2 - ચોકપ્રવેશ / રાસચંદ્રિકા - ભાગ ૧ તથા ૨ / અરદેશર ખબરદાર


રાસ અને ગરબાની લલિત રસકુંજ ગુજરાતની પરમ આનંદદાયક વિશિષ્ટતા છે. પરપ્રાંતના યે જે જે રસિકજનોએ એ રસકુંજમાં વિહાર કરીને તેની મોજ ચાખી છે, તે તે સર્વ તેનાથી અતિ તુષ્ટમાન થઇને ફરીફરી તેનો લાભ લેવા ઉત્સુક રહે છે. શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના રાસની કલ્પના મૂર્ત્તરૂપે ખરી હોય તો એ ગરબારાસની પરંપરા હજારો વર્ષથી ચાલુ રહી ઊતરી આવી છે. ગુર્જરભૂમિનું લાલિત્ય, ગુર્જરરત્નની રસિકતા અને ગુર્જરસુંદરીની કલાકુશલતા જ્યારે આ ગરબાની સંગીત, નૃત્ય અને શબ્દની ત્રિવેણીમાં યોગ પામે છે, ત્યારે એને જોનાર-સાંભળનાર સૌ કોઇના આત્માના તારમાં કોઇક સ્વર્ગીય આનંદનાં અદ્‌ભૂત આંદોલનો જાગી ઊઠે છે. નવીન સંસ્કૃતિને નામે નવી ગુર્જરસુંદરી ગમે તે નવીન તત્ત્વો અપનાવે અને તેમાં ભલે રાચે, પણ સનાતન ગુર્જરસુંદરીના અમર સૌંદર્યને પ્રફુલ્લપણે પ્રગટાવતી આ ગરબાની પરંપરા તો તે કદી વિસારે મૂકે નહીં, અને રજનીના તારક્ઝળતા આભગરબાની જેમ તે તેને દિનપ્રતિદિન અખંડ હુલાવતી રહે અને તેનો આંનંદનો વારસો હવે પછીના આવતા જમાનાઓ માટે પણ અણખૂટ્યો મૂકી જાય, એવી આશા સૌ સાચા ગુજરાતીના હૃદયમાં ટમટમ્યા કરે છે.

આજ સુધીના મારા પ્રગટ-અપ્રગટ તમામ રાસગરબાનો આ સંગ્રહ ગુજરાતના હસ્તમાં મૂકતાં મને આનંદ જ થાય છે. ચોમાસે ચોમાસે નદીમાં પૂર આવ્યા જ કરે છે, તેમ ગુજરાતના કવિઓનાં રસપૂર પણ જમાને જમાને આપણા ગરબાની નદીમાં વહેતાં થઇ તેમાં નવો પ્રાણ પૂરતાં જ જશે. એ પૂરની સાથે કચરો કાદવ પણ ઘસડાઇ આવશે, પણ આખરે તો એ બધો નદીને તળિયે કે કિનારે બેસી જશે, અને નિર્મળ નીર જ નદીના જીવનને વહેતું રાખશે ને તરસ્યાંની તરસને છિપાવીને ઉપકારક બનશે.આ સંગ્રહમાંના રાસગરબાને બની શકે તેટલા નિર્મળ અને ઉપકારક રાખવાનો મેં પ્રયત્ન કર્યો છે. પાંત્રીશ વર્ષથી ગુર્જરસુંદરીઓએ એમાંના ઘણા રાસને પોતાને કંઠે ઉતારીને શોભાવ્યા છે, અને બીજા ઘણા નવા જે આ સંગ્રહમાં હમણાં એકત્ર બનીને પ્રગટ થાય છે, તેને પણ એવી જ રીતે ધારણ કરશે, એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ગુજરાતનો આત્મા જેમાં બોલે છે, તેના આ નવા સૂર ગુર્જરસુંદરીને જરૂર આકર્ષશે અને તેના સુમધુર કંઠને જગાડશે.

"રાસચંદ્રિકા"નો પહેલો ભાગ પ્રથમ ઇ.સ. ૧૯૨૯માં પ્રગટ થયો હતો. તેમાં ૫૧ રાસ હતા. એની બે આવૃત્તિ થઇ ગઇ છે ને ત્રીજીની રાહ જોવાતી હતી. પણ હું હવે મારાં બધાં કાવ્યોના અમુક વિભાગોવાર જ સંગ્રહ કરું છું, એટલે ભજનોના તથા રાષ્ટ્રગીતોના સંગ્રહો પછી મારા તમામ જૂના નવા રાસોનો આ એક જ સંગ્રહ પ્રગટ કરું છું.પહેલા ભાગના ૫૧ રાસ, "વિલાસિકા" થી "રાષ્ટ્રિકા" સુધીના મારા બીજા કાવ્યસંગ્રહોમાંથી ચૂંટી કાઢેલા ૪૩ રાસ, અને છેલ્લાં થોડાં વર્ષોમાં સામયિકોમાં પ્રગટ થયેલા તેમ જ અપ્રગટ રહેલા મળીને ૩૧ રાસ -એમ મળીને ૧૨૫ રાસ આ સંગ્રહમાં લીધા છે. વળી જે ગૃહજીવનમાં એ રાસ આનંદ પૂરે છે, તેના અનેક રંગને લક્ષમાં રાખીને આ ૧૨૫ રાસ બાર જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. એથી અમુક પ્રસંગ માટે અમુક રાસની ચૂંટણી સુલભ થઇ પડશે, એવી આશા છે. વળી આ બધા રાસ મારા જે જે પુસ્તકમાંથી લીધા છે તે તે પુસ્તકના નામની નોંધ પણ "અનુક્રમણિકા"માં લીધેલી છે. પુસ્તકના નામ વગરના બધા રાસ નવા છે, એટલે કોઇ પણ આગલા પુસ્તકમાં તે પ્રગટ થયેલા નથી.

મહાયુદ્ધને લીધે કાગળોની ભારે અછત અને સખત મોંઘવારી પુસ્તક પ્રકટનમાં અંતરાયરૂપ થઇ પડી છે, અને એને લીધે જ પુસ્તકોની કિંમત પણ વધારે લાગે તો નિભાવી લેવાની રસિક ગુજરાતને હું વિનંતિ કરું છું. કવિહૃદયના સાચા રક્ત જેવી વહેતી કવિતાનું મૂલ્ય રૂપિયા-આના-પાઇએ હવે નવીન ગુજરાત નહીંજ કરે. ગરબો રમવા વસ્ત્રાલંકારને ધારણ કરતી ગુર્જરસુંદરી આ ગરબાના પુસ્તકને કંઠલંકારરૂપે ધારણ કરે, તે તેના રસિક ભાવને અનુરૂપ જ ગણાશે.

મારી નવરાત્રિના છેલ્લા દિનનો આ લગભગ છેલ્લો ગરબો ગવાય છે ને ઝિલાય છે, તે ટાણે મારી ગુર્જર બહેનોના જીવનને તેમજ તેમના સંસારવહનને તે એક અખંડ આનંદરૂપ 'ગરબા' જેવુંજ બને ને રહે એવા આશીર્વાદ આપું છું. ગુર્જરીનું સૌભાગ્ય સદા અખંડ અને ઝળહળતું રહો ! અસ્તુ !

૭૮૮, પારસી કોલોની,
દાદર, મુંબઇ
ચૈત્ર સુદ ૫, સંવત ૧૯૯૭
તા. ૨-૪-૧૯૪૧


0 comments


Leave comment