9 - સાદાઈ / મોહનદાસ કરમચંદ ગાંધી


ભોગો ભોગવવાનો આરંભ તો કર્યો, પણ તે ટકી ન શક્યો. રાચરચીલું વસાવતાં તો મને મને તે ઉપર મોહ ન જ ઊપજી શક્યો. એતલે ઘર વસાવ્યું તેવો જ મેં ખરચ ઓછું કરવાનો આરંભ કર્યો. ધોબીનું ખરચ પણ વધારે લાગ્યું. અને વળી ધોબી નિયમિતપણે કપડાં ન આપે તેથી બેત્રણ ડઝન ખમીસથી ને તેટલા કૉલરથી પણ મારું ન નભે. કૉલર રોજ બદલવા; ખમીસ રોજ નહિં તો એકાંતરે બદલવા. એટલે બે તરફથી ખરચ થાય. આ મને નકામું જણાયું. એટલે ધોવાનો સરંજામ વસાવ્યો.ધોવાની કળાની ચોપડી વાંચીને ધોવાનું શીખ્યો. પત્નીને પણ શીખવ્યું. કંઇક બોજો તો વધ્યો જ, પણ નવું હતું એટલે વિનોદ થતો.

મારો પહેલો હાથે ધોયેલો કૉલર તો હું કદી ભૂલું તેમ નથી. એમાં આર વધારે ચડેલ ને ઈસ્તરી પૂરી ગરમ નહોતી. વળી, કૉલર દાઝી જવાની બીકે ઈસ્તરી બરોબર દાબી નહીં, તેથી તે અક્કડ તો બન્યો પણ તેમાંથી આર ખર્યા કરતો હતો !

આવે હાલે હું કોર્ટમાં ગયો ને બારિસ્ટરોને મજાક કરવાનું સાધન બન્યો. પણ મારામાં આવી મજાક સહન કરવાની શકિત તે કાળે પણ ઠીક હતી.

'કોલર હાથે ધોવાનો આ પહેલો અખતરો છે, એટલે તેમાંથી આર ખરે છે. મને એ અડચણકર્તા નથી, ને વળી તમને બધાને આટલો વિનોદ પૂરો પાડું છું એ વધારાનો નફો. ' મેં ખુલાસો કર્યો.

'પણ ધોબી ક્યાં નથી મળતા?' એક મિત્રે પૂછ્યું.

'અહીં ધોબીનો ખરચ મને તો અસહ્ય લાગે છે. કૉલરની કિઁઅત જેટલી ધોવાઈ થાય અને એ આપતાં છતાં ધોબીની ગુલામી ભોગવવી. એના કરતાં હાથે ધોવું હું પસંદ કરું છું.'

આ સ્વાવલંબનની ખૂબી હું મિત્રોને ન સમજાવી શક્યો.

મારે કહેવું જોઈએ કે છેવટે ધોબીના ધંધામાં મારા કામપૂરતી કુસ્સ્શળતા મેં મેળવી લીધી હતી, અને ધોબીના ધોણ કરતા ઘરનું ધોણ મુદ્લ ઊતરતું નહોતું. કૉલરનું અક્કડપણું તેમ જ ચળકાટ ધોબીના ધોયેલ કૉલર કરતાં ઊતરતાં નહોતા. ગોખલેની પાસે સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેની પ્રસાદીરૂપ એક ઉપરણો હતો. એ ઉપરણો ગોખલે અતિશય જતનથી રાખતા અને ખાસ પ્રસંગે જ વાપરતા. જોહાનિસબર્ગમાં તેમના માનમાં જે ખાણું આપવામાં આવ્યું હતું તે મેળાવડાનો પ્રસંગ મહત્વનો હતો. દક્ષિણ આફ્રિકામાં આ તેમનું મોટામાં મોટું ભાષણ હતું. તેથી તે પ્રસંગે તેમને પેલો ઉપરણો વાપરવો હતો. તે ચોળાયેલો હતો ને તેને ઈસ્તરી કરવાની જરૂર હતી.ધોબી મેળવી તેની પાસે તુરત ઈસ્તરી કરાવવી એ અસંભવિત હતું. મારી કળાનો ઉપયોગ કરવા દેવાની મેં માગણી કરી.

'તારી વકીલાતનો હું વિશ્વાસ કરું, પણ આ ઉપરણા ઉપર તારી ધોબીકળાનો ઉપયોગ કરવા હું ન દઊ. એ ઉપરણાને તું ડાઘ પાડે તો ? એની કિમત તું જાણે છે ?' આમ કહી અતિ ઉલ્લાસથી પ્રસાદીની કથા મને સંભળાવી.

મેં વિનય કર્યો ને ડાઘ ન પડવા દેવાની ખોળાધરી આપી. મને ઈસ્તરી કરવાની રજા મળી. મારી કુશળતાનું મને પ્રમાણપત્ર મળી ચૂક્યું ! હવે મને જગત પ્રમાણપત્ર ન આપે તો શું થયું ?

જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટ્યો તેમ હજામની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. હજામત તો વિલાયત જનારા સહુ હાથે કરતા શીખે જ. પણ વાળ કાપવાનું કોઈ શીખતા હોય એવો મને ખ્યાલ નથી. પ્રિટોરિયામાં હું એક વેળા એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યો. તેણે મારી હજામત કરવાની ઘસીને ના પાડી , ને ના પાડવામાં જે તિરસ્કાર બતાવ્યો તે વધારાનો . મને દુ:ખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીધ્યો ને અરીસાની સામે ઊભા રહી વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા; પણ પાછળના કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. કોર્ટમાં હસાહસ.

'તારે માથે ઉંદર ફરી ગયા છે?'

મેં કહ્યું: 'ના; મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વથારે પ્રિય છે.'

આ જવાબથી મિત્રોને આશ્વર્ય ન થયું ખરું જોતાં પેલા હજામનો કશો દોષ ન હતો. જો તે શ્યામવર્ણ લોકોના વાળ કાપે તો તેની કમાણી જાય. આપણે ક્યાં આપણા અસ્પૃશ્યોના વાળ ઊંચવર્ણા હિંદુઓના હજામ પાસે કપાવા દઈએ છીએ ? એનો બદલો મને દક્ષિણ આફ્રિકામાં એક નહીં પણ અનેક વેળા મળ્યો છે; અને આપણા દોષનું એ પરિણામ છે એવી મારી સમજ હોવાથી મને એ વાતનો કદી રોષ નથી ચડ્યો.

સ્વાવલંબન અને સાદાઈના મારા શોખે આગળ જતાં જે તીવ્ર સ્વરૂપ પકડ્યું તેનું વર્ણન તો તેને સ્થળે આવશે. તે વસ્તુનું મૂળ તો અસલથી જ હતું. તેને ફાલવાને સારુ માત્ર સિંચનની આવશ્યકતા હતી. તે સિંચન અનાયાસે જ મળી રહ્યું.


0 comments


Leave comment