8 - કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી

એણે અનુક્રમેં જગતનેં જાણીયેંજી, ત્રણ ભુવન માંહે માયા પ્રમાણીયેંજી,
સ્થૂલ સૂક્ષ્મ જે કહ્યું જાય વાણીયેંજી, તેટલું સર્વે માયા વખાણીયેંજી. ૧

પૂર્વછાયા

માયા વખાણીએ માટ એણે, દૃષ્ટય પદારથ જેટલો;
દૃષ્ટય પદારથ જે જે કહાવે, પાછો વણસશે તેટલો. ૧

ઉપન્યું એ અળપાય નિશ્ચે, બ્રહ્મા-આદે કીટ જે;
જે જાયું તે જાય જાણો, અમર સંશય મેટજેદૂર કરજે. ૨

અમર દાનવ ધ્રુવ તારા ચંદ્ર સૂરજ જાએ વલે;
જાય જોગ અષ્ટાંગ સિધ્ધ સાધક, તો પ્રાકૃત જીવ કેટલે ભલે. ૩

લીલા-વપુ જો ધરે નિર્ગુણ, તોય નેટ પાછો વળે;
કાલ માયાનું નાટક એહવું, જે ઉપજાવી અહર્નિશ ગળે. ૪

જેમ કરસણી ઉછેરે કરસણ, તેકાચું પાકું સર્વ ભખે;
તેમ જગત કરસણ કાલ માયાનું, તેન મૂકે ખાધા પખેં. ૫

જેમ મેઘનાં બિદુ નાનાં મોટાં, રેલાઇ પૃર્વીએ પડ્યા;
તેમ માયાને મન સહુજ સરખું, જો પ્રાય પોતાના ઘડ્યા. ૬

જેમ અર્ણવ ન જાયે ઉછળી નવસેં નવાણું નદી ભળે;
સિંધુ થયો સરિતા સરૂપે, તે માટે બાધિ ગળે. ૭

તેમ માયાનું જગત નિરમ્યું, કાલ યોગે સર્વાથા;
પરમાત્મા તે વતરેક કારણ, તેની કહ્યામાં નાવે કથા. ૮

માહાલે માયા અનંત રૂપે, પણ અપત્યને ભાસે ભલી;
જેમ બાલકીનાં ઢીંગોલીયાં, રમે રમાડે એકલી. ૯

કહે અખો સઉકા સુણો, જો આણો માયના અંતને;
તો આપોપું ઓળખો, જો સેવો હર-ગુરુ-સંતને. ૧૦

***
શબ્દાર્થ
૧. વણસશે = નાશ પામશે
૨. કીટ = બ્રહ્માથી માંડીને કીડા સુધી
૩. પ્રાકૃત = સાધારણ
૪. લીલા-વપુ = વિનોદથી ધરેલું શરીર
૫. કરસણી = ખેડૂત
૬. કરસણ = અનાજના છોડ
૭. પખેં = વિના
૮. પ્રાય = બહુધા
૯. અર્ણવ = સમુદ્ર
૧૦. બાધિ = સર્વ
૧૧. અપત્યને = માયાના પુત્રને


0 comments


Leave comment