15 - કડવું ૧૫ મું - જીવન્મુકતનો મહિમા -૧ / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી

વળી કહું જીવન્મુક્ત દશાયજી, નિશ્ચે જેનો પરવત-પ્રાયજી;
જેણે પ્રિછ્યો વસ્તુ મહિમાયજી, તેઅનુબહતાંપાછો ન થાયજી. ૧

પુર્વછાયા

અનુભવ જે મોટાતણો, આપાપર નહી જે વિષે;
આપ ગળીયું આપ માહે, દ્વંદ્વાતીત રહા સુખે. ૧

તેહની કલા પ્રિછી નવ પડે, મતો તે અગમ અગાધ;
વારિધિ-કેરાં વારિ જે, ભાઇ નહિ તરવાં સાધ્ય.

જેમ સૂર્ય તપે નિદાયનો, તોએ તે ઉષ્ણ ન થાય;
તેમ તત્ત્વદર્શી પુરુષને, દોષ ન લાગેકાંય. ૩

જેમ વાયુ વહે બહુ ગંધને, ઉત્તમ અધમ અપાર;
પણ રહે અસંગી તે થકો, સ્પર્શે નહિ લગાર. ૪

તત્તવદર્શી પુરુષને, જેમ જાણો દેહભાવ;
વહે પણ વળગે નહીં, જે જાણે સહજ-સ્વભાવ. ૫

જેમ વિચિત્ર ભાતિના રંગ મૂકિયે, સ્ફટિકમણિની પાસ;
તે ભળ્યા સરખા ભાવ દેખાડે, પણ આપ રહે ઉદાસ. ૬

જેમ ચશ્માના પડવિષે, રોધ ન પામે દુષ્ટ;
તેજ અધિક પોષે આંખને, તેમ અણલિંગી ઉત્કૃષ્ટ. ૭

તેમ અનુભવી પુરુષને, આપોપું અંતર નથી;
અમલ આશય તેહનો, ભાઈ ભાગી ઉર્મિ ઉરથી. ૮

$$$$ સિધ્ધાંત પોખે, પ્રેમેશું પાવન કરે;
ઉપદેશ આપે આત્મવિદ્યા, સેહેજ શબ્દ તે ઉચરે. ૯

કહે અખો સહુને વિષે,માન હોય મહંતને;
એ ઉત્કૃષ્ટદશાને તેજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

***
શબ્દાર્થ
૧. પરવત-પ્રાયજી = પર્વતના જેવો
૨. તેઅનુબહતાંપાછો = પુનર્જન્મ ન પામે
૩. દ્વંદ્વાતીત = સુખદુઃખાદિ જોડકાંથી પર
૪. મતો = અભિપ્રાય
૫. વારિધિ-કેરાં = મહાસાગરનું
૬. વારિ = પાણી
૭. સાધ્ય = શક્ય
૮. નિદાયનો = ઊનાળાનો
૯. રોધ = રૂંધાય નહિ
૧૦. દુષ્ટ = દ્રષ્ટિ
૧૧. આપોપું = હુંપણું
૧૨. અમલ = નિર્મળ
૧૩. આશય = અભિપ્રાય
૧૪. ઉર્મિ = સુખદુખાદિરૂપ તરંગ
૧૫. પોખે = આપે
૧૬. સેહેજ = સ્વાભાવિક
૧૭. મહંતને = મહાત્માને


0 comments


Leave comment