17.8 - પ્રારબ્ધ / અરદેશર ખબરદાર


(ઢાળ : તને રાજા બોલાવે ભીલડી .)

ભર્યાં ભર્યાં સરોવર હીલકે,
તોય ગાય તરસડી જાય, રે મારા વહાલમા !
એને કોઠે પડ્યા છે કાંટલા,
ત્યાં તે પગલાં કેમ મુકાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે. ૧

ઝાલે ઝુમ્મર તરણાં ઝૂલતાં,
તોય હરણાં ભૂખ્યાં જાય, રે મારા વહાલમા !
એની વાટે વિચર્યો કેસરી,
ત્યાં તે મુખડાં કેમ મંડાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે. ૨

ભરી છાબ સોનેરી ફૂલડે,
તોય માલણ ઠાલી જાય, રે મારા વહાલમા !
એને વિષધર વીંટી છે પડ્યો,
તેમાં હાથ જ ક્યમ નંખાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે ૩

રૂપે ગુણે છે રસિયો રાજતો,
તોય રસિયણ રડતી જાય, રે મારા વહાલમા !
આડાં પડ્યાં પ્રારબ્ધ કંઇ જન્મનાં,
તેનાં કોટડાં કેમ વીંધાય ? રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે ૪

નેહે નયણાં રસરસ નીતરે,
તોય જુગજુગ સૂના જાય, રે મારા વહાલમા !
એની આશાનું પિંજર તૂટતું,
એનો આત્મા ઊડું ઊડું થાય, રે મારા વહાલમા !
ભર્યાં ભર્યાં સરોવર હીલકે ૫0 comments


Leave comment