14 - દેશમાં /મોહનદાસ કરમચંદ ગાંધી


આમ દેશ જવા વિદાય થયો. રસ્તામાં મોરેશિયસ આવતું હતું. ત્યાં સ્ટીમર લાંબો વખત રોકાઇ હતી. તેથી મોરેશિયસમાં ઊતર્યોને ત્યાંની સ્થિતિનો ઠીક અનુભવ લીધો. એક રાત ત્યાંના ગવર્નર, સર ચાર્લ્સ બ્રૂસને ત્યાં પણ ગાળી હતી.

હિંદુસ્તાન પહોંચ્યા પછી થોડો સમય ફરવામાં ગાળ્યો. આ સને ૧૯૦૧ની સાલ હતી. એ વર્ષની મહાસભા કલકત્તે હતી. દીનશા એદલજી વાચ્છા પ્રમુખ હતા. મારે મહાસભામાં તો જવાનું હતું જ. મહાસભાનો મારો આ પહેલો અનુભવ હતો.

મુંબઈથી જે ગાડીમાં સર ફિરોજશા નીકળ્યા તે જ ગાડીમાં હું ગયો હતો. તેમની સાથે મારે દક્ષિણ આફ્રિકા વિષે વાત કરવાની હતી. મને તેમના ડબ્બામાં એક સ્ટેશન લગી જવાની આજ્ઞા હતી. તેમણે તો ખાસ સલૂન રોક્યું હતું. તેમના બાદશાહી ખરચથી ને દમામથી હું વાકેફ હતો. જે સ્ટેશને તેમના ડબ્બામાં જવાની મને આજ્ઞા હતી તે સ્ટેશને હું ગયો. તેમના ડબ્બામાં એ વખતે તે વેળાના દીનશાજી અને તે વેળાના ચીમનલાલ સેતલવાડ શેઠ બેઠા હતા. તેમની સાથે રાજ્યપ્રકરણ ચાલી રહ્યું હતું. મને જોઈને સર ફિરોજશા બોલ્યાઃ 'ગાંધી, તમારું કામ સરવાનું નથી. તમે કહેશો તે ઠરાવ તો અમે પાસ કરી દઈશું, પણ આપણા દેશમાં જ આપણને શા હક મળે છે? હું તો માનું છું કે જ્યાં લગી આપણા દેશમાં આપણને સત્તા નથી ત્યાં લગી સંસ્થાનોમાં તમારી સ્થિતિ સુધરી નહીં શકે.'

હું તો આભો જ થઈ રહ્યો. સર ચીમનલાલે ટાપશી પૂરી. સર દીનશાએ મારી સામે દયામણી નજરે જોયું.

મેં સમજાવવા કઈંક પ્રયત્ન કર્યો. પણ મુંબઈના બેતાજ બાદશાહને મારા જેવો શું સમજાવી શકે? મને મહાસભામાં ઠરાવ રજૂ કરવા દેશે એટલાથી મેં સંતોષ માન્યો.

'ઠરાવ ઘડીને મને બતાવજે હોં, ગાંધી!' સર દીનશા વાચ્છા મને ઉત્તેજન દેવા બોલ્યા.

મેં ઉપકાર માન્યો. બીજે સ્ટેશને જેવી ગાડી ઊભી રહી તેવો હું ભાગ્યો ને મારા ડબ્બામાં પેસી ગયો.

કલકત્તે પહોંચ્યા. શહેરીઓ પ્રમુખ વગેરે નેતાઓને ધામધૂમથી લઈ ગયા. મેં કોઈ સ્વયંસેવકને પૂછ્યું, 'મારે ક્યાં જવું?'

તે મને રિપન કૉલેજમાં લઈ ગયો. તેમાં ઘણા પ્રતિનિધિઓનો સમાસ હતો. મારે સદ્ભાગ્યે, જે વિભાગમાં હું હતો તેમાં જ લોકમાન્યનો પણ ઉતારો હતો. તેઓ એક દિવસ પાછળથી આવેલા એવું મને સ્મરણ છે. જ્યાં લોકમાન્ય હોય ત્યાં નાનો સરખો દરબાર તો જામે જ. હું ચિતારો જોઉં તો, જે ખાટલા ઉપર તે બેસતા તેનું ચિત્ર આલેખી કાઢું. એટલું ચોખ્ખું તે જગ્યાનું ને તેમની બેઠકનું સ્મરણ મને હજુ છે. તેમને મળવા આવનાર અસંખ્ય માણસોમાં એકનું જ નામ મને યાદ છે. 'અમૃતબજાર પત્રિકા'ના મોતીબાબુ. આ બેનું ખડખડાટ હસવું ને રાજકર્તાઓના અન્યાયની તેમની વાતો ન ભુલાય તેવાં છે.

પણ અહીંની ગોઠવણ જરા તપાસીએ.

સ્વયંસેવકો એકબીજા સાથે અથડાય. જે કામ જેને સોંપો તે તેનું ન હોય. તે તુરત બીજાને બોલાવે; બીજો ત્રીજાને. બાપડો પ્રતિનિધિ તો નહીં ત્રણમાં, નહીં તેરમાં ને નહીં છપ્પનના મેળમાં.

મેં કેટલાક સ્વયંસેવકો જોડે દોસ્તી કરી. તેમને કઈંક દક્ષિણ આફ્રિકાની વાત કરી. તેથી તેઓ જરા શરમાયા. મેં તેમને સેવાનો મર્મ સમજાવવા પ્રયત્ન કર્યો. તે થોડું સમજ્યા. પણ સેવાની આવડત કંઇ બિલાડીના ટોપની પેઠે ઊગી નીકળતી નથી. તેને સારુ ઇચ્છા જોઇએ ને પછી મહાવરો. આ ભોળા ને ભલા સ્વયંસેવકોને ઇચ્છા તો ઘણીય હતી. પણ તાલીમ ને મહાવરો ક્યાંથી મળે? મહાસભા વરસમાં ત્રણ દિવસ મળી સૂઇ જાય. દર વર્ષે ત્રણ દિવસની તાલીમથી કેટલું ઘડતર થાય?

જેવા સ્વયંસેવકો તેવા જ પ્રતિનિધિ. તેમને પણ તેટલા જ દહાડાની તાલીમ. પોતાના હાથે પોતે કશું જ ન કરે. બધી વાતમાં હુકમ. 'સ્વયંસેવક, આ લાવો ને તે લાવો' ચાલ્યા જ કરે.

અખા ભગતના 'અદકેરા અંગ'નો પણ ઠીક અનુભવ થયો. આભડછેટ ઘણાને લાગે. દ્રાવિડી રસોડું તો સાવ નિરાળું. આ પ્રતિનિધિઓને 'દૃષ્ટિદોષ' પણ લાગે! તેમને સારુ કોલેજના કમ્પાઉન્ડમાં સાદડીઓનું રસોડું બાંધવામાં આવ્યું હતું. માણસ ગૂંગળાઇ જાય એટલો તેમાં ધુમાડો. ખાવાનું પીવાનું બધું તેમાં. રસોડું એટલે તિજોરી. ક્યાંયથી ઉઘાડું ન જ હોવું જોઇએ!

મને આ વર્ણધર્મ અવળો લાગ્યો. મહાસભામાં આવનારા પ્રતિનિધિઓ જો આટલા અભડાય તો તેમને મોકલનારા કેટલા અભડાતા હશે, એમ ત્રિરાશીનો મેળ બાંધતાં જે જવાબ મળ્યો તેથી મેં નિસાસો મૂક્યો.

ગંદકીનો પાર નહોતો. બધે પાણી જ પાણી થઈ રહ્યું હતું. પાયખાનાં થોડાં જ હતાં. તેની દુર્ગંધનું સ્મરણ મને હજુ પજવે છે. સ્વયંસેવકને મેં તે બતાવ્યું. તેણે ઘસીને કહ્યું, 'એ તો ભંગીનું કામ.' મેં સાવરણાની માગણી કરી. પેલો સામું જોઇ રહ્યો. મેં સાવરણો પેદા કરી લીધો. પાયખાનું સાફ કર્યું. પણ એ તો મારી સગવડ ખાતર. ભીડ એટલી હતી ને પાયખાનાં એટલાં ઓછાં હતાં કે દરેક ઉપયોગ પછી તે સાફ થવાં જોઇએ. તેમ કરવું મારી શક્તિ બહાર હતું. એટલે મેં મારા પૂરતી સગવડ કરી લઈ સંતોષ વાળ્યો. મેં જોયું કે બીજાઓને એ ગંદકી ખૂંચતી નહોતી.

પણ આટલેથી બસ નહોતું. રાતની વેળા કોઇ તો ઓરડાની ઓશરીનો ઉપયોગ લેતા. સવારે સ્વયંસેવકોને મેં મેલું બતાવ્યું. સાફ કરવા કોઇ તૈયાર નહોતું. એ સાફ કરવાનું માન તો મેં જ ભોગવ્યું.

આજે આ બાબતોમાં જોકે ઘણો સુધારો થયો છે, છતાં અવિચારી પ્રતિનિધિ હજુ મહાસભાની છાવણીને જ્યાં ત્યાં મળત્યાગ કરી બગાડે છે ને બધા સ્વયંસેવકો તે સાફ કરવા તૈયાર નથી હોતા.

મેં જોયું કે આવી ગંદકીમાં જો મહાસભાની બેઠક જો વધુ વખત ચાલુ રહે તો અવશ્ય રોગચાળો ફાટી નીકળે.


0 comments


Leave comment