4.3 - અંક ૨ : પ્રવેશ ૩ - ભટનું ભોપાળું / નવલરામ પંડ્યા


પ્રવેશ 3 જો
(નથ્થુકાકાનો ઉતારો.)

નથ્થુ૦-પણ તે વૈદ છે કહાં?

હરિ૦-ઓટલે જરા સુકન જોવા ઊભા રહ્યા છે. શેઠ, કંઇ ગભરાતા નહિ. એ વૈદ એવો છે કે બીજા વૈદ જેમ માણસને મારવામાં હોંશિયાર હોયછે તેમ એ મુંવાને જીવતાં કરવામાં છે.

નથ્થુ૦- પણ એ બહુ નવાઈ જેવું છે કે આવા મોંટા વૈદને એવી નઠારી ખાશિયેત પડી છે.

કમા૦-મગર ઓ ઈલાજમેં કુચ મ્હેનત નહિ હૈંતો. દોચાર લગાઈકે આપની મેલે સાલા ચલા આતા હૈ. ઓ આયા દેખો.

(ભોળાભટ આવે છે.)

નથ્થુ૦-પધારિયે, વૈદરાજ.

ભોળા૦-અશ્વિનકુમાર વૈદ એમ કહી ગયા છે કે વૈદને પધારિયે એમ કહેવું નહિ.

નથ્થુ૦-એવું વળી શેમાં કહ્યુંછ ?

ભોળા૦-પધાર્ય અધ્યાયમાં.

નથ્થુ૦-ત્યારે ફરીથી નહિ કહિયે મહારાજ.

ભોળા૦-બાર વારસ લાગી ગુરૂને ત્યાં વિદ્યાભ્યાસ કર્યા પછી – સાંભળોછ કે વૈદરાજ?

નથ્થુ૦-વૈદરાજ કોને કહોછ? હું તો ઠાકોરણી કિરપાથી વેપારી વાણિયો છઊં.

ભોળા૦-શું? તમને વૈદું નથી આવડતું?

નથ્થુ૦-ના, મહારાજ.

ભોળા૦-શું! વૈદ તમે નથી?

નથ્થુ૦-વૈદ ! નારે, મહારાજ હું વૈદ કેવો ?

ભોળા૦-ત્યારે લો ! લો ! (નથ્થુકાકાને મારે છે.)

નથ્થુ૦-ઓરે! લો શું પથ્થર? આ તે કંઈ રીત છે?

ભોળા૦-મેં તમને વૈદું આપ્યું. હું એજ વિદ્યા ભણ્યાથી વૈદ થયોછું.

નથ્થુ૦-આ અડધ પાંસળીને કહાંથી લાવ્યા છ?

હરિ૦-સેઠ, મેં તમને કહ્યુંતું કની, એતો જરા મીજાસ એવો એનોજ છે.

નથ્થુ૦-એવો તે સાળો મીજાસ કેવો? મારી સાથે એવો મીજસ નહિં ચાલે.

ભોળા૦-શેઠ, માફ કરજો, માફ કરજો હો.

નથ્થુ૦-વારૂ, એકવારની કંઈ ફિકર નહિ.

ભોળા૦-મારા હાથને વા થઈ આવ્યો તેથી હું દિલગિર છું.

નથ્થુ૦- કંઈ ફિકર નહિ, કંઈ ફિકર નહિ.

ભોળા૦-મ્હેં આ પાંચ દશ તમાચા, સેઠ, તમને ચ્હોડી કહાડયો તે બહુ ખોટું-

નથ્થુ૦-હવે એ વાતજ જવાદો. હોય, ફિકર નહિ. મહારાજ એને બહુ કપરો રોગ-

ભોળા૦-બહુસારૂં, બહુસારૂં. હુંતો મહાદેવની પૂજા કરીને રોજ એમજ માગુંછું કે, તમને તથા તમારા ઘરના સઘળાને કપરો રોગ થાય કે તમારી નોકરી બજાવવાનું મ્હારું કેટલું મન છે તે તમને માલમ પડે.

નથ્થુ૦-મહારાજ, તમારી તો કિરપાજા છે કની.

ભોળા૦- સેઠ, હું જુઠું નથી કહેતો, મ્હારા ખરા દીલથી કહું છું.

નથ્થુ૦-હું પણ મારા ખરા દીલથી માનું છઉં. હવે ચલો તો ઘરમાં.


0 comments


Leave comment