25 - પાછો દક્ષિણ આફ્રિકા / મોહનદાસ કરમચંદ ગાંધી


મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામ વાળું મકાન રહેવા લાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. તેથી રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બંને એ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જદ્યામાં બંગલો લેવાનો નિશ્ચ્ય કર્યો. હું વાંદરા, સાંતાક્રુઝ વગેરેમાં ભટક્યો. વાંદરામાં કતલખાનું હતું તેથી વાંદરામાં રહેવાની અમારામાંથી કોઈની ઈચ્છા ન થઈ. ઘાટકુપર વગેરે દરિયાથી દૂર લાગ્યાં. સાંતક્રુઝમાં એક સુંદર બંગલો મળી આવ્યો તેમાં રહેવા ગયા, ને આરોગ્યની દ્રષ્ટિએ અમે સુરક્ષિત થયા એમ લાગ્યું. મેં ચર્ચગેટ જવાનો પહેલા વર્ગનો પાસ કઢાવ્યો. પહેલા વર્ગમાં ઘણી વાર હું એકલો જ હોઉં તેથી કામીક અભિમાન પણ માનતો એમ યાદ છે. ઘણી વેળા વાંદરાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી પકડવા સાંતાક્રુઝથી વાંદરા હું ચાલીને જતો.

મારો ધંધો, આર્થિક દ્રષ્ટિએ, મેં ધાર્યું હતું તેના કરતાં ઠીક ચાલ્યો એમ લાગ્યું. દક્ષિણ આફ્રિકાના અસીલો મને કંઈક કામ સોંપ્યા કરતા તેમાંથી મારું ખરચ સહેલાઈથી નભી રહેશે એમ મને લાગ્યું.હાઇકોર્ટનું કામ તો મને હજુ કંઈ મળતું આમ એક તરફથી મારા ધંધા વિષે કંઈક નિશ્ચિતતા આવવા લાગી.

બીજી તરફ ગોખલેની આંખ તો મારી તરફ તરવર્યા જ કરતી હતી. અઠવાડિયામાં બેત્રણ વખત ચેમ્બરમાં આવી મારી ખબર કાઢી જાય ને પોતાના ખાસ મિત્રોને પણ કોઈ કોઈ વાર લઈ આવે. પોતાની કાર્ય કરવાની ઢબથી મને વાકે ફ કરતા જાય.

પણ મારા ભવિષ્યની બાબતમાં મારું ધાર્યું કંઈ જ ઇશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે.

જ્યાં મેં સ્વસ્થ થવાનો નિશ્ચય કર્યો ને સ્વસ્થતા અનુભવી ત્યાં દક્ષિણ આફ્રિકાથી અણધાર્યો તાર આવ્યો; 'ચેમ્બરલેન અહીં આવે છે, તમારે આવવું જોઈએ.' મારું વચન તો મને યાદ જ હતું. મેં તાર દીધો, 'મારું ખરચ મોકલો, આવવા તૈયાર છું.' તેઓએ તુરત પૈસા મોકલ્યા ને ઓફિસ સંકેલી હું રવાના થયો.

મેં ધાર્યું હતું કે મને એક વર્ષ તો સહેજે ચાલ્યું જશે. બંગલો ચાલુ રાખ્યો ને બાળબચ્ચાં ત્યાં જ રહે એ ઈષ્ટ માન્યું.

હું તે વેળા માનતો હતો કે, જે જુવાનિયાઓ દેશમાં ન કમાતા હોય ને સાહસિક હોય તેમણે દેશાવર નીકળી જવું એ સારું છે. તેથી મારી સાથે ચાર પાંચને લઈ ગયો. તેમાં મગનલાલ ગાંધી પણ હતા.

ગાંધી કુટુંબ મોટું હતું. આજ પણ છે. મારી દાનત એવી હતી કે તેમાંના જે સ્વતંત્ર થવા ઈચ્છે તે સ્વતંત્ર થાય. મારા પિતા ઘણાને નિભાવતા, પણ તે રજવાડાની નોકરીમાં. આ નોકરીમાંથી નીકળાય તો સારું એમ મને લાગ્યું. હું તેઓને નોકરી મેળવવામાં મદદ કરું તેમ નહોતું.શક્તિ હોય તોયે ઈચ્છા નહોતી.તેઓ તેમ જ બીજા સ્વાશ્રયી બને તો સારું એવી ધારણા હતી.

પણ છેવટે જેમ મારા આદર્શ આગળ ગયા (એમ હું માનું છું )તેમ આ જુવાનોના આદર્શોને પણ વાળવાનો મેં પ્રયત્ન કર્યો. તેમાં મગનલાલ ગાંધીને દોરવામાં હું બહુ સફળતા પામ્યો. પણ આ વિષય આગળ ઉપર હાથ લેવો પડશે.

બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્વિત વસ્તુમાંથી અનિશ્વિતમાં પ્રવેશ - આ બધું ક્ષણભર સાલ્યું. પણ હું તો અનિશ્વિત જિંદગીથી ટેવાઇ ગયો હતો. આ જગતમાં જ્યાં, ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઇ જ નિશ્વિત નથી, ત્યાં નિશ્વિતપણાનો ખ્યાલ કરવો એજ દોષમય લાગે છે. આ જે બધું આપણી આસપાસ દેખાય છે ને બને છે તે બધું અનિશ્વિત છે, ક્ષણિક છે; તેમાં જે એક પરમતત્વ નિશ્વિતરૂપે છુપાયેલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રધ્ધા રહે, તો જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરુષાર્થ છે.

હું ડરબન એક દિવસ પણ વહેલો પહોંચ્યો એમ ન કહેવાય. મારે સારુ કામ તૈયાર જ હતું. મિ. ચેમ્બરલેન પાસે ડેપ્યુટેશન જવાની તારીખ મુકરર થઈ ચુકી હતી. મારે તેમની સમક્ષ વાંચવાની અરજી ઘડવાની હતી ને ડેપ્યુટેશનની સાથે જવાનું હતું.


0 comments


Leave comment