9.19 - વીજળી / અરદેશર ખબરદાર.


(ઢાળ : શહેરનો સૂબો ક્યારે આવશે રે .)

આભની લાડલી કન્યકા રે !
આવ ડા શા રૂપઝબકાર રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ઊભી અમરની અટારી રે,
દે છે ઝુકાવી જગપાર રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૧

વનની ઘટાશાં વાદળે રે
હીંચે આ તારા હિંડોલ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
આજે જગતની આંખડી રે
ઊંચા તારા રંગમહોલ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૨

ઊઘડે અજબ અંગવેલડી રે,
ઊઘડે અજબ તુજ રૂપ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ઊભર્યા શા આભને અંતરે રે
જાણે કો જ્યોતિના કૂપ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૩

આભલે આભલે ઊડતી રે
વીંધે તારી તું ઘોર વાટ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ફેંકે શાં બાણ તુજ મોહનાં રે, -
ઊતરે ન કો ઉરધાટ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૪

એકાકી આભને ગોખલે રે
તારા શા વહિનના વિલાસ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
ભયથી જગત ભડકાવતું રે
ઊતરે તારું અટ્ટહાસ્ય રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૫

મેહુલિયો મારે મોરચા રે,
વીંધી કૂદે તેને શીર રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
પલકી પતંગિયું પલપલે રે,
એવી ઉડાડે તું અધીર રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૬

મસ્તીલી વ્યોમની પંખિણી રે !
આંખડીએ ભરી કશી જ્વાળ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ?
દિલને દઝાડી હાસવું રે,
એવા શા આગના ઉછાળ રે, વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે ? ૭

કેવડિયા જેવી ધારીલી રે
ઝાલશે કોણ તારી પાંખ રે ? વીજલડી ?
કોનાં તે કાળજાં કાપશે રે ?
તેજીલો કંથ કોણ આવશે રે ?
લાજે લપાશે કેવી આંખ રે ? વીજલડી ?
કોનાં તે કાળજાં કાપશે રે ? ૮


0 comments


Leave comment