7 - અવનવી રંગધારાઓથી રંગાયેલી ભાતીગળ ચૂંદડી : ભજન / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
ભજનવાણીનું અવલોકન આપણે ત્યાં વિવિધ દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. શ્રી વિજયરાય વૈદ્ય ભજનના શુદ્ધ અને મિશ્ર એવા બે પ્રકારો પાડતાં કહે છે :
‘શુદ્ધ ભજનો એટલે સર્વાંશે નિ:સ્પૃહ ઈશ્વર ગુણાનુવાદ. મિશ્ર ભજન એટલે પ્રાર્થના. પ્રાર્થનામાં ભજન તત્વમૂલક નિષ્ઠાવાન ઈશ્વર ગુણાનુવાદ ઉપરાંત, વત્તાઓછા સ્વાર્થવાળી ઐહિક કે પારલૌકિક સ્વાર્થવાળી આવી આવી યાચનાઓ અને વિનંતિઓ માટે પણ અવકાશ સારા પ્રમાણમાં રહે છે...’ (વિજયરાય વૈદ્ય ‘જુઈ અને કેતકી’. ભજન વિચાર અને રા.ખબરદારનાં ભજનો. પૃ.૪૦) આમ શ્રી વૈદ્ય સમગ્ર ભજનસાહિત્યને બે વર્ગોમાં વિભાજિત કરીને તેનું અવલોકન કરે છે. જ્યારે મકરન્દ ભાઈએ ત્રણ માર્ગોથી ગુજરાતી સંતવાણીને અવલોકી છે : ‘મહામાર્ગ, નાથયોગ અને સંતપરંપરા...’ (મ.દ. ‘સત કેરી વાણી’ પ્રવેશક પૃ.૫)
મહામાર્ગમાં જે ધાર્મિક વિધિઓ અને વિશિષ્ટ રહસ્યાત્મક ક્રિયાઓનું મહત્વ છે, તેનું વિગતે આલેખન કરીને મકરન્દભાઈ એ ‘મોટાપંથ’ની અગમવાણી સરળતાથી સમજાવે છે, નાથયોગ – જે યોગસાધના પ્રણાલીની પરંપરા જાળવી રહ્યો છે, તેના પ્રકારો-પ્રભેદો દર્શાવી ભજનવાણીમાં આલેખાયેલો યોગમાર્ગ એમણે દર્શાવ્યો છે. એ જ રીતે ત્રીજા વિભાગને ‘સંત પરંપરા’ એવું નામાભિધાન કરી મૂળદાસથી દાસી જીવન સુધીના લોકસંતોની વાણીનું અનુશીલન પણ આપ્યું છે. આમ પણ ‘ઘાટ’થી ગુજરાતી સંતવાણીએ વર્ગીકૃત કરવામાં આવી છે, અવલોકવામાં આવી છે. એ જ રીતે શ્રી જયંતિલાલ આચાર્યનાં માટે આપણી ભજનવાણી બે ધારાઓનું નિદર્શન આપે છે. “એક તો શાસ્ત્રસંપન્ન સાક્ષર તેજસ્વી કવિઓની વાણી અને બીજી ધારા તે સમાજનાં નીચલા થરમાંથી આવેલા નિરંતર અનુભવપ્રતિષ્ઠ સંતોની વાણી.” (જયંતિલાલ આચાર્ય. ગુજરાતના સંત કવિઓ અને બાઉલપંથ, પૃ.૨૩) તો જયમલ્લભાઈ ‘મહાપંથ, નાથપંથ, કબીરપંથ, પ્રેમલક્ષણા અને સ્વામિનારાયણ એમ પાંચ વિભાગોમાં ભજનવાણીનું અવલોકન કરી શકાય એવું કહી ભજનોનાં વિવિધ સર્જકોની ભજનોના પ્રકારોની નામાવલી પણ આપે છે.’ (જયમલ્લ પરમાર. ‘ગુજરાત એક પરિચય’ [કૉ.અધિવેશન સ્મૃતિગ્રંથ] ૧૯૬૧ પૃ.૨૦૦ ભાવનગર) આ રીતે ભજનોની વિચારણા જુદી જુદી દૃષ્ટિએ આપણે ત્યાં થઇ છે; પરંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ વર્ગીકરણ જણાતું નથી.
0 comments
Leave comment