3 - તિહાં આવી રહ્યાં, વૈષ્ણવ સુખી થયાં / નરસિંહ મહેતા


તિહાં આવી રહ્યાં, વૈષ્ણવ સુખી થયાં, એક ઉદ્યમ કરે – સંતસેવા,
સંતોષ રાખતા, સહજ ના લોભ ત્યાં, અવતરિયા [તિહાં] ઉપદેશ દેવા. ૧

બાળક બે થયાં : બાળકો, બાળકી, પુત્ર ગુણવંત ને પુત્રી ડાહી,
વડનગર માંહે પુત્ર પરણાવિયો, ઊને પરણાવી કુંવરબાઈ. ૨

પત્ની ને પુત્ર તો છે મરણ પામિયાં, નગરનાં લોક કરતાં રુદન,
‘અવધ જેની થઈ, તેહ જાયે સહી’, લેશ નહીં શોક કરતું રે મંન. ૩

આણું આવ્યું ને કુંવર ગઈ સાસરે, સાસરિયાં તે અભિમાન રાખે,
‘વૈષ્ણવ વેરાગી છે તાત વહુઅર તણો’ : નિત્ય મહેણાં સુખે સર્વ સાંખે. ૪

કુંવરબાઈને સીમંત તવ આવિયું, સાસુએ સ્વામીને કહી રે વાત :
‘હરખ વહુઅર તણો કેમ કરી પહોંચે ? – નરસૈંયો નિર્ધન છે એનો તાત.’ ૫


0 comments


Leave comment