5 - ભજન એક લાક્ષણિક મુદ્રા / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
ભજનની ઉપર્યુક્ત વિવિધ વ્યાખ્યાઓ પરથી જયારે ભજન સાહિત્યનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ ત્યારે ભજનનાં વિવિધ લક્ષણો તરફ પણ આપણું ધ્યાન દોરાય છે. જગતના નિર્વેદના કે પરબ્રહ્મની મહત્તાના વિવિધ ભાવોનું આલેખન એમાં થતું હોવાથી સાથોસાથ ક્યારેક કોઈક સંત-ભક્તે પોતાનાં વ્યાવહારિક કાર્યો ઉકેલવામાં થતી વિટંબણાઓ ટાળવાની અરજ પણ પરમાત્માને કરી છે. જોકે સાચા ભજનમાં ઐહિક સુખની માગણી જોવા મળતી નથી. એ એની વિશિષ્ટતા છે, તેમ છતાં કેટલાંય બોધ કે પ્રાર્થનાનાં એવાં પદો ભજન તરીકે આપણે ત્યાં ખપ્યાં છે. ‘પ્રાર્થના’માં ભક્તની ઈશ્વર પ્રતિની માગણી જોવા મળે છે. ‘ભજન’ આ રીતે જુદું તરી આવે છે.
ખરેખર તો ભજનમાં કોઈ પ્રેમની માગણી કરવાની હોતી નથી, પરમતત્વનાં ગુણગાન જ કરવાનાં હોય છે. ભજનિક સંત-ભક્ત દિવ્ય આનંદમૂર્છા અનુભવનો ચૈતન્ય સાથેનો પોતાનો સંબંધ રજૂ કરતો હોય છે. એમાં શુષ્ક વૈરાગ્યની જીવનની અસારતાનું ગાન તેમ (સરલ) ભક્તિભાવ કે બ્રહ્મપ્રાપ્તિની તાલાવેલી પણ જોવા મળે છે.
જ્યાં નર્યા બ્રહ્મરસનું આલેખન હોય ત્યાં ભવ્યતાનું પણ દર્શન થાય છે, કેટલીકવાર એમાં અગમ્યતા-ગૂઢતા પણ પ્રવેશી જતી લાગે. ઈશ્વરની સર્વવ્યાપકતા બતાવતા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ જેવાં નરસિંહનાં ભજનો સાથે નિરક્ષર, અંત્યજ ગણાતી જાતિમાં જન્મેલા સંત દાસી જીવણના ‘તેરી કરામત જાણી મેરે દાતા, તેરી અકળ કળા ન કળાણી રે...’ ‘ન જાણું નિજ પંથ રાજા રામ કેડી વિધ રોજ આં...’ ‘ગોવિંદ કી ગત ન્યારી રે કળ્યામાં કેના આવી કિરતારી...’ કે ‘કોઈ રૂપ રંગસે ન્યારા ઉસમેં ક્યાં જાને સંસારા...’ જેવાં ભજનો (દાસી જીવણ : જીવન અને કવન. અપ્રગટ મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ૧૯૮૨, ડૉ.નિરંજન રાજ્યગુરુ. પરિશિષ્ટ ૫(ભજન-સંપાદન) આપણા ભજનસાહિત્યની સમૃદ્ધિ છે.
0 comments
Leave comment