16.19 - દાંપત્યનો વિજયકાળ / અરદેશર ખબરદાર


(ઢાળ : વનમાં બોલે મીઠા મોર.)

વહાલા ! મને કંઇ કંઇ આજે થાય,
સ્મરું તે દિન દોહ્યલા રે લોલ:
જેવી પેલી વાદળીઓ વિખરાય,
વહ્યા રે ભાસ સોહ્યલા રે લોલ. ૧

નહોતું જાણ્યું સ્વપ્ને પણ કો વેળ,
યુવાથી કંઇ મીઠડું રે લોલ;
આજે એવું ઘડપણ સ્નેહઠરેલ,
યુવાથી ભલું દીઠડું રે લોલ. ૨

વાદળી વાદળીમાંહી ભેળાય,
ભેળાતાં ઉર આપણાં રે લોલ;
હવે પ્રાણ પ્રાણે ડૂબી સમાય,
ઉદક ઝરણાંતણાં રે લોલ. ૩

યૌવન તાતી તાવણી જેમ,
છણછણતું સહેજમાં રે લોલ;
હોય અમ્રતથાળી એમ
લહેરાતાં શીત તેજમાં રે લોલ. ૪

હવે થયો આપણો આત્મા એક,
દિવાલો તૂટી દેહની રે લોલ;
વહ્યાં મદૃઘેન નયનથી છેક,
ખીલી છે જ્યોતિ સ્નેહની રે લોલ. ૫

આજે તમ હૈયે વસતી વાત
પ્રથમથી હું લહું રે લોલ;
તમે પણ સમજી લ્યો ભલી ભાત
દિલે જે હું ચહું રે લોલ. ૬

મિથુનની તારકજોડશું આજ
પલકીએ આપણે રે લોલ;
રહ્યું દૃઢ બંધન જીવન કાજ,
ઠર્યાં તપી તાપણે રે લોલ. ૭

વહાલા ! જરી જેટલું હોય વિશેષ,
અને ભવ ભવ હસે રે લોલ !
વહાલા ! પડે ઓછું કંઇ લવલેશ,
જગત ક્યાં ક્યાં ખસે રે લોલ ! ૮

એવું જરી દેતાં વધુ કંઇ રોજ
રહ્યાં ને રહીશું સદા રે લોલ;
અખૂટ છે વહાલપના રસહોજ:
દીધા એ ખૂટ્યા કદા રે લોલ? ૯

ભલે જગે નવનવ આવે વસંત
ખીલી ફૂલપાનમાં રે લોલ,
રહી સ્મૃતિ આપણ ઉર રસવંત
અમર ઉરગાનમાં રે લોલ. ૧૦

હવે અહીં બાળકડાંની પાંખ
વસંત એ ખીલશે રે લોલ,
જોઇ એને આપણી ખૂમતી આંખ
નવું નૂર ઝીલશે રે લોલ. ૧૧

વહાલા ! પેલી ઉઘડી દિવ્ય દિગંત
રેલાશે કૃપા નાથની રે લોલ,
ત્યારે તહીં રચશું નવલ વસંત
અનંત આ સાથની રે લોલ ! ૧૨


0 comments


Leave comment