9.11 - વહાણું / અરદેશર ખબરદાર


( ઢાળ :"કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે" .)

કે વાયાં વહાણાં વસુધા આંગણે રે,
કે રવિરથ આવી ઊભો દ્વાર :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે !
કે રથના અશ્વો પાડે દાબડા રે,
કે વાદળ પર રંગધાર :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે ! ૧

કે કમળો ઊઘડ્યાં સરિત સરોવરે રે,
કે સૂરજમુખીની ઊઘડી પાંખ :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે !
કે ધણનાં છૂટ્યાં રજની દામણાં રે,
કે ચાલ્યાં સીમે માડી આંખ :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે ! ૨

કે કસબી કલગી અશ્વશિરે ઊડે રે,
કે ઝૂલે રથના સોનલ દોર :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે !
કે આવો લઈ ફૂલછાબ વધામણે રે,
કે ઉર પધરાવો ઉરનો મોર !
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે ! ૩

કે નભને અજવાળ્યું રથની રજે રે,
કે પાવન પગલે ફરશે રાજ :
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે !
કે સ્નેહ ફરી નિજ જ્યોતિ ઝગાવશે રે,
કે પૂઠે ઝળશે સૌ સુખરાજ !
કે વસુધારાણી ! દ્વાર ઉઘાડજો રે ! ૪


0 comments


Leave comment