8.9 - રળિયામણી ગુજરાત / અરદેશર ખબરદાર


(ઢાળ : પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે)

સુરકન્યા જેવી મારી ગુજરાત સોહામણી રે,
ઢળકે અઢળક એની લક્ષ્મીના અંબાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

કોકિલકંઠી કુંજે ઝૂલે એ કોડામણી રે :
નીલમનીલી એની ઝાલરના ઝબકાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

હરિયાળી મનને હરે, વનવન ખોલે પ્રાણ :
ફૂલફૂલના ઉલ્લાસમાં લળકે જગકલ્યાણ :

વીંટે લોલવિલોલ લતા તરુને લોભામણી રે ,
એવી વીંટી ર્‌હે ભારતઉર એ નિરધાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

સાગર ગરજે આંગણે, રસસરિતા ઉભરાય :
ગિરિગહ્‌વર સરવર ભર્યાં, ઉરઔદાર્ય સુહાય :

રુપાળી રઢિયાળી કાલી હ્રદયહુલામણી રે,
ધીરી વીરી સંયમી ડહાપણનો ભંડાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !

સ્નેહ, શૌર્ય ને ભક્તિના યુગયુગ ઉચરે મંત્ર :
ધર્મધરા સંતોતણી, કર્મધરા ય સ્વતંત્ર :

આવો, ઝીલિયે એની વિશ્વવિશાળ વધામણી રે ,
એને ચરણે સો સો સફળ અદલ અવતાર :
આવો, ઝીલવા સૌ એ ગુજરાતે રળિયામણી રે !


0 comments


Leave comment