8.6 - ગુણવંતી ગુજરાત / અરદેશર ખબરદાર


રાગ માઢ - ગરબી (સને ૧૯૦૭ના સપ્ટેમ્બર માસમાં મુંબઇમાં મળેલી 'બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ'માં ગવાયેલું ગીત.)

ગુણવંતી ગુજરાત !
અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !
અમારી ગુણવંતી ગુજરાત ! -

મોંઘેરા તુજ મણિમંડપમાં,
ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને
માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત ! ૧

મીઠી મનોહર વાડી આ તારી
નંદનવનશી અમોલ :
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં
કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત ! ૨

સંત મહંત અનંત વીરોની
વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં
અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત ! ૩

ઊંડા ઘોર અરણ્ય વિષે કે
સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર
એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત ! ૪

સર સરિતા રસભર અમીઝરણાં,
રત્નાકર ભરપૂર :
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી,
માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત ! ૫

હિન્દુ, મુસલમિન,પારસી, સર્વે
માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે,
કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત ! ૬

ઉર પ્રભાત સમાં અજવાળી
ટાળી દે અંધાર !
એકસ્વરે સહુ ગગન ગજવતો
કરિયે જયજયકાર !
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત !
અમારી ગુણવંતી ગુજરાત ! ૭


0 comments


Leave comment