16.1 - ગુલાબ ને ચંબેલી / અરદેશર ખબરદાર


(ઢાળ : રાતું રાતું ગુલાબનું ફૂલ, ગુલાબમાં મહેકે છે.)

આજે પરણે છે વાડીનાં ફૂલ, ગુલાબ ને ચંબેલી,
જોવા આવજો એ જોડી અમૂલ, ગુલાબ ને ચંબેલી! ૧

કાચા સૂતરને બાંધેલે બંધ, ગુલાબ ને ચંબેલી
સાથે મળ્યાં છે સોનું સુગંધ, ગુલાબ ને ચંબેલી. ૨

જેવાં મંગળને શુક્ર છે વ્યોમ, ગુલાબ ને ચંબેલી,
જેવા શોભે અરુણ ને સોમ, , ગુલાબ ને ચંબેલી. ૩

જેવા માણેકને હીરલાના જોગ, ગુલાબ ને ચંબેલી,
એવાં જોડ્યા છે રૂપ એ અમોઘ, ગુલાબ ને ચંબેલી. ૪

વિશ્વે વેરે સુગંધી પરાગ, ગુલાબ ને ચંબેલી,
એ તો સૃષ્ટિના અખંડ સોહાગ, ગુલાબ ને ચંબેલી. ૫

જેવી પાંદડીની ફૂટતી કુમાશ, ગુલાબ ને ચંબેલી,
એવી ખીલવજો અંતરની આશ,, ગુલાબ ને ચંબેલી! ૬

કાંટા વ્હોડ્યા છે ડાળીએ દૂર, , ગુલાબ ને ચંબેલી,
ભળો કૂળા સ્નેહે ભરપૂર, , ગુલાબ ને ચંબેલી! ૭

રૂપે ગુણે રહો ગરવો ગુલાબ ! ગુલાબ ને ચંબેલી,
ભરો ચંબેલી શુદ્ધ સ્નેહછાબ ! , ગુલાબ ને ચંબેલી. ૮

ફોરો આત્માની ફોરમ અતૂલ, ગુલાબ ને ચંબેલી
સદા શોભો ગૃહવાડીનાં ફૂલ, ગુલાબ ને ચંબેલી! ૯


0 comments


Leave comment