2 - તોફાન / મોહનદાસ કરમચંદ ગાંધી


અઢારમી ડિસેમ્બરની આસપાસ બંને સ્ટીમરો નાંગરી. દક્ષિણ આફ્રિકાનાં બંદરોમાં ઉતારુઓના આરોગ્યની પૂરી તપાસ થાય છે, જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે. અમે મુંબઈ છોડ્યું ત્યારે ત્યાં મરકી તો ચાલતી જ હતી. તેથી અમને કંઈક સૂતક નડવાનો ભય હતો જ. બંદરમાં નાંગર્યા પછી સ્ટીમરને પ્રથમતો પીળો વાવટો જ ચડાવવો પડે છે. દાક્તરી તપાસ પછી જ્યારે દાક્તર મુક્તિ આપે ત્યારે પીળો વાવટો ઉતરે છે ને પછી ઉતારુઓનાં સગાંસાંઈ વગેરેને સ્ટીમર ઉપર આવવાની રજા મળે છે.

આ પ્રમાણે અમારી સ્ટીમર ઉપર પણ પીળો વાવટો ફરકતો હતો. દાક્તર આવ્યા. તપાસ કરી પાંચ દિવસનું સૂતક નાંખ્યું, કેમકે મરકીનાં જંતુ ત્રેવીસ દિવસ સુધી દેખા દે છે એવી તેમની માન્યતા હતી. અને તેથી તેમણે મુંબઈ છોડ્યા પછી ત્રેવીસ દિવસ સુધી સ્ટીમરોને સૂતકમાં રાખવી એમ ઠરાવ્યું.

પણ આ સૂતકના હુકમનો હેતુ કેવળ આરોગ્ય નહોતો. અમને પાછા હાંકી કાઢવાની હિલચાલ ડરબનમાંના ગોરા શહેરીઓ કરી રહ્યા હતા, તે પણ આ હુકમમાં કારણભૂત હતી.

દાદા અબદુલ્લા તરફથી અમને શહેરમાં ચાલી રહેલી આ હિલચાલની ખબરો મળ્યા કરતી હતી. ગોરાઓ ઉપરાઉપર જંગી સભાઓ કરતા હતા. દાદા અબદુલ્લા ઉપર ધમકીઓ મોકલતા હતા. તેમને લાલચ પણ દેતા હતા. જો દાદા અબદુલ્લા બંને સ્ટીમરોને પાછી લઈ જાય તો તેમને નુકસાની ભરી આપવા તૈયાર હતા. દાદા અબદુલ્લા કોઈની ધમકીથી ડરે એવા નહોતા. આ વેળા ત્યાં શેઠ અબદુલ કરીમ હાજી આદમ પેઢીએ હતા. તેમણે ગમે તે નુકસાન વેઠીને પણ સ્ટીમરને બંદર પર લાવવાની ને ઉતારુઓને ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી. મારા ઉપર હંમેશાં તેમના વિગતવાર કાગળો આવતા. સારા નસિબે આ વેળા મરહૂમ મનસુખલાલ હીરાલાલ નાજર મને મળાવા ડરબન આવી પહોંચ્યા હતા. તેઓ બાહોશ અને બહાદુર હતા. તેમણે કોમને નેક સલાહ આપી. વકીલ મિ. લૉટન હતા. તે પણ તેવા જ બહાદુર હતા. તેમણે ગોરાઓનુઇં કામ વખોડી કાઢ્યું, ને આ વેળા કોમને જે સલાહ આપી તે કેવળ વકીલ તરીકે પૈસા લઈને નહીં પણ એક સાચા મિત્ર તરીકે આપી.

આમ ડરબનમાં દ્વંદ્વયુદ્ધ જામ્યું. એક તરફથી મૂઠીભર ગરીબડા હિંદીઓ અને તેમના ગણ્યાગાંઠ્યા અંગ્રેજ મિત્રો; બીજી તરફથી ધનબળ, બાહુબળ, અક્ષરબળ ને સંખ્યાબળમાં પૂરા અંગ્રેજો. આ બળવાન પ્રતિપક્ષીને સત્તાબળ પણ મળ્યું, કેમ કે નાતાલની સરકારે ઉઘાડી તીતે તેને મદદ કરી. મિ. હૅરી ઍસ્કર્બ, જેઓ પ્રધાનમંડળમાં હતા ને તેમાં કર્તાહર્તા હતા, તેમણે આ મંડળની સભામાં જાહેર રીતે ભાગ લીધો.

એટલે અમારું સૂતક કેવળ આરોગ્યના નિયમોને જ આભારી નહોતું. કેમે કરીને એજન્ટને અથવા ઉતારુઓને દબાવીને અમને પાછા કાઢવા હતા. એજન્ટને તો ધમકી હતી જ. હવે અમારા ઉપર પણ ધમકીઓ આવી@ 'જો તમે પાછા નહીં જાઓ તો તમને દરિયામાં ડુબાવી દેવામાં આવશે. પાછા જશો તો તમારું પાછા જવાનું ભાડું પણ કદાચ તમને મળે.' હું ઉતારુઓમાં ખૂબ ફર્યો. તેમને ધીરજ આપી. 'નાદરી'ના ઉતારુઓને પણ ધીરજના સંદેશા મોકલ્યા. ઉતારુઓ શાંત રહ્યા ને તેમણે હિઁઅત બતાવી.

ઉતારુઓના વિનોદને સારુ સ્ટીમરમાં ગમતો ગોઠવવામાં આવી હતી. નાતાલના દિવસો આવ્યા. કપ્તાને તે સમયે પહેલા વર્ગના ઉતારુઓને ખાણું આપ્યું. ઉતારુઓમાં મુખ્યત્વે તો હું અને મારું કુટુંબ જ હતાં. ખાણા પછી ભાષણો તો હોય જ. મેં પશ્ચિમના સુધારા ઉપર ભાષણ કર્યું. હું જાણતો હતો કે આ અવસર ગંભીર ભાષણનો ન હોય પણ મારાથી બીજું ભાષણ થઈ શકે એમ નહોતું. વિનોદમાં હું ભાગ લેતો હતો, પણ મારું દિલ તો ડરબનમાં ચાલી રહેલી લડતમાં જ હતું.

કેમ કે, આ હુમલામાં મધ્યબિંદુ હું હતો. મારા ઉપર બે તહોમત હતાં:

મેં હિંદુસ્તાનમાં નાતાલવાસી ગોરાઓની અઘટિત નિંદા કરી હતી;
હું નાતાલને હિંદીઓથી ભરી દેવા માગતો હતો. અને તેથી 'કુરલૅડ' અને 'નાદરી'માં ખાસ નાતાલમાં વસાવવા ખાતર હિંદીઓને ભરી લાવ્યો હતો.

મને મારી જવાબદારીનું ભાન હતું. મારે લીધે દાદા અબદુલ્લા ભારે નુકસાનમાં ઊતર્યા હતા. ઉતારુઓના જાન જોખમમાં હતા ને મારા કુટુંબને સાથે લાવીને તેને પણ મેં દુ:ખમાં હોમ્યું હતું.

વળી હું પોતે તદ્દન નિર્દોષ હતો. મેં કોઈને નાતાલ જવા લલચાવ્યા નહોતા. 'નાદરી'ના ઉતારુઓને હું ઓળખતો પણ નહોતો. 'કુરલૅડ'માં મારા બે ત્રણ સગાઓ ઉપરાંત સેંકડો ઉતારુઓનાં હું નામઠામ સરખાં જાણતો નહોતો. મેં હિંદુસ્તાનમાં નાતાલના અંગ્રેજો વિષે એવો એક અક્ષરે નહોતો કહ્યો કે જે હું નાતાલમાં ન કહી ચૂક્યો હોઉં, ને જે હું બોલ્યો હતો તેને સારુ મારી પાસે પુષ્કળ પુરાવા હતા.

તેથી, જે સુધારાની નાતાલના અંગ્રેજો નીપજ હતા, જેના તેઓ પ્રતિનિધિ અને હિમાયતી હતા, તે સુધારાને વિષે મને ખેદ ઊપજ્યો. હું તેનો જ વિચાર કર્યા કરતો હતો, તેથી તેના જ વિચારો મેં આ નાનકડી સભા આગળ રજૂ કર્યા ને શ્રોતાવર્ગે તે સહન કર્યા. જે ભાવથી મેં તે રજૂ કર્યા તે જ ભાવથી કપ્તાન ઇત્યાદિએ તે ઝીલ્યા. તે ઉપરથી તેઓના જીવનમાં કંઈ ફેરફાર થયો કે નહીં તે હું નથી જાણતો. પણ આ ભાષણ પછી મારે કપ્તાન તેમ જ બીજા અમલદારો જોડે સુધારા વિષે ઘણી વાતો થઈ. પશ્ચિમના સુધારાને મેં પ્રધાનપણે હિંસક તરીકે ઓળખાવ્યો; પૂર્વનાને અહિંસક તરીકે. પ્રશ્નકારોએ મારા સિદ્ધાંત મને જ લાગ્યુ પાડ્યા. ઘણું કરીને કપ્તાને જ પૂછ્યું:

'ગોરાઓ જેવી ધમકી આપે છે તે જ પ્રમાણે જો તેઓ તમને ઈજા કરે તો તમારા અહિંસાના સિધાંતોનો તમે કેવી રીતે અમલ કરો?'

મેં જવાબ આપ્યો: 'મારી ઉમેદ છે કે તેઓને માફ કરવાની અને તેમના ઉપર કામ ન ચલાવવાની હિંમત ને બુદ્ધિ ઈશ્વર મને આપશે. આજે પણ મને તેમના ઉપર રોષ નથી. તેઓના અજ્ઞાનનો, તેઓની સંકુચિત દૃષ્ટિનો મને ખેદ થાય છે. તેઓ જે કહી રહ્યા છે ને કરી રહ્યા છે એ યોગ્ય છે એમ તેઓ શુદ્ધ ભાવે માને છે, એવું હું માનું છું. એટલે મને રોષનું કારણ નથી.' પૂછનાર હસ્યો. મારું કહેવું તેણે કદાચ માન્યું નહીં હોય.

આમ અમારા દહાડા ગયા ને લંબાયા. સૂતક બંધ કરવાની મુદત છેવટ લગી મુકરર ન રહી. આ ખાતાના અમલદારને પૂછતાં તે કહે, 'મારી સત્તાની બહારની આ વાત છે. સરકાર મને હુકમ કરે ત્યારે હું ઊતરવા દઉં.'

છેવટે, ઉતારુઓ ઉપર અને મારા ઉપર અલ્ટીમેટમ આવ્યાં. બંનેને જીવના જોખમની ધમકી આપવામાં આવી હતી. બંનેએ નાતાલના બંદરમાં ઊતરવાના પોતાના હક વિષે લખ્યું, ને ગમે તે જોખમે હકને વળગી રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો.

છેવટે, ત્રેવીસ દહાડે, એટલે કે ૧૮૯૭ના જાનેવારીની ૧૩મી તારીખે સ્ટીમરને મુક્તિ મળી ને ઉતારુઓને ઊતરવાનો હુકમ બહાર પડ્યો.


0 comments


Leave comment