17.2 - વિયોગ / અરદેશર ખબરદાર.


(ગરબી - રાગ માઢ .)

નાથ પધારો આજ !
મોંઘા મારા નાથ પધારો આજ !
દૂર વસો શીદ રાજ ?
મોંઘા મારા નાથ પધારો આજ ! -

ડગમગ કરતા ડુંગર ડોલે, ડોલે સાગરનીર;
ગગને નવલખ તારક ડોલે, ડોલે અંતરધીર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧

હૈડે રાખી પ્રેમહિંડોળે, ખૂબ લડાવ્યાં લાડ :
ઊંડા અરણ્યમાં મૂકી રવડતી, રાખો હવે શીદ આડ ?
મોંઘા મારા નાથ પધારો આજ ! ૨

સરસરતો કંઇ મેહુલો વરસે, વરસે અંધારું ઘોર :
દિનદિન નવદુખડાં વરસે ત્યાં અબળાનું શું જોર ?
મોંઘા મારા નાથ પધારો આજ ! ૩

જુગના જુગ જતા કંઇ લાગે, ગણતાં નાવે પાર :
કાળા કાળ વિષે પડી કંથથી છૂટી અભાગી નાર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૪

રંગમહેલે રસરાસ રમાડી પાયાં અમૃત અમોલ :
તરછોડેલી નાત તે તરસે સુણવા હવે એક બોલ !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૫

જડ આ જગતની શ્યામ ઘટામાં ઘૂઘવે ઘોર સમીર :
નાર અનાથ એકાંત વહાવે નયને અનહદ નીર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૬

ઘન ગાજે ને વીજ ઝબૂકે, બોલે દાદુર મોર;
કંથ વિના મુજ થરથર કંપે કાલજડાની કોર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૭

ઝગમગતાં સહુ રત્નને શું કરું ? શું કરું સોળ શણગાર ?
સ્વામી વિના મને એ સહુ લાગે ધધગતા અંગાર !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૮

લોક કહે જપતપ કીધે વહાલો મળે સાક્ષાત :
હું દુખીએ વ્રત કોડ કીધાં પણ વહાલાની ક્યાં વાત ?
મોંઘા મારા નાથ પધારો આજ ! ૯

વનવનમાં મુજ વહાલમ શોધું, શોધું સકળ સંસાર :
પ્રેમઘેલી બની 'પ્રીતમ ! પ્રીતમ !' ઝંખું અધીરી નાર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૦

ઘાડાં વાદળ જોઉં ઉપર ઉભાં, નીચે ધરા પાતાળ ;
ઉષ્ણ અરણ્ય ચોપાસ વીંટે ત્યાં કોણ રે લે સંભાળ ?
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૧

આવો, આવો, વહાલમ આવો, દઇએ અલિંગન ઉર :
વિયોગની વાત્ડલી, વહાલા ! કરશું પછી ભરપૂર !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૨

તારક કોડ ભલે ચમકે પણ રજની ચહે શશિરાજ :
ભર્યું ભર્યું બ્રહ્માંડ આ ખાલી લાગે વિના શિરતાજ !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૩

વહાલા શું અબળા તરછોડી, કઠણ થયા ઉર ક્રૂર ?
એક વેળા ભગવાન ! મળો તો કદી ન જવા દઉં દૂર !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૪

ધગધગતા જલસાગરતીરે ઊભી આશાભર, શ્યામ !
આવો, ઊંડે ઉર અવિચળ આપો વિરહિણીને વિશ્રામ !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૫


0 comments


Leave comment