16.12 - હૈયાનું રાજ / અરદેશર ખબરદાર


(ઢાળ : માને તમારું તે તો ઘેલડી.)

જાઓ, મને ન કશું જોઇએ,
વરણાગિયા !
જાઓ, મને ન કશું જોઇએ !-

ચાલવાની ચટક ના કે મહાલવાની લટકના,
કે આંખડીની મટકમાં મોહીએ :
વરણાગિયા ! ૧

વાંકડિયા વાળમાં કે કંઠ કેરી માળમાં,
કે ચિત્તડું એ જાળમાં ખોઇએ:
વરણાગિયા ! ૨

સ્વર્ણતેજ તારલા કે ઈન્દ્રધનુ હારલા,
કે કો ન એવા ભાર લાધી સોહીએ:
વરણાગિયા ! ૩

લાખલાખ સાજથી કે કોટિ અવર કાજથી
કે દિનિયાના રાજથી યે રોઇએ :
વરણાગિયા ! ૪

ભાવભર્યાં ભોજનો કે અમૃતના હોજ હો !
કે થરીએ ના પ્રયોજનોથી કોઇએ:
વરણાગિયા ! ૫

કનકજડિત હાથમાં કે લક્ષ્મીના યે સાથમાં
કે અણમૂલો આ આતમા ન પ્રોઇએ:
વરણાગિયા ! ૬

દ્યો તો અદ્દલ આજ તમ હૈયાકેરું રાજ દ્યો !
નહીં તો આ મહોતાજ શેનાં હોઇએ?
વરણાગિયા !
જાઓ, બીજું ન કશું જોઇએ ! ૭


0 comments


Leave comment