19 - કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી

વસ્તુકેરૂં હારદ વસ્તુજ જાણેજી, શું એ જાણીને દ્વૈત ઉર આણેજી;
અદ્વૈતનું દ્વૈતકરેકોઇસજાણેજી, આપકેરૂંરૂપ તે આપ વખાણેજી.

પૂર્વછાયા

વખાણે વિગતે કરીને, આપે કહે આપે સુણે;
જેમ ગારુડી મોહરવિષે, સ્વર દીએ ને ભાષા ભણે. ૧

સ્વામીપિંડમાંહે તે જીવક્યાંથો અને જીવનેક્યાંથો પિંડ,
એ ચલણ-વલણચિદ્રૂપ તાહરી,આપમાંહેથી મંડપ. ૨

તું તે હું ને હું તે તું, ધ્યેય ધ્યાતા તું રામ;
ઊંડું વિચારી આપ નિરખે, આપે આયનાનાં કામ. ૩

છો કૈવલ્ય સ્વામી તમો, દિશો ઇશ્વર માયાજીવ;
એ ત્રણ પ્રકારે થાઓ તમે, પણ સ્વભાવે તમે શિવ. ૪

અણછતી અજા તમારી, અંગીકૃત-સરખી અશી;
તે મધ્ય પડિયું ધામ તમારૂં,ત્યારે ઇશ્વર થઇને વિલસી. ૫

તે ઇશ્વરના ઐશ્વર્યવિષે, અનંત જીવ ઉપજે સમે;
ચૈતન્ય ચાલ્યું આવે તમારૂં, તેમ તેમ માથા પરવરે. ૬

જેમ કાચનું મંદિર રચ્યું,નીલ પીત શુભ્ર શ્યામનું;
જે ઉપર તપ્યો સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું. ૭

કૈવલ્ય સૂરજ તપે સદા, માયા તે મંદિર કાચ,
ઇશ્વર નામ તેહનું, ભાઇ જીવ થઇ માન્યું સાચ. ૮

અધિષ્ઠાન તે તમે સ્વામી, તેણે એ ચાલ્યું જાય;
અણછતો જીવ હું હું કરે,પણ ભેદ ન પ્રીછે પ્રાય. ૯

કહે અખો તમે નાથ નિર્ગુણ, થયા સગુણ વિષે જંતને;
એ કલા તમારી પ્રીછવા, જીવ સેવે હર-ગુરુ-સંતને. ૧૦

***
શબ્દાર્થ
૧. હારદ = યથાર્થ સ્વરૂપ
૨. સજાણેજી = જાણવા છતાં
૩. ગારુડી = વાદી
૪. મોહરવિષે = મોરલીમાં
૫. ક્યાંથો = ક્યાંથી
૬. ચિદ્રૂપ = ચૈતન્યસ્વરૂપ
૭. અંગીકૃત-સરખી = સ્વીકાર્યા જેવી
૮. સમે = લય પામે
૯. પરવરે = પરિણામ પામે
૧૦. શુભ્ર = ધોળું
૧૧. સૂર = સૂર્ય
૧૨. અધિષ્ઠાન = કલ્પિતનો આધાર
૧૩. પ્રાય = બહુધા


0 comments


Leave comment