16.15 - પગલાં / અરદેશર ખબરદાર


(ઢાળ : પાલવડો મારો મેલો, મોહનજી.)

ધીમાં ધીમાં હો, નાથ ! પગલાં ઉપાડજો,
પગલે પગલે ઝરે જ્યોતિ રે લોલ:
ઊંચા આકાશનો સાગર ગોરંભતો
જ્યોતિ એ ઠારી કરે મોતી રે લોલ:
ધીમાં ધીમાં, હો નાથ ! ૧

પગલાં ઉપાડશો ત્યાં તારલા પાડશો,
વિશ્વની વાટ આ ઉજાળશો રે લોલ:
જીવનનો જોગી કોઈ પાળશે એ પંથમાં,
ઉરની અંધાર તેના ટાળશો રે લોલ !
ધીમાં ધીમાં, હો નાથ ! ૨

કાજળનાં કોડિયાંમાં દીપે એ દીવડા,
એવા પ્રકાશ નાથ ! પૂરો રે લોલ !
કાજળના કોડિયામાં તણખો ઝબૂકતાં,
આત્મા ન કોઈ ભલો બૂરો રે લોલ :
ધીમાં ધીમાં, હો નાથ ! ૩

અંધારી રાતનાં અંધારાં કાળશાં,
ચમકે ત્યાં દેવની ચોકી રે લોલ;
ચોકી ચોકીએ મારા નાથનાં પગલાં
પાડે છે ભાત કો અનોખી રે લોલ:
ધીમાં ધીમાં, હો નાથ ! ૪

ધીમાં ધીમાં, હો નાથ ! પગલાં ઉપાડજો !
પગલે પગલે પડે તારા રે લોલ:
ઝીલું ને ઢોળું તેજધારા જીવનમાં,
એવા હો નાથ ! રહેજો મારા રે લોલ !
ધીમાં ધીમાં, હો નાથ ! ૫


0 comments


Leave comment