે તેમની સાથે વર્તતા હતા તેમાંય એક પ્રકારની તોછડાઈ હું જોઈ શકતો હતો, જે મને ડંખતી હતી. અબદુલ્લા શેઠને આ તોછડાઈ સદી ગઈ હતી. મને જેઓ જોતા હતા તે કંઈક કુતૂહલથી નિહાળતા હતા. મારા પોશકથી હું બીજા હિંદીઓમાંથી કંઈક તરી આવતો હતો. મેં તે વેળા 'ફ્રૉકકોટ' વગેરે પહેર્યાં હતાં અને માથે બંગાળી ઘાટની પાઘડી પહેરી હતી.

મને ઘેર લઈ ગયા. પોતાની કોટડીની પડખે એક કોટડી હતી તે મને અબદુલ્લા શેઠે આપી. તે મને ન સમજે, હું તેમને ન સમજું. તેમના ભાઈએ અપેલાં કાગાળિયાં તેમણે વાંચ્યાંને વધારે ગભરાયા. તેમને લાગ્યું કે ભાઈએ તો તેમને સફેદ હાથી બાંધ્યો. મારી સાહેબશાઈ રહેણી તેમને ખર્ચાળ લાગી. મારે સારુ ખાસ કામ તે વખતે નહોતું. તેમનો કેસ તો ટ્રાન્સવાલમાં ચાલતો હતો. તુરત મને ત્યાં મોકલીને શું કરે? વળી મારી હોશિયારીનો કે પ્રમાણિકપણાનો વિશ્વાસ પણ કેટલી હદ સુધી કરાય? પ્રિટોરિયામાં પોતે મારી સાથે હોય જ નહીં. પ્રતિવાદી પ્રિટોરિયામાં જ હોય. તેની મારા ઉપર આયોગ્ય અસર થાય તો? જો મને આ કેસનું કામ ન સોંપે તો બીજું કામ તો તેમના મહેતા મારા કરતાં ઘણું સારું કરી શકે. મહેતા ભૂલ કરે તો તેને ઠપકો દેવાય. હું ભૂલ કરું તો ? કાં તો કેસનું, કાં તો મહેતાગીરીનું આ ઉપરાંત ત્રીજું કામ ન મળે. એટલે, જો કેસનું કામ ન સોંપાય તો મને ઘેર બેઠા ખવડાવવું રહ્યું.

અબદુલ્લા શેઠનું અક્ષરજ્ઞાન ઘણું ઓછું હતું, પણ અનુભવજ્ઞાન પુષ્કળ હતું. તેમની બુદ્ધિ તીવ્ર હતી. અને એ વાતનું તેમને પોતાને ભાન હતું. અંગ્રેજી જ્ઞાન કેવળ વાતચીત પૂરતું મહાવરાથી મેળવી લીધું હતું. પણ એવા અંગ્રેજી મારફત પોતાનું બધું કામ ઉકેલી શક્તા. બૅંકના મૅનેજરો સાથે વાતો કરે, યુરોપિયન વેપારીઓ સાથે સોદા કરી આવે, વકીલોને પોતાનો કેસ સમજાવી શકે. હિંદીઓમાં તેમનું માન ખૂબ હતું. તેમની પેઢી તે વેળા બધી હિંદી પેઢીઓમાં મોટી હતી. અથવા મોટીમાંની એક તો હતી જ. તેમની પ્રકૃતિ વહેમી હતી.

તેમને ઈસ્લામનું અભિમાન હતું. તત્વ જ્ઞાનની વાતોનો શોખ રાખતા. અરબી ન આવાડતું , છતાં કુરાન શરીફની અને સામાન્ય રીતે ઈસ્લામી ધર્મ સાહિત્યની માહિતી સારી ગણાય. દ્રષ્ટાંતો તો હાજર જ હોય. તેમના સહવાસથી મને ઈસ્લામનું વ્યવહારિક જ્ઞાન ઠીક મળ્યું. અમે એક બીજાને ઓળખાતા થયા ત્યાર પછી તે મારી સાથે ધર્મચર્ચા પુષ્કળ કરતા.

બીજે કે ત્રીજે દિવસે મને ડરબનની કોર્ટ જોવાને લઈ ગયા. ત્યાં કેટલીક ઓળખાણો કરાવી. કોર્ટમાં પોતાના વકીલની પાસે મને બેસડ્યો. મૅજિસ્ટ્રેટ મારી સામું જોયા કરે. તેણે મને મારી પાઘડી ઉતારવા કહ્યું. મેં તે ઉતારવાની ના પાડી, ને કોર્ટ છોડી.

મારે નસીબે તો અહીં પણ લડાઈ જ હતી.

પાઘડી ઉતારવાનો ભેદ અબદુલ્લ્લા શેઠે સમજાવ્યો. મુસલમાની પોશાક જેણે પહેર્યો હોય તે પોતાની મુસલમાની પાઘડી પહેરી શકે. બીજા હિંદીઓએ કોર્ટમાં દાખલ થતાં પોતાની પાઘડી ઉતારવી જોઈએ.

આ ઝીણો ભેદ સમજાવવા સારુ કેટલીક હકીકતમાં મારે ઊતરવું પડશે.

મેં આ ત્રણ દિવસમાં જ જોઈ લીધું હતું કે હિંદીઓ પોતપોતાના વાડા રચીને બેસી ગયા હતા. એક ભાગ મુસલમાની વેપારીનો - તેઓ પોતાને 'અરબ'ને નામે ઓળખાવે. બીજો ભાગ હિંદુ કે પારસી મહેતાઓનો. હિંદુ મહેતા અદ્ધર લટકે. કોઈ 'અરબ'માં ભળે. પારસી પર્શિયન તરીકે ઓળખાવે. આ ત્રણને વેપારની બહારનો અરસપરસ સંબંધ ઓછાવત્તા પ્રમાણમાં ખરો. એક ચોથો ને મોટો વર્ગ તે તામિલ , તેલુગુને ઉત્તર તરફના ગિરમીટિયાનો અને ગિરમીટમુક્ત હિંદીઓનો. ગિરમીટ એટલે, જે કરાર કરીને પાંચ વર્ષની મજૂરી કરવા ગરીબ હિંદીઓ તે વેળા નાતાલ જતા તે કરાર અથવા 'એગ્રીમેન્ટ'. 'એગ્રીમેન્ટ'નું અપભ્રષ્ટ ગિરમીટ, અને તે ઉપરથી ગિરમીટિયા થયું. આ વર્ગની સાથે બીજાનો વ્યવહાર માત્ર કામ પૂરતો જ રહેતો. આ ગિરમીટિયાને અંગ્રેજો 'કુલી' તરીકે ઓળખે. અને તેમની સંખ્યા મોટી, તેથી બીજા હિંદીઓને પણ કુલી જ કહે. કુલીને બદલે 'સામી' પણ કહે. 'સામી' એ ઘણાં તામિલ નામને છેડે આવતો પ્તત્યય. સામી એટલે સ્વામી. સ્વામી નો અર્થ તો ધણી થયો. તેથી કોઈ હિંદી સામી શબ્દથી ચિડાય ને તેનામાં કંઈ હિંમત હોય તો પેલા અંગ્રેજને કહે : 'તમે મને 'સામી' કહો છો, પણ જાણો છો કે 'સામી' એટલે 'ધણી'? હું કંઈ તમારો ધણી નથી' આવું સાંભળી કોઈ અંગ્રેજ શરમાય , ને કોઈ ખિજાય ને વધારે ગાળ દે અને ભલો હોય તો મારે પણ ખરો, કેમ કે તેને મન તો 'સામી' શબ્દ નિંદાસૂચક જ હોય. તેનો અર્થ ધણી કરવો તે તેનું અપમાન કર્યા બરોબર જ થયું.

તેથી હું 'કુલી બારિસ્ટર' જ કહેવાયો. વેપારીઓ 'કુલી વેપારી' કહેવાય. કુલીનો મૂળ અર્થ મજૂર એ તો ભુલાઈ ગયો. વેપારી આ શબ્દથી ગુસ્સે થાય ને કહે : ' હું કુલી નથી. હું તો અરબ છું,' અથવા 'હું વેપારી છું.' જરા વિનયી અંગ્રેજ હોય તો એવું સાંભળે ત્યારે માફી પણ માંગે.

આ સ્થિતીમાં પાઘડી પહેરવાનો પ્રશ્ન મોટો થઈ પડ્યો.પાઘડીએ ઉતારવી એટલે માનભંગ સહન કરવો. મેં તો વિચાર્યું કે હું હિંદુસ્તાની પાઘડીને રજા આપું અને અંગ્રેજી ટોપી પહેરું, જેથી તે ઉતારવામાં માનભંગ ન લાગે અને હું ઝઘડામાંથી બચી જાઉં.

અબદુલ્લા શેઠને એ સૂચના ન ગમી. તેમણે કહ્યું : ' જો તમે આ વેળા એવો ફેરફાર કરશો તો તેનો અનર્થ થશે. બીજાઆ દેશની જ પાઘડી પહેરવા માગતા હશે તેમની સ્થિતી કફોડી થશે, વળી, આપણી દેશની પાઘડી જ તમને તો દીપે. તમે અંગ્રેજી ટોપી પહેરશો તો તમે 'વેટર'માં ખપશો.'

આ વાક્યોમાં દુન્વયી ડહાપણ હતું, દેશાભિમાન હતું, ને કંઈક સાંકડાપણું પણ હતું. દુન્વયી ડહાપણ તો સ્પષ્ટ જ છે. દેશાભિમાન વિના પાઘડીનો આગ્રહ ન હોય. સાંકડાપણા વિના 'વેટર'ની ટીકા ન હોય. ગિરમીટિયા હિંદીમાં હિંદુ, મુસલમાન ને ખ્રિસ્તીઓ એવા ત્રણ ભાગ હતા. ખ્રિસ્તી તે, ગિરમીટિયા હિંદી જે ખ્રિસ્તી થયેલા તેની પ્રજા. આ સંખ્યા ૧૮૯૩માં પણ મોટી હતી. તેઓ બધાં અંગ્રેજી પોશાક જ પહેરે. તેમાંનો સારો ભાગ હોટેલોમાં નોકરી કરીને આજીવિકા પેદા કરે. આ ભાગને ઉદ્દેશીને અંગ્રેજી ટોપીની ટીકા અબદુલ્લા શેઠનાં વાક્યોમાં હતી. હોટેલમાં 'વેટર' તરીકે ખપવામાં હલકાઈ એ માન્યતા તેમાં રહેલી હતી. આજ પણ એ ભેદ તો ઘણાને વસે.

મને અબ્દુલ્લા શેઠની દલીલ એકંદર ગમી. મેં પાઘડીના કિસ્સા ઉપર મારા ને પાઘડીના બચાવનો કાગળ છાપામાં લખ્યો. છાપામાં મારી પાઘડીની ખૂબ ચર્ચા થઈ. 'અનવેલકમ વિઝિટર' - 'વણ નોતર્યો પરોણો' - એવા મથાળાથી હું છાપે ચઢ્યો, ને ત્રણ ચાર દિવસની અંદર જ, અનાયાસે, મને દક્ષિણ આફ્રિકામાં જાહેરાત મળી. કોઈએ મારો પક્ષ લીધો, કોઈએ મરી ઉદ્ધતાઈની ખૂબ નિંદા કરી.

મારી પાઘડી તો લગભગ છેવટ લગી રહી. ક્યારે ગઈ તે આપણે અંતના ભાગમાં જોશું.


0 comments


Leave comment