1 - સંતવાણી ‘ભજન’ – સ્વરૂપ, વિકાસ, પ્રકારો / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


       ‘ભજન’ની એક કાવ્ય પ્રકાર તરીકે વિચારણા થઈ શકે એટલું વિપુલ અને સત્વશીલ સાહિત્ય આ પ્રકારમાં છે. મધ્યકાલીન સાહિત્યના કાવ્ય પ્રકારોમાંથી આજ સુધી સતત ખેડાતો આવ્યો હોય તેવો કાવ્યપ્રકાર ભજન છે. તેથી એક સુસમૃદ્ધ વારસો ધરાવનારા આ કાવ્યપ્રકાર વિશે કેટલીક પાયાની ચર્ચાઓ અને એ નિમિત્તે જે કંઈ સ્વરૂપગત લાક્ષણિકતા આ સાહિત્ય પ્રકારને સાંપડી છે એની ચર્ચા કરવાનો ઉપક્રમ આ લેખમાં જાળવ્યો છે. વીસમી સદીના અંતિમ ચરણમાં જ્યારે આ કાવ્યપ્રકારની તાસીર અને તસવીરની ઓળખ કરાવવાની હોય ત્યારે એમાં નવાં અર્થઘટનોનું ઉમેરણ, પુનર્મૂલ્યાંકન, અને નવી સમજને પણ આલેખવાની રહે એ સ્વાભાવિક છે, એટલે અહીં પ્રારંભમાં ભજનની વ્યાખ્યાઓ કે વિચારણાઓના અર્થઘટન કરતા જઈને એમાંથી સ્વરૂપગત લક્ષણોને તારવીને પછી આ સ્વરૂપના ઉદ્દભવ-વિકાસની યાત્રા સાથે એની લાક્ષણિક મુદ્રાઓ આલેખીને ભજનસ્વરૂપને નિકટથી પામવા માટે પ્રકારલક્ષી અભિગમથી સૂક્ષ્મરૂપે વર્ગીકૃત કરીને એના ઊંડાણમાં જવાનો પ્રયાસ કર્યો છે અને ઉદાહરણ તરીકે સર્વત્ર સમગ્ર ભજન સાહિત્યના પ્રતિનિધિસમાં દાસીજીવણનાં ભજનોની પંક્તિઓનો ઉપયોગ કર્યો છે.....

       આપણો ભારતદેશ આધ્યાત્મિક ભાવના ધરાવતો દેશ છે. અહીં પ્રકૃતિની એક એક ચીજનું પૂજન કરવામાં આવે છે, શબ્દને બ્રહ્મ માનીને પ્રભુનો સેવક કે દાસ બનાવી મોક્ષપ્રાપ્તિ અર્થે પરમ પુરુષાર્થ કરતા રહેવાની શીખ વારંવાર આપવામાં આવે છે. મનસા વાચા કર્મણા સદૈવ પરમાત્માની ઝંખના કર્યા કરવાની પ્રેરણા આપણા લોક સંતો આપતા રહ્યા છે.

       સંતોની એ પ્રેરણા-શીખ આપણને મળી છે એમની ‘વાણી’ દ્વારા. એમનાં સ્વાનુભવભર્યા ભજનો દ્વારા.. સંતોનું જીવન વિશિષ્ટ પ્રકારનું છે, તેઓ પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરવા માટે સાધુ-સંન્યાસીઓની માફક માનવ-જીવનથી દૂર જંગલોમાં, કોઈ પર્વતોની ગુફાઓમાં કે એકાંત જગ્યાએ બેસીને પોતાની સાધના કરવાનું ઇચ્છતા નથી, એમની જીવન પ્રત્યેની ફિલસૂફી જ કંઈક એવી છે કે સાધારણ ગૃહસ્થજીવન ગાળીને પોતાની જવાબદારીઓ પાર પાડતાં પાડતાં સહજરૂપે ભગવદ્દભક્તિમાં સદૈવ લીન રહેવું અને કશાયે આડંબર વિના ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત ઉદાર અને સમન્વયવાદી વિચારસરણી નો લોકજીવનમાં-જનસમાજમાં પ્રચાર કરવો, એ જ એમનું જીવનધ્યેય ને એ જીવનધ્યેય પૂર્ણ કરવા માટેનું સઘન વાહન તે જ એમનાં ભજનો....

       એમાં સંતો-ભક્તોનાં ભક્તિભાવભર્યા જીવન અને તેમની નીતિરીતિનું આલેખન થયું હોય છે, તેના દ્વારા આપણી એ અમૂલી મૂડી લોકકંઠે સચવાતી રહીને આજ સુધી અમર રહી શકી છે. આ વાણીને એટલે જ સંતોએ ‘પરાવાણી’ કહી છે ને ! પોતાના ઉત્કટ સંવેદનો અને સ્વાનુભવોને વાચા આપતી આ વાણીમાં માનવજાતની પરમતત્વને પામવાની, મેળવવાની સનાતન ઝંખનાનું નિરૂપણ થયું હોય છે. વેદોથી ચાલી-આવતી પરંપરા પ્રમાણે જોઈએ તો ઈશ્વરતત્વ-ગૂઢ કે અધ્યાત્મતત્વ, એક સનાતન વિષય તરીકે માનવીની કવિતાનું વિષયવસ્તુ બનતું આવ્યું છે. અને એ જ પરંપરાનું નિદર્શન કરાવે છે આપણા અભણ, ગામડિયા ભજનિક સંતો. પોતાનાં સરળ, બિનઆડંબરી સહજ સ્વાભાવિક ભજનોમાં.....

       આ ભજનોનું અધ્યયન કેવી રીતે કરી શકાય ? એ એક ઘણો મહત્વનો પ્રશ્ન છે આપણી સામે. કારણકે એમાં પરમાત્માના મહિમાનું તેના ગુણોનું, અવતારની કથાઓનું-આત્માની સમાધિનું, બ્રહ્મનો ભેદ પામવાની તાલાવેલીનું , વિરહાકુલ ભક્તહૃદયની ઝંખનાનું, જીવનની અસારતાનું કે ભવની ભાવટ ભાંગવા ભૂધરાને કરેલી રિઝવણીનું સીધીસાદી-સરળ લોકવાણીમાં થયેલું નિરૂપણ ક્ષેત્રવિસ્તારની દ્રષ્ટિએ અનંત કોટિ બ્રહ્માંડની જેમ ઘણું વ્યાપક ક્ષેત્ર ધરાવે છે. શ્રી મકરંદભાઈએ કહ્યું છે તેમ: “ભજન વિશે આપણે ગમે તેટલી ચર્ચા-વિચારણા કરીએ, ગોષ્ઠિ માંડીએ પણ શરૂઆતમાં જ આપણે જાણી લેવું જોઈએ કે એ આપણને ભજનના બાહ્ય પ્રદેશનો પરિચય કરાવશે, ભજનના આંતરિક પ્રદેશમાં પ્રવેશ નહીં કરાવી શકે....

‘ભજન અને ભોજન સરખાં છે, બત્રીસ જાતનાં ભોજન-પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે ગમે તેટલી વાતો કરીએ પણ તેથી ભૂખ ન ભાંગે, સ્વાદ ન આવે, પોષણ ન થાય. ભજનનું પણ તેવું જ છે કારણ કે ભજન આત્માનો ખોરાક છે.’ (મકરન્દ દવે. ‘ભીતર બોલે એક તારો’. ઊર્મિ-નવરચના ઓગસ્ટ ’૭૩ પૃ.૩૧૮)

       આમ ભજનના ભવસાગરમાં ડૂબકી મારીએ તો જ એના ઊંડાણની ખબર પડે, એનો તાગ કંઈ કાંઠે બેસીને ન લઇ શકાય, એ કહીકત ઘણી જ સૂચક છે.


0 comments


Leave comment