11.1 - પધરામણી / અરદેશર ખબરદાર


(ઢાળ : ગિરધારી રે, વાત કહું તે વિચારો .)

કોઈ કુમકુમ પગલે આવે રે,
કોઈ રસરસ ઢગલે લાવે રે:
સખી ! ચાલો રે,
મીઠડાં ગીતડાં ગાવા,
પ્રભુરસના લઇયે લહાવા ! - સખી !૦

રમ્ગ ઝરે રળિયામણા, શોભે જળથળ સાર;
ઝગમગ એ રસ ઝીલવા, રસિક બનો તૈયાર !
કોઈ હસતું રમતું આવે રે,
કોઈ રસબસ ઝમતું લાવે રે :
સખી ! ચાલો રે,
નિર્મળ તેજે ના'વા;
પ્રભુરસના લઇયે લહાવા ! - ૧

મધુરાં બાળકશું કરે પંખીડાં કલ્લોલ;
હરિનાં એ વનલાકડાં અંતર રસે અમોલ :
કોઈ તનમન ભરતું આવે રે,
કોઈ નવરૂપ તરતું લાવે રે,
સખી ! ચાલો રે,
નવરવ હૃદય સમાવા;
પ્રભુરસના લઇયે લહાવા ! - ૨

સુખિયાનાં સુખ વાધજો, દુખિયાંનાં દુઃખ દૂર:
પુણ્ય છલકજો પૃથ્વીમાં, ઘટો પાપનું પૂર !
કોઈ જગ ભીંજવતું આવે રે,
કોઈ ઉર હીંચવતું આવે રે:
સખી ! ચાલો રે,
સ્નેહ પરસ્પર સા'વા;
પ્રભુરસના લઇયે લહાવા ! - ૩


0 comments


Leave comment