2 - સ્વાનુભવ અને અભ્યાસની નીપજ ‘ભજનમીમાંસા’ - પ્રસ્તાવના / બલવંત જાની


       ડૉ.નિરંજન રાજ્યગુરુએ ‘દાસી જીવણ : જીવન અને કવન’ વિષયે પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ પણ સ્વાન્ત: સુખાય સતત પોતાનાં સ્વાધ્યાય અને સંશોધન પ્રવૃત્તિ ચાલુ રાખ્યાં એના સુફળરૂપે છેલ્લા પાંચ-છ વર્ષના ગાળામાં એમની પાસેથી સતત નિયમિત સંત-સાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિષયક લેખો પ્રાપ્ત થતા રહ્યા. સંતવાણી ભજન કંઠસ્થ પરંપરાનું સાહિત્યસ્વરૂપ છે. એ લિખિતરૂપે મળે છે એનાથી સોગણું મૌખિક પરંપરામાં જીવંત છે. એનું પ્રસ્તુતિકરણ પંથે-પંથે અને પ્રદેશે-પ્રદેશે ભિન્નભિન્ન રીતે થતું હોય છે. આ કારણે એનો પ્રત્યક્ષ પરિચય હોય તથા સંશોધન-અર્થઘટનની ઊંડી સૂઝ હોય એને આ સ્વરૂપના સ્વાધ્યાયમાં રહેલી સમસ્યાઓનો ખરો અંદાજ ઝડપથી આવે. ડૉ.નિરંજન રાજ્યગુરુ સૌરાષ્ટ્રમાં વહેલી પરંપરિત સંતવાણીના જાણકાર અભ્યાસી છે. તેઓ તમામ પ્રકારનાં ભજનોને મૂળ ઢંગથી, પરંપરિત તાલ-રાગ-ઢાળ સાથે પ્રસ્તુત કરી શકે છે. આકાશવાણીના માન્ય કલાકાર પણ છે અને સાથોસાથ સૌરાષ્ટ્રનાં તમામ સંતસ્થાનો અને વિવિધ પંથ-સંપ્રદાયોની ભજનમંડળીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે એમની પાસેથી મળતા આ સંતસાહિત્ય સ્વરૂપ-ભજનની મીમાંસા કરતાં ગ્રંથનું વિશેષ મૂલ્ય છે.

       પ્રથમ દ્રષ્ટિએ ‘ભજનમીમાંસા’ ભજન-સ્વરૂપ-વિષયક લેખોનો સંચય લાગે, પરંતુ હકીકતે અહીં ક્રમશ: આપણી કંઠસ્થ પરંપરાના સાહિત્યસ્વરૂપ : ભજનની મીમાંસા માટેના આઠેક જેટલા તબક્કાઓ અલગ અલગ લેખરૂપે નિર્દેશ્યા હોઈ આ ગ્રંથ ભજનસ્વરૂપના અભ્યાસ માટે મહત્વની સામગ્રીને આલેખતો સળંગસૂત્ર ગ્રંથ જણાય છે.

       ભજનની સાહિત્યસ્વરૂપ તરીકેની વિશિષ્ટતાઓ, એના ઉદ્દભવરૂપ પરિબળો, એમાં નિયોજાયેલા ગુરુમહિમા, બોધ-ઉપદેશ અને યોગવિષયક સંદર્ભોનું સ્વરૂપ, બંસરી નામના ભજનના એક રૂપક પ્રકારનો પરિચય. જે સંપ્રદાયના ભજનોની સૌરાષ્ટ્રમાં એક આગવી અને વિશિષ્ટ પરંપરા જીવંત છે એ મહાપંથની સાધનાનું સ્વરૂપ અને એની સંતકવયિત્રીઓના જીવન-કવનનો આછો પરિચય આ ગ્રંથમાં ક્રમશ: પ્રસ્તુત કરેલ છે. વિપુલ ઉદાહરણોને આધારે આ બધા મુદ્દાઓ ચર્ચ્યા હોઈ, અને છતાં તદ્દન સરળ ભાષામાં, વિવેચનની પરિભાષાનો ભાર ન લાગે એ રીતે વિષયનું સાંગોપાંગ સુરેખ નિરૂપણ જળવાયું હોઈ ભજનના સ્વરૂપ વિશે ભાવકચિત્તમાં સ્પષ્ટ ચિત્ર અંકાય છે. ઉપરાંત ખ્યાલ આવે છે કે ભજનનો આસ્વાદ-શ્રવણપાન અલગ વસ્તુ છે અને તેનું અર્થઘટન એક અલગ બાબત છે.

       ભજનવાણીના અર્થઘટન માટે કેટકેટલી સાવધાની રાખવાની હોય એનો ખ્યાલ પણ અહીં ભજનના મર્મને-અર્થને ચીંધતા આવરી લીધેલા વિષયો દ્વારા મળી રહે છે. ઉપરાંત ભજનના સંશોધન-સંપાદન સંદર્ભે એક લેખરૂપ મુદ્દો પ્રસ્તુત કરીને પુરોગામી સંપાદકો દ્વારા કેવી કેવી દિશાભૂલ થઈ છે એનાં ઉદાહરણો દ્વારા, ભજન-સ્વાધ્યાયમાં કેવાં પ્રકારની ચીવટ-સાવધાની રાખવી અનિવાર્ય છે એનો નિર્દેશ પણ સાંપડે છે. ‘વિસરાતી વાણી’ હેઠળ બે-એક વિશિષ્ટ પ્રકારનાં ભજનોનો આસ્વાદ કરાવીને એમાં રહેલા સૌંદર્યસ્થાનોનો પરિચય આદર્શરૂપ ભજનવિવેચન તરફ આંગળી ચીંધે છે.

       સંતવાણી ક્ષેત્રના સ્વાનુભવની સાથોસાથ એક કડક પરીક્ષકની વિવેચન દ્રષ્ટિ અને નીરક્ષીરવિવેકનો સમન્વય થયો છે એ આ ગ્રંથને વધુ સમતોલ બનાવે છે. અહીં સાંપ્રદાયિક પૂજનવૃત્તિ કે સંકુચિતતા નથી. પુરોગામીઓ દ્વારા આ ક્ષેત્રમાં થયેલા કાર્યનો પરિચય પણ એમાં વણી લેવામાં આવ્યો છે. એ વિગતો પ્રસ્તુત કરીને ડૉ.નિરંજન રાજયગુરુ અટકી ગયા નથી, પરંતુ એ માહિતીનું વિશેષ અર્થઘટન કર્યા પછી પોતાના તરફથી ઉમેરણરૂપે વિશેષ વિગતો પણ રજૂ કરી છે. ભજનના સ્વરૂપ અને પ્રકારો વિષયક ચર્ચા આનું ઉત્તમ ઉદાહરણ છે. અનેક સંદર્ભો સાથે પ્રથમ વાર આપણી સામે ભજનનું એક સુસમૃદ્ધ સ્વરૂપ ખડું થાય છે. ભજનના પ્રકારો વિષયક આપણે ત્યાં થયેલી છૂટક છૂટક ચર્ચાઓની આલોચના કરીને ત્યારબાદ સંપૂર્ણ વૈજ્ઞાનિક કહી શકાય એવું જુદા જુદા દ્રષ્ટિકોણને આવરી લેતું સર્વગ્રાહી વર્ગીકરણ આપવાનો પ્રયાસ ખુબ જ પ્રશસ્ય છે. પાંચેક મુખ્ય રીતે ભજનના પ્રકારો પાડી શકાય એવી શક્યતાઓ નિર્દેશ કરીને ભજનના નામકરણ કે સંબોધનને આધારે, વિષય-સામગ્રીને આધારે, રસનિરૂપણને આધારે, ભજનરચનાના ઉદ્દેશની દ્રષ્ટિને આધારે અને ગાયનના સમયને આધારે એમ વિવિધ રીતે ભજન-પ્રકારોનો ઊંડો અભ્યાસ અત્યંત વ્યાપક રીતે વિષયને સૂક્ષ્મ છતાં સરળ બનાવે છે. ભજનના બાવન જેટલા પેટાપ્રકારો અને ચોવીસ જેટલાં રૂપકો તથા રાત્રિના ચોક્કસ જુદા જુદા સમયે ગવાતાં પરંપરિત રીતે નક્કી થયેલાં ભજનો ગાવાની સાંપ્રદાયિક પરંપરાનો પરિચય આ ગ્રંથમાં સર્વપ્રથમ વાર જ પ્રકાશમાં આવે છે.

       અહીં બધે ઉદાહરણ માટે ગુજરાતી ભજનસાહિત્યમાં વિપુલ અને સત્વશીલ ભજનોનું પ્રદાન કરનારા સૌરાષ્ટ્રના સંતભજનિકોના પ્રતિનિધિસમા હરિજન સંતકવિ દાસી જીવણનાં ભજનોને આધાર તરીકે રાખેલ છે, પરિણામે ભજનરચયિતાની વ્યક્તિમત્તાનો-આંતરશ્રીનો પરિચય પણ મળી રહે છે. ડૉ.નિરંજનભાઈ પાસે દાસી જીવણનાં ભજનો ઉપરાંત સૌરાષ્ટ્રના-ગુજરાતના તમામ ભજનિક સંતોની વાણી તથા તમામ પંથ-સંપ્રદાયો અને સંત પરંપરાઓની વિપુલ સામગ્રી છે. એમાંથી અન્ય સંતકવિઓની ભજનરચનાઓ પણ ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરી હોત તો આ ગ્રંથનું મૂલ્ય ઓર વધી જાત. છતાં ઉચિત સ્થળે ઉચિત સામગ્રીનો વિનિયોગ કરીને ચર્ચ્ય વિષયને શ્રેદ્ધેય અને સ્પષ્ટરૂપ તેઓ અર્પે છે. આપણી ભૂમિમાં ઊગીને ઊછરેલા ભજનછોડને આપણી જ ભૂમિની ભજનપરંપરા વિષય સામગ્રીરૂપી આંતરશ્રીથી જ મૂલવવાથી એનો ખરો મર્મધ્વનિ પામી શકાય. આમ ભજનને સમજવા તળ ગુજરાતની જ પોતિકી પદ્ધતિ કેવી હોઈ શકે એના તરફ અંગુલિનિર્દેશ પણ આ ગ્રંથમાં થયો હોઈ એનું વિશેષ મહત્વ છે.

       આમ, ભજનના સ્વરૂપની ખાસિયતો, ભજનસ્વરૂપે થયેલા કાર્યની તપાસ અને ઉમેરણ તથા ભજનનાં મૂલ્યાંકન-અર્થઘટન માટે તળની પરંપરાના સંદર્ભની જીકર અહીં નિહિત હોઈ ‘ભજનમીમાંસા’ ગ્રંથ અભ્યાસીઓને ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવી શ્રદ્ધા છે.

       ભજનમીમાંસા માટેના પોતાના અનુભવ અને અભ્યાસના નિષ્કર્ષરૂપ આ સ્વાધ્યાયનું સ્નેહથી-ભાવથી સ્વાગત કરીને કહીએ કે સ્વાગતમ્.......

ડૉ.બળવંત જાની
(રીડર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ)


0 comments


Leave comment