10.1 - અમૃતપુરીની દેવીઓ / અરદેશર ખબરદાર


(ઢાળ : ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ .)

અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ,
માનવપુરીની અમ વાટ :
કાંઈ લાવિયાં રે લોલ;
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ.

અમીથી આંજેલ અમ આંખડી રે લોલ,
હાથમાં છે રાખી રક્ષા માટ
રૂડી રાખડી રે લોલ :
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૧

માનવપુરીના ઝાંખા દીવડા રે લોલ,
ભમી તોય બળે ત્યાં પતંગ,
રંક જીવડાં રે લોલ;
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ;

ઝગમગે પ્રચંડ દીપ આંગણે રે લોલ,
તોય રહે અખંડ અમ પ્રસંગ,
ભંગના ગણે રે લોલ;
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૨

તેજ ને અંધાર કેરાં જોડલાં રે લોલ,
પાપ પુણ્ય, સત અસતનો માલ
ભરે હોડલાં રે લોલ;
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ :

નાવડાં ડૂબે એ મધ્યસાગરે રે લોલ,
ડૂબે સર્વ સાથ ત્યા અકાલ;
રુદન ક્યાં ક્રે રે લોલ ?
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૩

અમૃતપુરીના ઊંચા માડવા રે લોલ,
માનવપુરીની નીચી વાટ :
પંથ પાડવા રે લોલ,
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ.

આવો, અમ દેશ કંઈ દેખાડશું રે લોલ,
હયે હૈયે માંડી પ્રેમપાટ,
અમી પિવાડશું રે લોલ !
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૪


0 comments


Leave comment