3 - દીપિકા / રાસચંદ્રિકા - ભાગ ૧ તથા ૨ / અરદેશર ખબરદાર


"રાસચદ્રિકા" ભાગ ૧ લાની પ્રથમ આવૃત્તિની)
મારા જૂના નવા રાસનો એક જુદો સંગ્રહ બહાર પાડવા ઘણાં બહેનો અને બંધુઓ તરફથી ચાલુ સૂચના થતી રહી છે, તેને માન આપીને આ નવા જ રાસોના સંગ્રહનો પ્રથમ ભાગ હું મારાં ગુર્જર બહેનો અને બંધુઓના હાથમાં મૂકું છું. આ સંગ્રહ તેમની જ પ્રેરણાનું ફળ છે, એટલે એના પ્રકટન માટે હું તેમનો જ આભારી છું. આજ સુધીમાં બહાર પડેલાં મારાં જુદાં જુદાં કાવ્યપુસ્તકોમાં ઘણા રાસ વેરાયેલા પડ્યા છે, તે સર્વની સાથે બીજા નવ રાસનો ઉમેરો કરીને આ પછી વળી બીજો ભાગ પ્રગટ કરવાનો વિચાર છે.

આ રાસયુગમાં ગુર્જર કાવ્યસાહિત્યમાં ઘણા કવિઓએ મોટે ભાગે રાસની લહણી કરાવી છે.ગુર્જર સુંદરીઓના હસ્તમાં એવી ઘણીયે રાસની ફૂલછાબો અર્પણ થઇ છે. તેમાં આ 'રાસચંદ્રિકા'ની એક નાની ફૂલછાબ હું યે મૂકવા ભાગ્યશાળી થયો છું. એમાંનાં ફૂલોના રંગ ને ફોરમ આકર્ષક નહીં હોય, પણ જે હૃદયના ભાવથી અને સાચા ઉમળકાથી એને મારી બહેનોના હસ્તમાં મૂકું છું, તે ભાવ પ્રત્યે જ જોવાની હું તેમને વિનંતિ કરું છું.

આકાશ વિશાળ છે, તેમાં નક્ષત્રો અને તારિકાઓનાં દૃશ્ય તેમ જ અદૃશ્ય ઝૂમખાં પણ અગણિત છે.પ્રભુના વિશાળ વિશ્વમાં નાનાં મોટાં એવાં સર્વ ઝૂમખાંને સ્થાન છે, તો મારી પ્રિય ગુર્જરદેવીના સાહિત્યાકાશમાં આ મારા નાના રાસઝૂમખાંને પણ એક નાનો ખૂણો મળી રહેશે એવી મારી શ્રદ્ધા છે. એમ હોવાથી હવે તો આ રાસો ગાવા અને ઉપાડી લેવાને બહેનોને આમંત્રણ આપીને આ નાની 'દીપિકા' એટલે દીવીને ચોકની વચ્ચે મૂકીને હું ખસી જાઉં છું. ગુર્જર બહેનોનો રાસવિલાસ અને તેમનું રાસસૌભાગ્ય અખંડ રહો ! અસ્તુ !

માઉંટ રોડ, મદ્રાસ
તા. ૧૫-૨-૧૯૨૯


0 comments


Leave comment