17.4 - વિજોગિની / અરદેશર ખબરદાર


(રાગ માઢ - દોહરો*.)
( એક જૂના રાજસ્થાની ગીત પરથી ઉધ્દૃત.)

મારા પરદેશી હો પંખીડાં !
વહાલા ! આવોની હવે ઘેર !
કરું પળપળ જળતી ઝંખના :
વહાલા ! લાગે આ જીવન ઝેર ! -

કડકડ ધ્રૂજતી ગઈ સંક્રાંતિ ને ભડભડતી હોળીની ઝાળ;
ધગતા વાયુમાં ધીકી વૈશાખે, જેઠના જોયા જુવાળ :
વહાલા ! આવોની હવે ઘેર ! ૧

સરસર કરતો શ્રાવણ સરક્યો ને ભાદર વરસે ભોમ;
ચમચમ ચમકે વીજળી, મારાં ઊઠે રોમેરોમ !
વહાલા ! આવોની હવે ઘેર ! ૨

એક અંધારી ઓરડી ને બીજી અંધારી રાત;
ત્રીજી અંધારી વિજોગિની, એની ધ્રૂજે એકલડી જાત !
વહાલા ! આવોની હવે ઘેર ! ૩

આવનજાવન કહી ગયા ને દઈ ગયા કોલ અનેક;
માસ વીત્યા ને વર્ષ વળ્યું, થયા કેમ નમેરા છેક?
વહાલા ! આવોની હવે ઘેર ! ૪

વાવડી હોય તો ઢાંકું, હો વહાલા ! ઢાંકવો સમંદર ક્યાંય ?
હૈયું મારું હેલે ચઢ્યું, મારું જોબન ઢાંક્યું ન જાય !
વહાલા ! આવોની હવે ઘેર ! ૫

કાગળ હોય તો વાંચું વુગતે, વાંચું હું કર્મને કેમ ?
લેખ લખાયા વિજોગના, તેને કોણ ઉકેલે એમ ?
વહાલા ! આવોની હવે ઘેર ! ૬

સૂના મારા ઓરડા, ને સૂના હિંડોળા ખાટ;
એક દિશા ઠરી મારી આંખડી મારી મીટ ગૂંથે એક વાટ :
વહાલા ! આવોની હવે ઘેર ! ૭

તારા ગણી ગણી રાતડી કાધું, વાંચું વ્યોમે દિનલેખ :
દિન ગણતાં મારી ગઈ રે ઘસાઈ અંગુલિઓની રેખ !
વહાલા ! આવોની હવે ઘેર ! ૮

વૃક્ષ વિહોણી વેલડી ને નાથ વિહોણી નાર,
ભાગ્ય વિહોણા ભોગ શા ? એ તો એળે ગયા અવતાર !
વહાલા ! આવોની હવે ઘેર ! ૯

રજનીમાં વેર્યા તારલા, મારી સેજે વેર્યાં ફૂલ :
વહાલમ ! વહેલેરા આવજો ! મારું જીવન ડોલે ડૂલ !
વહાલા ! આવોની હવે ઘેર ! ૧૦


0 comments


Leave comment