16.3 - સ્નેહીને / અરદેશર ખબરદાર


ગરબી * (આ ગરબી નવી રચી છે. "રમ્ગીલી દરજણ છબીલી દરજણ" એ જાણીતા ગીતની ઢાળ પર "પગલે પાવન અમી છાંટણા છાંટો" એમ અંતરાની શરૂઆત લઈને પછી પલટો આપ્યો છે.)

આવો, આવો અમારે બાર,
વહાલા પધારજો !
તમ આત્માના ઊજળા ચમકાર;
વહાલા પધારજો ! -

પગલે પાવન અમીછાંટણાં છાંટો,
બારણે સુકાઈ અમ વેલ:
વહાલા પધારજો !
વેલી જગાવો ઉર ખેલી એ ઘેલી,
રેલી રેલાવો રસરેલ :
વહાલા પધારજો ! - આવો૦ ૧

સ્નેહમંડપ નિત્ય આત્મ અમ ઝૂલે,
સ્નેહની દોરી સ્નેહહાથ:
વહાલા પધારજો !
દોરી તૂટી કે છૂટી નહિ જાણું;
ખેંચી ઝુલાવો તમ સાથ :
વહાલા પધારજો ! - આવો૦ ૨

આછી આછી આ જગતની માયા :
ઊંડા અમારા વિલાસ :
વહાલા પધારજો !
મોંઘી મોંઘી અમ માંડવાની છાયા:
મોંઘા તમારા ઉલ્લાસ:
વહાલા પધારજો ! - આવો૦ ૩

આત્મપટ ખોલી આ મૂક્યું તમ પગલે,
ના, ના, જશો નહિ દૂર !
વહાલા પધારજો !
આવો, પટે એ કનકપદ લૂછું:
પામું પ્રભુજીનું નૂર:
વહાલા પધારજો ! - આવો૦ ૪

આવો, આવો અમારે બાર,
વહાલા પધારજો !
તમ હૈયાના દૈવી ચમકાર,
વહાલા પધારજો !
(અમ અંતરના ઊંડા અંધાર,
વહાલા વિદારજો !)
આવો, આવો અમારે બાર
વહાલા પધારજો ! - આવો૦ ૫


0 comments


Leave comment