14.7 - ગોરસ / અરદેશર ખબરદાર


(ઢાળ : શામળા ગિરધારી.)

મારી ગોરસીના ગોરસ આ લેશો કે રંગભર રસિયાજી?
મારાં ગોરસનાં મૂલ નહીં થાય,રંગભર રસિયાજી;
એનાં અણમૂલાં મૂલ ક્યાંથી દેશો રે રંગભર રસિયાજી?
એ તો વેચાયાં નહીં વેચાય, રંગભર રસિયાજી ! ૧

રેડે સૂરજ કિરણની ધારા, રે રંગભર રસિયાજી,
ઝીલે ધરા, ગ્રહો ને સોમ, રંગભર રસિયાજી;
એના અંતરપ્રકાશ કંઇ ન્યારા રે, રંગભર રસિયાજી,
નહીમ્ પામો એ ઠાલવતાં વ્યોમ, રંગભર રસિયાજી. ૨

ઉષા સંધ્યાનાં ઉર નભ ખોલે, રે રંગભર રસિયાજી,
સોના રૂપાની રેલમછેલ, રંગભર રસિયાજી;
એનાં હૈડાં રસઝોલે, રે રંગભર રસિયાજી,
એની લક્ષ્મીના અઢળક ખેલ, રંગભર રસિયાજી. ૩

વ્યોમે આશાના મેહુલા ખડકે, રે રંગભર રસિયાજી,
ધનુ સાત સાત રંગે ત્યાં સોહ્ય, રંગભર રસિયાજી,
એનાં રત્નોને ભૂમિ ક્યમ અડકે, રે રંગભર રસિયાજી?
એના જન્મ્યા ઝવેરી નહીં કોય, રંગભર રસિયાજી ૪

મારી ગોરસીનાં ગોરસ આ ચાખો, રે રંગભર રસિયાજી,
એ તો વેચાયાં નહીં વેચાય, રંગભર રસિયાજી:
પ્રાણે પીવા એ ડૂલ્યા દેવ લાખો, રે રંગભર રસિયાજી,
એ તો અંતરથી જ આપ્યાં અપાય, રંગભર રસિયાજી! ૫


0 comments


Leave comment