5.4 - અંક ૩ : પ્રવેશ ૪ - ભટનું ભોપાળું / નવલરામ પંડ્યા


(સ્થળ - વસનજીનું ઘર.)

વસo- તમારામાં આટલી વદ્યા છે, તેતો અમે જાણતાજ નહોતા જો. વારૂ તમે દેસ્‍હાણને જુવોની એને સ્‍હું થિયુંછ.

ભોળાo - દેસ્‍હાણ, તમારો હાથ મને ઝાલવા દોતો. હાથ એક ધણી ઝાલે, કે વૈદ ઝાલે.

કુંવo - વૈદની શી ફકર? વૈદ તો બાપ બરાબર.

વસo - લો, આ દક્ષણા મહારાજ.

ભોળાo - હવે મને નાડમાં સુઝવા માંડ્યું ખરૂ. (નાડ જુએ છે). નાડમાં મને કંઇ સમજ પડતી નથી. દેસ્‍હાઇ નાડમાં તો કંઇ રોગ જણાતો નથી. (મનમાં) રાંડે મને માર ખવડાવ્યો તેની હવે કંઇ વેતરણ કરૂં.

વસo - અમને પણ એમજ લાગે છે. કોઇ દહાડો ખાતીજ નથી, ને કોઇ દહાડો ખાય ત્યારે સામટુંજ.

ભોળાo - કાંઇ નહિ, આપણે એની તદબીર કરિયેછ.એક સઘડી લાવો, ને થોડોક મને ગુગળ આપો. (લાવે છે.) એ સગડી સળગેછે એટલામાં મને પરીક્ષા કરવાદો, દેસ્‍હાઇ, જેમ રોગ નાડ પકડ્યાથી પરખાય છે તેમ આડાની પરીક્ષા શરીરનો બીજો ભાગ પકડ્યાથી થાય છે. તે કહોતો પકડું.

વસo - તે ક્યો ભાગ હોસ્‍હે સ્‍હસ્‍હરો?

ભોળાo. - ગભરાતા નહિ, માત્ર ગાલજ, બીજું કંઇ નહિ.

વસo - ગાલની તો કંઇ ફકર નહિ. તેતો પકડો.

ભોળાo - (દેસ્‍હણના ગાલ પકડે છે.) સ્‍હસ્‍હરા હાથમાં એ આવતા નથી ને બરાબર.

વસ. - રોગે રોગે સુકાઇ ગયા.

ભોળાo. - ગાલ તો હાથમાં આવે એવા હોય તેજ સારા. ઓહો ! એને જીવતી ડાકણની આડી નજર લાગી છે. જો સીધી નજર લાગી હોત, તો તો આટલા દહાડા કહાડતજ નહિ.

વસo - તેનો કાંઇ ઉપાય બતાવો, મહારાજ.

ભોળાo. - તદબીર કરિયેછની.આજથી તમે ચાર પાંચ મહિના ઉપર કાંઇ ધોળી જણસ ખાધીતી?

કુંવo - હા, સમછરીને દહાડે દુધપાક કર્યોતો ખરો.

ભોળાo.. - ઠીક, તે દહાડે તમે એકલાં ખાવાં બેઠાંતાં?

કુંવo - હા! ઓહો? મહારાજ કેવા કેવા દાખલા આપેછ?

ભોળાo. - તે વખત તમારા ઘરમાં કોઇ રાતો સાલ્લો પહેરીને બઈરી દીવો કે દેવતા લેવા આવી હતી?

કુંવo - દીવો કરવા! ત્યારે તો તે રાંડ ડાકણ આપણી પડોસમાં રહે કે સ્‍હું? સાંભળોછ કે? તે રાંડનાં નાક કાન કાપીને ગામ બહાર કહાડી મેલાવો, નહિ તો આપણને પણ નડસ્‍હે.

ભોળાo. - થાયછ, હું તેનીજ તદબીરમાં છઊં. (મનમાં) રાંડ, તારી વેતરણ તો એવી કરૂંછ કે જનમ લગી તું મને યાદ કરે.

કુંવo - તદબીર કરતા હો તો વહેલી કરો.

ભોળાo. - દેસ્‍હાણ, મને તેનું નામ કહો.

કુંવo - (વસનજીના કાનમાં) તે તો શિવકોર ભટાણી આવી હતી,પણ તેનું નામ કેમ દેવાય?

વસo - (કુંવર દેશાણના કાનમાં) પણ વાત ખરી! આજે સવારે મને આડા આડા જબાપ આપ્યા ત્‍હાંથીજ મ્હેં જાણ્યું કે એનામાં કંઇ વિકાર છે. (મોટેથી) ભોળાભટ, નામ દેવું સહેલ નથી. અમથી દુશ્મનઇ થાય. તમે નામ પકડી આપો, ત્યારે ખરા.

ભોળાo. - તેમ ત્યારે. મારો વિશ્વાસ નથી આવતો તેથી પરીક્ષા જોવી છે કેમ? ભાઇ, કહેવતજ છેકની, "ઘરકા જમાઇ બેલ બરાબર." વારૂ ઠીક છે. આ સગડી સળગી તો (મ્હોંથી ખોટું ખોટું બબડીને "છૂ છૂ" કરીને સગડીમાં ગુગળ નાંખે છે.) આવો, દેસ્‍હાણ, આ ધૂપ લો. હવે નામને ઠામ બધું જણાઇ જશે. હું કોઇની શરમ રાખું એવો નથી.

શિવo - (ભોળાભટના કાનમાં) કોઇ મોટાના ઘરનું નામ આવે, તો કહેતા નહિ હો! ઉલટું આપણે વેર બંધાશે.

વસo - (કુંવરદેશાણના કનમાં) જોયું? રાંડ ડાકણ હવે કેવી ગભરાય છે?

ભોળાo - જુઓ દેસ્‍હાઈ, દેસ્‍હાણનું મ્હોં કેવું લાલચોળ થઇ ગયું? એની આંખ કેવી તરેછે? એમાં પ્રવેશ થવા માડ્યોછ. એમાં તમે જોયા કરજો. જે હશે તેની છાયા પડશે. જુઓ, જુઓ! પગતો દેખાવા મડ્યા! (મંત્ર ભણવા માંડે છે.)

વસo- (ધ્રુજતો ધ્રુજતો દેસ્‍હાણના કાનમાં) એ રાંડની છાયા બરાબર ઓળખાય છે.

ભોળાo - (પોતાના મનમાં) અરે! ભગવાન! આ શું દેખાય છે! (માથે હાથ મુકે છે.)

વસo - કેમ, મહારાજ, કોનું નામ આવેછ?

શિવo - હે ! શું આવેછે? તે રાંડનું નામ મને કહોતો.

ભોળાo - મને નહિ પુછો. એમાં જે દેખાય તે ખરૂં. જુવો.

શિવo - (જુએ છે) હું તો જોઊં તે રાંડ કોણ છે. દેખાય છે ખરું? આટલાં વરસ હું પાસે રહી, પણ એનામાં આટલો ઇલમ છે એ હું જાણતી નહોતી. મ્હોં બરાબર દેખાયછે, વારૂ એ કોણ હશે? અરે! આતો મ્હારું મ્હોં દેખાય છે. હાય! મારા પીટ્યા જાદુગરા મ્હારૂ મ્હોં કેમ દેખાય છે? ત્‍હેં મને ખાસડાનો મારબાર ખવડાવવો ધાર્યો તો કે? પીટ્યો, લુચ્ચો, ઢોંગી, કપટી, દગાખોર, અફીણિયો. (જતી રહે છે.)

વસo - મહારાજ, હવે કંઇ એનો ઉપાય બતાવો.

ભોળાo - દેસ્‍હાઇ, હુંતો મહા ચંતામાં પડ્યોછ. આગળથી આમ જાણતો હોતે તો ધૂપજ નહિ કરત. હવે સ્‍હું બતાવું? ઘરની રાંડની ફજેતી કેમ કરાય? આપણી જાંગ ઉઘાડીયે તો આપણે નાગા દેખાઇએ.

વસo - પણ અમે કોઇને કહીએ એવા કંઇ ગાંડા છઇએ? ને બીજું તમારા ઘરમાં જીવતી ડાકણ હોસ્‍હે, તો પછી તમારા સ્‍હા હાલ? મટે એમાં તો તમારો અને મારો બંનેનો ફાયદો છે. કોઇ સહેલો ઉપાય બતાવોની કે એ જીવતી ડાકણ છે તે મટે.

ભોળાo- ત્યારે સાંભળો દેસ્‍હાઇ, તમારા ઘરમાં માણસ તો ઘણાં છે. તેની પાસે પકડીને એને બાંધવો, મ્હારી રજા છે. પછી એને મેસની પીયળ કરો, માથામાં દીવેલ ઘાલો, તે પછી મરચાંની ધુણી દો. એને ખાળકુંડીનું પાણી પીવડાવીને દશ દશ ખાસડાંના ઝપેટા બધાં માણસ પાસે મરાવજો. પછી તો એનો ચોટલો બોડાવવો પડે. એ તો કંઇ ઠીક નહિ. હં! તેનું આમ કરજો. માથા પછાડીના ફરતા બબે આંગળ વાળ કતરાવી નાંખવા એટલે ભાવટ ગઇ. (મનમાં) એ સ્‍હસ્‍હરો દેસ્‍હાઇ મ્હારી વઢવાડામાં માથું ઘાલવા આવ્યો તો માટે એને પણ જરા શિક્ષા પહોંચાડવી. (મોટેથી) પછી તમારે સ્‍હું કરવું દેસ્‍હાઇ? દાઢી મુછ મુંડાવી નાખવાં, (તમારા ઘરમાં નજર લાગીછે એટલે તમારે જાતેજ કરવું પડશે.) ને પછી એને શેર બરફી ખવડવી-હં!હં!- ખવડાવીને રુપિયો આપવો. એમ એક આઠ દહાડાલગી કરશો એટલે પછી દેસ્‍હાણ પણ સારાં થશે ને મ્હારાં ભટાણી પણ ઠેકાણે આવશે. તમારે કરવું હોય તો એમ કરજો, મ્હારી તરફથી રજા છે. હું તો જાઊં છું. (જાયછે.)
-૦-


0 comments


Leave comment