4 - ભજનની વ્યાખ્યાઓ અને તેનું અર્થઘટન / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ‘ભજનસાહિત્ય’ વિષે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જોઈએ તેટલું લખાયું નથી, છતાં ‘સંતવાણી’ના મરમી ગણાતાં કેટલાક સાહિત્યકારોએ છૂટક છૂટક ‘ભજન’ વિશે ઊંડી વિચારણા કરી છે એને અવલોકીએ.

      શ્રી મકરન્દભાઈ દવે ‘સંતોની વાણી’ વિશે લખતાં સહજ રીતે ભજનની ટચુકડી વ્યાખ્યા આપી દે છે : ‘જે વાણીમાં ન ઊતરે એને વાણીથી વધાવવાનો ઉછાળો તે ભજન...’ [મ.દ. ‘સ્મૃતિ અને સંસ્કૃતિ’ [શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા સ્મૃતિ ગ્રંથ] ખંડ-૨, ‘આતમને જમાડતી વાણી’ પૃ.૭૫૭]. શ્રી જયમલ્લભાઈ પરમાર : ‘ભજન એટલે શાંત રસને સાધવાની આરાધના..’ [જ.પ. ‘ઊર્મિ-નવરચના’ એપ્રિલ ૧૯૭૬, પૃ.૩૧] એવી વ્યાખ્યા ભજન માટે આપે છે. શ્રી ઝવેરચંદ મેઘાણી ભજનસાહિત્યને: ‘અનુભવની કામધેનુંનું દોહન...’ [ઝ.મે. ‘છેલ્લું પ્રયાણ’ પૃ.૧૩૧] તરીકે ઓળખાવે છે.

      એ સિવાય ભજનસાહિત્ય વિશે જે બીજી વ્યાખ્યાઓ પણ મળે છે તે જોઈએ : ‘અનાહતનાદને વાણી દ્વારા રમતો કરવો એનું નામ ભજન’ [જયમલ્લ પરમાર, ‘ઊર્મિ-નવરચના’ એપ્રિલ ૧૯૭૬, પૃ.૩૩]. ‘અલખની ઓળખાણનો આનંદ સ્વાનુભૂતિની સરવાણીમાં ફૂટે ત્યારે જે અભિવ્યક્તિનાં અજવાળાં પથરાય તેનું નામ ભજન.' [વલ્લભભાઈ રાજયગુરુ ‘સ્વરચિત [અપ્રગટ] ભજનસંગ્રહ [પ્રસ્તાવના] પૃ.૧૨].

      આમ વિવિધ વ્યાખ્યાઓ ‘ભજનસાહિત્ય’ માટે અપાઈ છે. તેમાં ભજનની વિશિષ્ટતાઓ દર્શાવવામાં આવી છે. શ્રી મકરંદભાઈએ ‘જે વાણીમાં ન ઊતરે એને વાણીથી વધાવવાનો ઉછાળો એટલે ભજન’ એમ કહીને માનવચિત્તની સનાતન પ્રકૃતિનું લક્ષણ બતાવ્યું છે. માનવહૃદયમાં ઊઠેલી શંકાઓનું તરત જ સમાધાન કરવાની માનવએષણા યુગોથી ચાલી આવે છે. ક્યારેક ક્યારેક માનવી વિચારવા લાગે છે કે હું કોણ છું ? આ વિશ્વ શું છે ? સમસ્ત માનવસમાજ અને આ જીવસૃષ્ટિની ઉત્પત્તિ કોને કરી હશે ? વગેરે અનેકાનેક પ્રશ્નોનો જ્યારે ઉદ્દભવ થાય છે ત્યારે માનવી શોધ આરંભે છે એ પરમતત્વની... કે જેણે આ બધું રચ્યું છે. પણ એ પરમતત્વ તો અગમ અગોચર, અવ્યક્ત, અમર છે. નિર્ગુણ-નિરાકાર અને ગૂઢાતિગૂઢ છે- એને પોતાની વાણીમાં કેમ વ્યક્ત કરી શકાય? છતાં એ પ્રયત્ન કરે છે અને એ પરમતત્વરૂપી સાગરમાંથી એકાદ ટીપા જેટલો અંશ એ પોતાની વાણીમાં ઉતારવાનો સરળ પ્રયાસ કરીને અગમ્ય આનંદ મેળવે છે. એ રીતે જે વાણીમાં ન ઊતરે એને વાણીથી વધાવવાનો ઉછાળો, કહી, મકરંદભાઈ ભજનમાં આત્મા-પરમાત્માના વ્યાપક, શાશ્વત, ઉદાત્ત અને પવિત્ર સંબંધોનું નિરૂપણ થતુ બતાવે છે તો ‘શાંત રસને સાધવાની આરાધના’ કહીને જયમલ્લભાઈ ભજનના ભાવપક્ષ વિશે સૂચન કરે છે. આપણા ભજનિક સંતોની વાણીમાં કવિતા બનાવવા ખાતર કાવ્ય રહ્યું હોય એવી કાવ્યકળા જોવા મળતી નથી, લોકગીતોની પેઠે અનાયાસ પોતાની હૃદયસંવેદનાઓનું આલેખન આ ભજનોમાં થઈ જતુ હોય છે. પોતાની જીવનરીતિ કે પરમાત્મા પ્રત્યેની ભક્તિના અનુભવો જગતને માટે મઠારીને રજૂ કરી પોતાની વાહવાહ બોલાવવા માટે આ ભજનો નથી રચાયાં. પણ પોતાના આત્માના આનંદને ખાતર પ્રણયવ્યાકુળ વિરહાતુર કે વિહવળ બનેલાં હૈયાંના મનોભાવોનું આલેખન એમણે પોતાના ભજનોમાં કર્યું હોય છે, એટલે ભજનો શાંત રસને સાધવાની આરાધના છે. એમાં બધાયે રસોનો સમન્વય થઈ અંતે શાંત રસમાં સંયોજન થતું હોય છે. ભક્તિનો રસ શાંત જ છે ને. બીજી રીતે કહીએ તો ભક્તિસાધનાનું ઉત્કૃષ્ટ ફળ તે ભજનો... એટલે ભજનોમાં શાંત રસને પ્રાધાન્ય મળે એ સ્વાભાવિક છે.

      એ જ પ્રમાણે મેઘાણીભાઈ ભજનને ‘અનુભવની કામધેનુંનું દોહન’ કહે છે. ભજનવાણીનું સાચું રહસ્ય બતાવતાં તેઓ ભજનને ‘સ્વાનુભવની વાણી’ તરીકે ઓળખાવે છે. જયારે માનવહૃદય ભાવોથી પરિપૂર્ણ બની જાય છે, સંપૂર્ણ પરિપ્લાવિત બની જાય છે, છલકાઈ ઊઠે છે ત્યારે તે તીવ્ર મનોવ્યથાનો અનુભવ કરે છે ને એમાંથી જ કાવ્યોનો જન્મ થાય છે એમ કહેવાયું છે, પછી એ કોઈપણ ભાવ હોય, સત્ય કે પરમતત્વની સ્તુતિ હોય કે જગતમાં વ્યાપી રહેલી માયાની વિડંબના હોય, જીવનો પરમાત્મા સાથેનો સંબંધ હોય કે અજ્ઞાનમાં ગોથાં ખાતા જીવને અપાતી શિખામણ હોય, પણ એમાં કૃત્રિમતા કે સાજસજાવટને અવકાશ નથી, ભાષાની ભભક કે કવિસર્જનની કલાત્મકતા દેખાડવાનો આશય નથી, પણ અંતરમાં જે ઊગ્યું તેને સરળભાવે સહજ સ્વાભાવિક રીતે જ કહી નાખવાની પ્રક્રિયા છે. સ્વાનુભૂતિના જ એ ઉદ્દગારો છે, એમાં કલ્પનાવૈભવને સ્થાન અપાતું નથી.

      સાત્વિક જીવનનું મહત્વ બતાવ્યું હોય કે ગૂઢ-પરમગૂઢ વિષયોનું આલેખન થયું હોય પણ એમાં પરમાત્મા પ્રત્યેની આરત, અતૂટ વિશ્વાસ અને સમાજ પ્રત્યે પોતાની ફરજ એ ત્રણે બાબતોને ભજનોમાં મહત્વનું સ્થાન મળ્યું છે. પોતાના ગૃહસ્થજીવનના અને માનવવ્યવહારો દ્વારા મેળવેલા વિવિધ અનુભવોનું જ્ઞાન આ ભજનોમાં રજૂ થતું હોય છે.

      શ્રી જયમલ્લભાઈએ ભજનની બીજી જે વ્યાખ્યા આપી છે તેમાં ભજનમાં રહેલા નાદસૌંદર્ય વિશે પણ ઈશારો થયો છે. આપણા સંતો યોગમાર્ગના ઉપાસક સાધકો પણ હતા. યોગમાર્ગની સાધના વડે કુંડલિની શક્તિની જાગૃતિ અને એ દ્વારા અદ્દભુત આનંદની પ્રાપ્તિ કરવી એ જ એમનું જીવનધ્યેય હતું. ‘અનાહત નાદ-અનહદનાદ’ એ શબ્દો યોગમાર્ગની પરિભાષાનાં શબ્દો છે, માનવીના અંતરમાંથી આપોઆપ દિવ્ય સંગીત શરૂ થાય. બહારના બાહ્ય ધ્વનિઓ સંભળાતા બંધ થઈ જાય અને નાભિથી ઊઠતો અંદરનો નાદ સંભળાય, એટલે કે આ હત્ ને બદલે ‘અનાહત નાદ’ અનહદ વાજા સંભળાવા લાગે બધું નાદમય બની જાય ત્યારે જે અદ્દભુત શબ્દોના ભાવતરંગો માનવચિત્તમાં જાગે તેની અભિવ્યક્તિ ભજન તરીકે થાય છે.

      લોકધર્મની સમજણ આપીને શ્રી રામનારાયણભાઈ પાઠક ‘નભોવિહાર’માં ‘ભજનસાહિત્ય’ની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે : ‘લોકધર્મો અને આચાર્યોએ સ્થાપેલા ધર્મનો મુખ્ય તફાવત એ છે કે આચાર્યો પોતપોતાનાં દર્શનો લખી એક યુક્તિયુક્ત ધર્મસિદ્ધાંતોના તંત્રનું પ્રતિપાદન કરે છે. લોકધર્મ એવા કોઈ દર્શનનું પ્રતિપાદન કરતો નથી પણ વધારે અંતરની સૂઝ ઉપર અને પોતાના સામુદાયિક ધાર્મિક અનુભવો ઉપર ચાલે છે, લોકની વધારે નિકટ રહે છે. જોકે દર્શનોની અવગણના પણ કરતો નથી તેમાંથી હૃદયકલ્પના એની મેળે જે કંઈ અપનાવી લે તેને વગર સંકોચે વગર ભાને સ્વીકારી લે છે. આ લોકધર્મના કવિઓ જે કંઈ કાવ્યો રચે છે તે આપણું ભજનસાહિત્ય છે.’ (રા.વિ.પાઠક. ‘નભોવિહાર’ [ધીરો-ભોજો અને ભજનસાહિત્ય પ્રવાહ] પૃ.૯૪)

      અહીં શ્રી રામનારાયણભાઈએ ભજનસાહિત્યના રચયિતા સંતો-ભક્તોનાં લક્ષણોનું વર્ણન કર્યું છે, અને એ દ્વારા લોકધર્મનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ભજન સાહિત્યની આ વ્યાખ્યા અહીં તેના રચનારાઓ ઉપર અવલંબિત છે, એટલે ભજનનું ખરું સ્વરૂપ સ્પષ્ટ રીતે પ્રગટ કરી શકતી નથી તો શ્રી વિજયરાય વૈદ્ય : ‘ભજનોનો રચનાર ભક્તકવિ સ્થૂળને વીધી સફળતાથી તેની પાર જઈ જડને ચેતન-રસ કરી જાણે છે, ભગવાનના સાનિધ્યમાં સદાય અનંતઓચ્છવ માણે છે, એ ખરેખરો ‘તાદશીજન’ બને છે, તત્ જે પરમાત્મા તેના સદશ આ જીવાત્મા બની જાય છે. અને એ પોતાના અનુભૂત સંવેદનને, એ પ્રભુદર્શનને અને તેના મહિમાને, મહિમાની પ્રોજ્જવલતાને પ્રમાણમાં તો ઓછી અધૂરી છતાંય કલાત્મક વાણીમાં અવતારવા તે મથે છે. એવા મંથનમાંથી જે પ્રવાહવંતી પદ્યકૃતિઓ તેના હાથે રચાય તેને જ આપણે ભજનો કહેવાં જોઈએ.’ (વિજયરાય વૈદ્ય ‘જુઈ અને કેતકી’ [ભજનવિચાર અને રા.ખબરદારનાં ભજનો.] પૃ.૩૮) એમ કહીને ભજનોના રચનારા પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં આપણને ખરેખર ભજનની વ્યાખ્યા નથી મળતી પણ ભજનિકની વ્યાખ્યા મળે છે એમ કહી શકાય, એમ છતાં ભજનનો મહિમા તો એમણે ગાયો છે જ, ‘પ્રવાહવંતી પદ્યકૃતિ’ કહીને.

      ભજનસાહિત્યનો ભક્તિસંગીતની દ્રષ્ટિએ વિચાર કર્યો છે શ્રી ચિત્તરંજન રાજાએ. તેમણે ભજનને ‘ભક્તિસંગીત-સંતવાણીનાં ફૂલઝેર’ તરીકે ઓળખાવ્યાં છે. (ચિત્તરંજન રાજા. ‘ઊર્મિ-નવરચના’ ફેબ્રુ.૧૯૮૧, પૃ.૬૧૭) ભક્તિસંગીતની વ્યાખ્યા આપતા તેઓ કહે છે : ‘વેદ એટલે સંતોની વાણી અને આ વાણીનું લોકભોગ્ય રૂપ તે ભક્તિસંગીત, એમાં ધર્મઝનૂનનાં વિષ ઊતરી જાય એવો દિલાવર સંસ્કાર અભરે ભર્યો છે. ભજનના શબ્દે શબ્દે સંસ્કારની સરવાણી, સંસ્કૃતિની પીયૂષધારા ખળકતી હોય છે.’ (ચિત્તરંજન રાજા. ‘ઊર્મિ-નવરચના’ ફેબ્રુ.૧૯૮૧, પૃ.૬૧૭ [ગુજરાતની સંસ્કૃતિ ઉપર ભક્તિસંગીતનો પ્રભાવ])

      અહીં તેઓ ભજનસાહિત્યનો સંગીતની દ્રષ્ટિએ પરિચય આપે છે.

      એ જ પ્રમાણે સંગીતની દ્રષ્ટિએ શ્રી જયમલ્લભાઈએ પણ કહ્યું છે ભજનને માટે કે : ‘ભજનો એ કોઈ ગાયનો કે ગાયકીનું અંગ નથી પણ પરિપક્વ બન્યે જતા જીવનના રસભાવનું ચરમબિંદુ છે.’ (જયમલ્લ પરમાર. ઊર્મિ-નવરચના, એપ્રિલ-૧૯૭૬, પૃ.૪૦ [આપણાં લોકગીતો અને તેનો રસભાવ]) શબ્દ અને સુરતા બંનેનો અજબ સહયોગ થાય ત્યારે ભજન માત્ર ગળાની ગાયકી નથી રહેતું પણ અંતરના તારેતારને ઝણઝણાવતું સંગીત બની જાય છે. જ્યારે ભજન ગવાતું હોય છે ત્યારે બહારની બધીયે પ્રવૃત્તિ બંધ થઈ જાય. અંતરના ઊંડાણમાંથી, નાભિમાંથી સૂરની સરવાણી ફૂટે ત્યારે એ પરાવાણીનું હાર્દ સમજાય છે. ભજનના ગાનની સાથે જો તલ્લીનતા, સુરતા ન ભળી હોય, માત્ર વાણીનો ધોધ મુખમાંથી વછૂટતો હોય તો તેની કશી અસર નથી થતી, નથી એનો અર્થ સમજાતો કે નથી તેનો પ્રભાવ પડતો.

      પરિપક્વ બન્યે જતા જીવનના રસભાવનું ચરમબિંદુ કહીને ભજનોની સંગીતક્ષમતા ઉપરાંત ઉર્મિપ્રધાન સંવેદન અને દર્શનના ઊંડાણ ઉપર પણ શ્રી જયમલ્લભાઈએ ધ્યાન દોર્યું છે. જ્યારે બધું નાદમય બની જાય ત્યારે તેનું સર્જન થાય અને એમાં ઊર્મિમય ભાવોના આરોપણ સાથે સંગીતનો પણ સુભગ સમન્વય જરૂર સધાય પણ માત્ર સંગીતકારોની જ એ મિલકત નથી, એ તો સહજ ભાવ, રાગના અનુરાગી, એમાં ઢાળ, લય, તાલ, સૂરની કોઈ નિશ્ચિત બાંધણી ન હોય એને દરેક ગાયક જુદા ઢાળમાં, જુદા ઢંગમાં ગાઈ શકે એ જ ભજનોની આગવી વિશિષ્ટતા.

શ્રી બ.ક.ઠાકોરે પણ ભજનસાહિત્યની મૂલવણી કરતાં : ‘નિરક્ષર ગ્રામ્ય આરણ્યક જનતામાં સુસંસ્કાર શિષ્ટતા અને ભાવનાનો ઉદય સાધતી કંઠસ્થ સાધનસામગ્રી...(બ.ક.ઠાકોર. ‘કબીર સંપ્રદાય’ કિસનસિંહ ચાવડા,[પ્રવેશક] પૃ.૧૫) એવી વ્યાખ્યા આપી છે.

      કંઠોપકંઠ ઊતરી આવીને કર્ણોપકર્ણ ફેલાતી રહીને, નાનાં-મોટાં મંડળોમાં પ્રગટ થઈ તૂટી તૂટી ફરી સંધાતી પરંપરામાં બાહ્યાકાર વેશે ભલે ક્યારેક પલટી ગઈ હોય પણ ગર્ભસ્થ હીર જેણે અસલ સ્વરૂપે સજીવન રાખ્યું છે એવી આ વાણીએ પ્રજામાનસ અને પ્રજાસંસ્કૃતિના ઘડતરમાં અગત્યનો હિસ્સો આપ્યો છે, એમ કહેતાં શ્રી બ.ક.ઠાકોર ભજનવાણીને જનતામાં સુસંસ્કાર અને ભાવનાનો ફેલાવો કરતી વાણી તરીકે સ્વીકારે છે. શાસ્ત્રો-પુરાણોના ભક્તિસભર ભાવો ઉચિત રૂપે તળપદી લોકબોલીમાં રજૂ થવાથી આ ભજનોમાં જે તાજગી અને મીઠાશ રહી છે જે મસ્તી અને લોકવાણીનું બળ પ્રગટ થયું છે એના કારણે જ જીવનમંથનમાં પણ કલાત્મકતા અને લાવણ્યનું નિરૂપણ થતું રહ્યું છે.

      શ્રી મંજુલાલ મજમુદાર ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો વિશે લખતાં ‘ભજન-સંતવાણી’ ઉપર પણ મનનીય વિવેચન આપે છે. તેમણે ભજનની વ્યાખ્યા આપી છે આ રીતે... ‘ભજન એટલે આત્માર્પણનું ગીત...’ (મંજુલાલ મજુમદાર. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો. પૃ.૪૮૮). પ્રભુને આત્મા જ સમર્પણ કરી દીધો છે પછી શું બાકી રહ્યું હોય ? ભજન દ્વારા આત્માને અર્પણ કરવો અને બ્રહ્માનંદનો અપૂર્વ આસ્વાદ લેવો એ જ સંત-ભજનિકનું જીવનધ્યેય હોય છે.

      તો શ્રી દામોદર ભટ્ટે (સુધાંશુ) ભજનસાહિત્યની એક નાનકડી વ્યાખ્યા આપી છે એમના મેઘાણીભાઈ પરના પત્રમાં : ‘હું તો આ ભજનસાહિત્યને નિર્મમ આતમદીક્ષાની આત્મલક્ષીતા લેખું છું. આપણું શિષ્ટ વાડમય જેને સંવેદના, અનુભૂતિ કે જાગતી આત્મસહચારિતા કહે છે તે તો આ ભજન વાગ્દેવતાની નિર્જન ખીણોના ભરચક ભંડારોમાં પડ્યું છે.’(દામોદર ભટ્ટ(સુધાંશુ). શ્રી મેઘાણીભાઈ ને તા.૨૯-૧-૧૯૪૦ના રોજ લખાયેલો પત્ર [જયમલ્લભાઈ પાસેથી પ્રાપ્ત].)

      ‘નિર્મમ આતમદીક્ષાની આત્મલક્ષીતા’ શબ્દપ્રયોગ ભજનોમાં રહેલી સ્વાનુભૂતિનું સુચન કરતો હોય એવું લાગે છે. વાણી અને વર્તન વચ્ચે કોઈ વિસંવાદ ન રહ્યો હોય જીવ અને શિવની એકતા સધાઈ હોય એ સમયે જે આત્મોદ્ગારો સહજ રીતે પ્રસ્ફુટ થાય એનું અહીં માહાત્મ્ય છે, એમ કહી તેઓ ભજનસાહિત્યને વાડમયસાધના અનેકવિધ અનેકરંગી મિનારમાં, અત્યંત બારીક શિલ્પત્વ... (દામોદર ભટ્ટ(સુધાંશુ). શ્રી મેઘાણીભાઈ ને તા.૨૯-૧-૧૯૪૦ના રોજ લખાયેલો પત્ર [જયમલ્લભાઈ પાસેથી પ્રાપ્ત].) તરીકે પણ ઓળખાવે છે.

      ભજનનો દર્શન સાથેનો સંબંધ સ્પષ્ટ કરતાં શ્રી આનંદ શંકરભાઈ પણ કહે છે : ‘ભજન અને દર્શન વચ્ચે તાત્વિક વિરોધ નથી, ભક્ત જે ભજે છે તે જ જુએ છે, અને જે જુએ છે એ જ ભજે છે.. જેમાં દેહભાવની વૃત્તિ પ્રભુમાં લિન થાય, ભજનિક દિવ્યઆનંદમૂર્છા અનુભવે અને ચૈતન્ય સાથેનો સંબંધ રજૂ કરે તેને ભજન કહી શકાય.’ (આનંદશંકર ધ્રુવ. ‘સાહિત્યવિચાર’ પૃ.૪૨૮ [ખબરદાર જયંતિ])

એ જ પ્રમાણે ‘ભવ્ય અગમ્ય, ગૂઢ અને ગહનનું સરલતમ આલેખન એટલે ભજન...’ (વલ્લભભાઈ મ. રાજ્યગુરુ. સ્વરચિત [અપ્રગટ] ભજનસંગ્રહ, પ્રસ્તાવના પૃ.૧૨) ‘મુખોમુખ સાંભળવાની ને મનોમન સમજવાની વાણી એટલે ભજન...’(મકરન્દ દવે, સ્મૃતિ અને સંસ્કૃતિ, ખંડ-૨, પૃ.૭૫૭) ‘આતમને જગાડતી વાણી એટલે ભજન..’(મકરન્દ દવે, સ્મૃતિ અને સંસ્કૃતિ, ખંડ-૨, પૃ.૭૫૭) જેવી વ્યાખ્યાઓ પણ ભજનના સ્વરૂપને સમજવા માટે જુદા જુદા વિદ્વાનોએ આપી છે. અને એ દ્વારા ભજન સાહિત્યમાં છૂપાયેલી અધ્યાત્મવિદ્યાનું મર્મસંવેદન પ્રગટ કરવાના પ્રયત્નો થયા છે.

      ઈશ્વરી તત્વને પોતપોતાની રીતે અનેક રૂપે, અનેક દ્રષ્ટિએ, અનેક પ્રકારે જોવાનો પ્રયત્ન આપણી ભજનવાણીમાં જેવી રીતે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે પોતપોતાની મતિ અનુસાર ભજનવાણીનું અવલોકન પણ વિદ્વાનોએ વિભિન્ન દ્રષ્ટિકોણો દ્વારા કર્યું છે.

      સામાન્ય રીતે ભક્તિનાં કે નીતિબોધક તત્વો ધરાવતાં કાવ્યોએ ભજનોનો એક મોટો વિભાગ સંભાળી લીધો છે. ખરું જોતાં ઘણાંખરાં ભજનો ‘ઊર્મિકાવ્યો’ જ છે. કવિતા અને સંગીત બંનેની ઉત્પત્તિ ભાવના સંચાલનમાં જ છે. તેથી એ બે કળાઓ સર્વ કરતાં વધારે અન્યોન્ય સમીપ હોઈ, બેનો સંયોગ વિશેષ નિકટ થઈ શકે છે. એ કારણે જ આપણા લોકસંતોએ પોતાના ભક્તિભાવના વિષયક વિભિન્ન ભાવોને સંગીત સાથે સાંકળી લીધા અને એમાં દર્શન, ચિંતન, પ્રકૃતિનાં અદ્દભુત ભવ્ય અને દિવ્ય નિગૂઢ રહસ્યોનું વર્ણન સીધીસાદી વાણીમાં યોજીને કલાદ્રષ્ટિએ ઉત્તમ સંગીતકાવ્યોનું સર્જન કર્યું.


0 comments


Leave comment