17.10 - બાળશો ના / અરદેશર ખબરદાર


(ઢાળ : ક્યા માગું રે મેં ક્યા માંગું .)

બાળશો ના, કોઈ બાળશો ના,
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! -

ઊંડા જ્વાળામુખી કંઇ પડ્યા છે જૂના,
ઊના ઊના કરી ઊકાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૧

તપી તપી ઉચાટે આવ્યાં જળઘાટે,
વાટે વાટે ફરી ઉછાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૨

દિલમાંના દૈત્યો જે સૂતા દિલ ફોલી,
ખોળી ખોળી તેને પંપાળશો ના !
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૩

દુઃખના તે પહાડમાંથી ગંગા ઉતારી,
વારી વારીને પાછી વાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૪

જ્યોતિ જ્યોતિમાં બાળી કુંદનની કાયા,
માયા માયા કહી આડું ભાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૫

ભૂત ભિડાયાં પાછળ, ઊઘડે મહાભાવિ,
આવી આવી તે શમણાં ખાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૬

ભસ્મે ઢાંક્યા અંગારા જીવનના મૂકી,
ફૂંકી ફૂંકી તેને પ્રજાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૭


0 comments


Leave comment