15.3 - વહાલની વેણું / અરદેશર ખબરદાર


(ઢાળ : પ્રગટ્યા શ્રીકૃષ્ણ મનબાવતા રે લોલ.)

વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ !
વેણુ વાગી ને જાગી જ્યોત જો:
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ !

તારલાના સંગમાં હું નાચતી રે લોલ,
ચંદ્રને ત્યાં આવ્યો શો ઉદ્યોત જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૧

રમતી જેવી હું બાળબાગમાં રે લોલ,
હતાં મારાં દિવ્ય મધુગાન જો:
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

નવલરસ હિંડોળે હવે હીંચવા રે લોલ,
ક્યાંથી આ વેણુ પડી કાન જો?
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૨

વહાલો નચાવે ઉર વેણુંમાં રે લોલ,
સાથે નચાવે હીરા નેણ જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

હેઇયું ડોલાવે મારું રાંકડું રે લોલ,
વહાલાની વેણુંના મોહનવેણ જો:
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૩

વેણું વગાડે ધીરી વીરલી રે લોલ,
ધીરીને કરે વીલી અધીર જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

વેણુ ઝરે છે સુધાઝરણમાં રે લોલ:
નયન મારામ્ નીતરે નેહનાં નીર જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ. ૪

વહાલા ! વગાડ વેણુ વહાલથી રે લોલ:
વેણુનો પ્રાણ બની ગાઉં જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ.

અંતરનાં ગાન ઊંડા ઝીલવા રે લોલ,
વહાલાની વેણુ ક્યારે થાઉં જો !
વહાલાની વેણુ વાગી વનમાં રે લોલ ! ૫


0 comments


Leave comment