15.6 - વણમૂલાં વેચાણ / અરદેશર ખબરદાર


(ઢાળ : માને તમારું તે તો ઘેલડી.)

હું તો વેચાઈ વણમૂલે,
સખીરી ! આજે
હું તો વેચાઈ વણમૂલે !-

સારી આ સૃષ્ટિનો ભર્યો ભંડાર જેમાં,
આવે ત્યાં કોણ તેની તૂલે ?
સખીરી ! આજે૦ ૧

જોયું જ્યાં મુખડું ત્યાં ખોયું મારું મનડુમ્,
જાણ્યું એ જ સ્વર્ગ મારું ઝૂલે:
સખીરી ! આજે૦ ૨

હું તો કહેતી'તી એવા લાખ પદ્યા વાટમાં :
આજે ચતુરાઇ પડી ચૂલે :
સખીરી ! આજે૦ ૩

લાખો રતન મારાં રાખ્યાં જતનથી,
તે તો પતન પામી ડૂલે :
સખીરી ! આજે૦ ૪

માગ્યાં તે માન કોનાં મળશે ગુમાનનાં?
સોનું સંતાઈ રહે ધૂળે :
સખીરી ! આજે૦ ૫

ભાનુ જ ખિલાવશે ને ભાનુ જ બિડાવશે,
પંકજ તે ખીલીને શું ફૂલે ?
સખીરી ! આજે૦ ૬

અદ્દલ એ વહાલમની આંખમાં કંઇ દેખી
પ્રાણ મારો માન બધું ભૂલે:
સખીરી ! આજે૦ ૭


0 comments


Leave comment