16 - નવઘડ ઘાટ પટોળી ને પામરી / નરસિંહ મહેતા


રાગ કેદારો

નવઘડ ઘાટ પટોળી ને પામરી, ચીર નવરંગ, પાંદડિયા સાડી,
બાંધી છે પલવટ દોશી દામોદરે, જોઈએ તે વસ્ત્ર આપે છે કાઢી. ૧

છાયલ અણગણ્યાં, વસ્ત્ર વિધવિધ તણાં, ઘરસાડી જૂજવી ભાત રૂડી,
સાળુ ખીરોદક, અતલસ અભિનવી, પચરંગી ઓપતી કોર ગૂઢી. ૨

મોતીની જોડી હાથે હેમ-સાંકળાં, વિવિધ શણગાર તે વરને દીધો,
વસ્ત્ર પાંચે લઈ આપિયાં જરકસી, સસરે જમાઈ રળિયાત કીધો. ૩

સાસુ નણદી ભોજાઈ કાકી ફઈ, મોસાળ શ્વસુર પક્ષ ગોતી,
પડ-પિતરાઈ ભોજાઈ વહેવાઈનાં શોધી શોધી દીધાં વસ્ત્ર પોતી. ૪

નાગરી નાતમાં પહેરાવી પહેરામણી, આડોશીપાડોશી, ગોરાણી, જોશી,
કાપડું એક તે પૂરિયું જરકસી, શાંત કીધી પેલી ઘરડી ડોશી. ૫

હેમના પહાણિયા મેલિયા છાબમાં, વસ્ત્ર ઢાંક્યું પછે વાર છેલ્લી,
‘પુત્રી ! આ તાહરું કાજ અમો સાધવા આવિયા આંહીં નિજ ધામ મેલી.’ ૬

ગદ્દગદ કંઠે તવ સૂરસેના વદે : ‘ધન્ય ધન્ય નાથ’ કહે શીશ નામી,
જયજયકાર થયો રે મંડપ વિશે : ‘ધન્ય મહેતા, ધન્ય વિશ્વસ્વામી.’ ૭

શીખ માગી કરી થયા અંતધાર્ન હરિ, ‘ધન્ય ધન્ય નરસૈંયા’ વદત વાણી,
વૈકુંઠનાથ હતો સર્વથી વેગળો, તે પ્રેમનો તાંતણે આણ્યો તાણી. ૮


0 comments


Leave comment