6 - અપરંપાર મનોભાવોનું વિશ્વ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ‘ભજનસાહિત્ય’માં આપણને જુદા જુદા ઘણાં વિષયોનું આલેખન થયેલું જોવા મળે છે. કારણ કે એમાં સંતોની જૂજવી માનસિક સ્થિતિઓનું નિરૂપણ થયું હોય છે, એટલે પ્રેમલક્ષણા ભક્તિ, યોગસાધના, ગુરુમહિમા, વૈરાગ્ય અગમની ચર્ચા, નિર્ગુણ-નિરાકારની ઉપાસના, સગુણ વૈષ્ણવ પરંપરા, સૂફી પ્રભાવ નીચે પ્રભુની આરાધના, નાથપંથી અસર નીચે ગૂઢ અવળવાણી, જ્ઞાનમાર્ગી વેદાંત ચર્ચા, સંસારીઓને ઉપદેશ, ચેતવણી, શરણાગતિભાવ, મનની મૂંઝવણ, વિરહની વેદના, મિલનનો આનંદ, પ્રભુની ભક્તવત્સલતા, ક્યારેક પરમાત્માને મીઠો ઠપકો કે ઉપાલંભ, વૈરાગ્યની મહત્તા અને મમતાનો ત્યાગ... વગેરે વિષયોનું વૈવિધ્યસભર આલેખન આપણને ભજનસાહિત્યમાં જોવા મળે છે.

      ઉપર્યુક્ત વિષયોને પણ જો પેટા વિભાગમાં વિભાજિત કરીએ તો પાર વિનાના વિષયો થઇ શકે તેવી ક્ષમતા ભજનસાહિત્ય ધરાવે છે. એક એક વિભાગનાં સર્જકે સર્જકે જુદા જુદા પ્રકારો પાડી શકાય છે. તો એક જ ભજનને વિવિધ વિષય નીચે સાંકળી શકાય એવાં ભજનો પણ પ્રાપ્ત થાય છે. આમ ભજન સાહિત્યનું ક્ષેત્ર એટલું વ્યાપક અને અત્યંત વિશાળ છે કે જ્યારે એને વિભાજીત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ભારે મૂંઝવણ ઊભી થાય છે. કદાચ વધુ વ્યાપક રીતે કહેવું હોય તો દરેકે દરેક ભજન એ સ્વતંત્ર પરિમાણ ધરાવે છે, એને કોઈ ચોક્કસ વર્ગીકરણનાં વાડામાં બાંધી શકાય નહીં એટલું વૈશિષ્ઠય આ ભજનવાણીમાં છે, એમ જરૂર કહી શકાય. સૂક્ષ્મ રીતે જ્યારે ભજનની વિચારણા કરીએ ત્યારે જ એની અનંત સૃષ્ટિનો માત્ર આછેરો ખ્યાલ આવી શકે છે, એટલે જ આપણા સંતોએ ભજનોમાં કહ્યું છે ‘વચન કોઈ સંત જ વિરલા જાણે, શબદ કોઈ હરિજન હીરલા જાણે...’ માત્ર અધિકારી જ એને મૂલવી શકે માણી શકે એવું આ સત્વશીલ સર્જન છે.

      સૌરાષ્ટ્ર-ગુજરાતનાં સમગ્ર ‘ભજનસાહિત્ય’નું જયારે આંતર નિરીક્ષણ કરીએ ત્યારે કેટલાંક આગવાં વિવિધ લક્ષણો એમાં તારી આવતાં દેખાય છે. અને એ વિવિધ લક્ષણોનાં પરિણામે તો સમગ્ર લોકસમાજમાં આજે વર્ષો થયાં એ ભજનો ટકી રહ્યાં છે, સચવાઈ રહ્યાં છે. લોકકંઠે ઊતરીને યુગો સુધી સચવાઈ રહેવાની ક્ષમતા ધરાવતાં આ ભજનોમાં એવા ક્યાં લક્ષણો હશે ? તે તપાસીએ તો કલાપક્ષની દૃષ્ટિએ ભજનસાહિત્યમાંથી નીચેનાં લક્ષણો તારવી શકાય :
(૧) મૃદુ અને લલિત પદાવલી.
(૨) નિરાડંબરી શૈલી.
(૩) શબ્દ અને અર્થ બંનેમાં સરળતા, સાદાઈ અને સહજ સ્વાભાવિકતા.
(૪) સાધારણ બોલચાલની, સંક્ષેપમાં વિસ્તૃત અર્થ સમાવી લેતી બળકટ લોકબોલી. વિશિષ્ટ શબ્દપ્રયોગો.
(૫) લોકજીભે સહેલાઇથી ચડી શકે, ટકી શકે એવી ટૂંકી સંગીતમય ટેકપંક્તિઓ.
(૬) કાવ્યકલાની દૃષ્ટિએ ભાવને અનુરૂપ ટૂંકાણ, લય, રાગ અને સંગીતનો સુમેળ.
(૭) લોજજીવનમાં વ્યાપ્ત વિવિધ અલંકારો, પ્રતીકોનો ઉપયોગ.
(૮) લોકોક્તિઓ, કહેવતો, રુઢિપ્રયોગોનો સમુચિત વિનિયોગ.
(૯) ગૂઢ અને રહસ્યમય ઉક્તિઓ, અવળવાણી.
      વગેરે લક્ષણો આપણા ભજનસાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. આમ તો કલાપક્ષની દૃષ્ટિએ કોઈ સાહિત્યિક ઉદ્દેશથી આ ભજનો રચાયાં નથી તેથી કાવ્યકળાની કલાત્મક અભિવ્યક્તિ કદાચ ઓછી જોવા મળે પણ ભાવપક્ષની દૃષ્ટિએ એ ભજનોનું અનુશીલન કરતાં નીચેનાં લક્ષણો તારવી શકાય છે :
(૧) પ્રેમલક્ષણા ભક્તિનું ગાન.
(૨) સગુણ-સાકારની ઉપાસના
(૩) નિર્ગુણ-નિરાકારની ઉપાસના.
(૪) ગુરુમહિમા
(૫) યોગમાર્ગની વિવિધ સાધનાઓનું નિરૂપણ
(૬) નાત-જાત કે સ્ત્રી-પુરુષના ભેદનો અભાવ.
(૭) ભક્તિનાં ક્ષેત્રમાં બધા મનુષ્યોને સમાનતા.
(૮) પરમાત્માની ઉપાસના, અને માનવકલ્યાણની ભાવના અર્થે જ ભજનવાણીની રચના કરવાનું ધ્યેય.
(૯) જીવન, જગત, માયા અને શરીરની નશ્વરતાનું ગાન.
(૧૦) પ્રભુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણની ભાવના...
(૧૧) ક્યારેક પોતાનાં વ્યાવહારિક કાર્યો ઉકેલી આપવાની અરજ... વગેરે....
      આ પ્રમાણે ‘ભજનસાહિત્ય’નાં વિવિધ લક્ષણો આપણને દૃષ્ટિગોચર થાય છે. એ લક્ષણો દ્વારા આપણા સમગ્ર ગુજરાતી ‘ભજનસાહિત્ય’નું ઘડતર થયું છે, એમાં સંતો-ભક્તોની અનુભવવાણીનું નવનીત સમાયું છે, પરાપૂર્વથી ચાલી આવતી ઈશ્વર વિષયક માન્યતાઓ, ભક્તવત્સલ ભગવાનનો ભક્તો પ્રત્યેનો અપાર પ્રેમ, ભક્તની અન્ય શ્રદ્ધા અને જનજીવનની વિવિધ વિડંબનાઓ આલેખાઈ છે. એટલે જ માનવમાત્રને પોતીકું લાગે એવું એ સહિયારું સર્જન લોકહૈયામાંથી વિખૂટું પડી શક્યું નથી, આજે એના રચનારાઓ નથી એનો પ્રચાર કરનારો નથી છતાંયે એટલી જ ભાવનાથી, એટલા જ ઉત્સાહથી ગવાય છે, ઝીલાય છે અને સાચવી રખાય છે. એનો આનંદ માત્ર કાવ્યકળાના જાણકારો કે વિવેચકો જ નથી માણતા પણ ગામડાનો અભણ નિરક્ષર સમાજ પણ એટલી જ તન્મયતાથી એ ભજનોને માણી શકે છે, નાણી શકે છે. ભલભલા વિચારકો ગોથાં ખાઈ જાય એવી આ અગમવાણી માટે જ્યારે ભાવ અને ભક્તિ સાથે ભાંગતી રાતે ભજનની ભાભુ બોલતી હોય, એકતારાના તંતુ સાથે ટેરવાંની વાતડિયું થાતી હોય, મંજીરાનાં મીઠાં રણકાર સાથે ને તબલાના તાલે તાલે મીઠાં મધુર મધુર સૂરે ગવાતી હોય ત્યારે જ એના સત્વશીલ શક્તિને ઓળખવાનો પ્રયાસ કરીએ તો કંઈક નજીવી સફળતા મળી શકે છે. અને એના સામર્થ્યની પ્રતીતિ પણ ત્યારે જ થઇ શકે છે. એટલે જ મકરન્દભાઈએ એને ‘મુખોમુખ સાંભળવાની અને મનોમન સમજવાની વાણી’ (મ.દ. ‘સ્મૃતિ અને સંસ્કૃતિ’ ખંડ-૨, પૃ.૭૫૭ [શ્રી નાનજી કાલિદાસ મહેતા સ્મૃતિગ્રંથ]) કહી છે ને ! ‘એને જ્યારે લખવા બેસીએ છીએ ત્યારે સૂરની પાંખે ઊડતા અને મરમના રંગથી ચળકતા, ચમકતા જીવતા જાગતા પતંગિયાંને કાગળ ઉપર ખુંચાડી દેતાં હોઈએ એમ લાગે છે.’ (મ.દ. ‘સ્મૃતિ અને સંસ્કૃતિ’ ખંડ-૨, પૃ.૭૫૭ [શ્રી નાનજી કાલિદાસ મહેતા સ્મૃતિગ્રંથ])

      ભજનો એ તો ‘આતમને જગાડતી વાણી’ છે. (મ.દ. ‘સ્મૃતિ અને સંસ્કૃતિ’ ખંડ-૨, પૃ.૭૫૭ [શ્રી નાનજી કાલિદાસ મહેતા સ્મૃતિગ્રંથ]) એની કલાપક્ષ ને ભાવપક્ષ, રસ ને અલંકાર, ભાષા ને શબ્દ, બંધારણ ને અભિવ્યક્તિ, પ્રતિક ને કલ્પનાયોજન એવાં ખોખાં પાડીને સમજણ કેમ આપી શકાય? છતાં એક ભજન સાહિત્યનાં સંશોધક તરીકે એ બધું સ્વીકારીને અહીં ચાલવાનો પ્રયાસ કર્યો છે.

      સમાજના નીચલા થરના નિરક્ષર સંતો પોતાના ગુરુની કૃપાએ જ શબ્દ બ્રહ્મની ઉપાસનામાં આગળ વધ્યા અને અંતરલક્ષી અભિવ્યક્તિ દ્વારા સાહિત્યિક સર્જનકલાનાં નિયમોની જાણકારી ન હોવા છતાં પોતાની એક આગવી પરંપરાનું ઘડતર કરી ગયાં. દર્શન-ચિંતન, વેદાન્તના લુખ્ખા સુક્કા આડંબરી ભાષાવિલાસની સામે સાદી, સરળ ને સચોટ વાણીમાં વેદોથી ચાલ્યો આવતો ભક્તિપ્રવાહ એમણે વહેવડાવ્યો ને નિત્યનૂતન કહી શકાય એવી અમરવાણીનું સર્જન અનાયાસે કરી ગયા એ જ તેમની અપૂર્વ સિદ્ધિ છે...


0 comments


Leave comment