9.5 - સંદેશ / અરદેશર ખબરદાર


(ઢાળ : સરોવરે પાણીડા ગઈ'તી, સાહેલડી ! શરદનું સરોવર હેલે ચેડ્યું)

હૈયાના હોજ આ હેલે ચઢ્યાં હો ! રેલે બ્રહ્માંડ રસધારા રે લોલ :
ઝીલો-ઝીલાવો મનમહેલે , રસિકડાં! નીતરે સંદેશ કંઈ ન્યારે રે લોલ :

ઊંડા આકશની ખાણો ખોદીને, કાઢ્યા છે રત્નરૂપ તારે રે લોલ :
એવે તે આંગને આવો, રસિકડાં ! પ્રાણે સમાવો ચમકરા રે લોલ :

પૂર્વે સૂર્યોદયનાં પીછાં પોપટિયાં રંગે છે દેવના ઉતારા રે લોલ :
પશ્ચિમ પતંગિયાની પાંખો રસિકડાં ! વીંઝે અહિં સ્વર્ગપલકારા રે લોલ :

ચંદાની દૂર દૂર ચમકે કીકી ત્યાં ઉછળે મહેરામન ખારા રે લોલ :
એવા સંકેત ઉર ધારો, રસિકડાં ! ઊંડા છે આત્મના ઉધારા રે લોલ :

પલક પલક પ્રાણકુંદન કસીને ઝરતું આકાશ અંગારા રે લોલ :
જીવનના જોગ કંઈ એવા, રસિકડાં ! એવા છે પ્રાણના પુકારા રે લોલ :

જીવન-રૂદનના તારે ઝૂલાઈ પૂરે છે સ્વર્ગ લલકારા રે લોલ :
અશ્રુમીઠાં તે એનાં ગીતો, રસિકડાં ! કરશે કંઈ દિવ્ય અણસારારે લોલ :

મીઠા હતા આજ ઘેરા દીસે તે, કાલે કલ્યાણ કરનારા રે લોલ :
એ રે સંસારના સૂરથી, રસિકડાં ! ફળજો આ દેહના ઇજરા રે લોલ :

હૈયાની હોજ આજ હેલે ચઢ્યાં હો ! રેલે છે આત્મના ઓવારા રે લોલ :
આવો, આવો રસાઆંગણ, રસિકડાં ! ઝીલજો સંદેશ અહિં ન્યારા રે લોલ:


0 comments


Leave comment