10 - સ્વરૂપની દૃષ્ટિએ ભજનનું વર્ગીકરણ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      સ્વરૂપની દૃષ્ટિએ ભજનોનાં આપણે ઘટનાત્મક, ઉપદેશાત્મક, સ્તુત્યાત્મક અને ગૂઢ આત્માનુભૂત્યાત્મક એવા ચાર પ્રકારો પાડી શકીએ. એ જ રીતે ભક્તિપરક, જ્ઞાનપરક અને યોગપરક એવા ત્રણ પ્રકારો પણ પાડી શકાય. જરા વધુ સ્પષ્ટ કરીએ તો –

(૧) ઘટનાત્મક ભજનો :
      લૌકિક કે અલૌકિક એવી ઘટનાઓનું વર્ણન થતું હોય એવાં ભજનોમાં ક્યારેક પોતાના કૌટુંબિક જીવનની કઠોરતા કે વિષમ પરિસ્થિતિનું આલેખન કરીને ભક્ત, જુદા જુદા ભક્તોનાં વિકટ પ્રસંગોએ પરમાત્માએ કેવી રીતે સહાય કરી હતી તેનો ઉલ્લેખ કરે છે, અને પ્રભુની ભક્તવત્સલતાનું ગાન આ ભજનોમાં કરે છે. ક્યારેક તો એવા પ્રસંગોનો ઉલ્લેખ કરીને ભગવાનને યાદી આપતાં ઠપકો પણ આપે છે.

(૨) ઉપદેશાત્મક ભજનો :
      જેમાં ઉપદેશનું તત્વ પ્રબળ હોય એવાં ભજનોને આ વિભાગમાં સમાવી શકાય. આવાં ઉપદેશાત્મક ભજનોમાં ત્રણ પ્રકારે ઉપદેશ કે શિખામણનું આલેખન થયું હોય છે. (૧) પોતાના આત્માને ઉદ્દેશીને અપાયેલો બોધ – જેમ કે દાસી જીવણનું એક ભજન છે : ‘મારા દિલ દીવાના તું લેલે હરિના ગુણ ગાઈ..........’ (૨) બીજાને પ્રત્યે સંબોધનરૂપે અપાયેલો ઉપદેશ. ઉદાહરણ તરીકે : ‘શાને માટે ભજતો નથી સહેજે સીતારામ....’ : ‘ઊઠી રામકૃષ્ણમુખ રટ શું રે નર સૂઈ રહ્યો છે....’ જેવા ભજનો... (૩) પરોક્ષ રીતે સમગ્ર માનવજાતને જેમાં બોધ અપાયો હોય. વિવિધ ઉલ્લેખો, પ્રતીકો, પ્રસંગો દ્વારા ચેતવણી અપાઈ હોય એવાં ભજનો..... ‘મારી વાડીના ભમરલા વાડી વેડીશ મા.....’ ‘ભૂલ્યા ભટકો છો બારે માસ હંસલા કેમ ઊતરશો પારે રે...’ જેવા રૂપકગર્ભ ભજનોનો સમાવેશ આ રીતે ઉપદેશાત્મક ભજનોના પ્રકારમાં થઇ શકે. આ ભજનોમાં માનવજીવનની ક્ષણભંગુરતા સમજાવી પરમાત્માનો આશરો લેવાનું સૂચન આપણા ભક્તોએ જનસમાજને કર્યું હોય છે. વૈરાગ્યની મહત્તા સમજાવી, અહંકાર તથા મમતાનો ત્યાગ કરવા વિશે સારા પ્રમાણમાં સમાજને ચાબખા માર્યા છે આ સંતોએ.... અજ્ઞાનીઓને ઈશ્વરસ્મરણની મહત્તા સમજાવવા ભજનોમાં પ્રતીકાત્મક શૈલીનું આયોજન-આલેખન કરીને પણ સાચી શિખામણ આપવાનું આ કવિઓ ચૂક્યા નથી. માનવીની માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણ જેવા પ્રસંગોની વ્યાધિનું આલેખન કરીને નાશવંત દેહ વિશે ચેતવણી આપવા કાયાને ‘પાણીના પરપોટડા’ સાથે તો ક્યારેક ‘કાગળની કોથળી’ સાથે પણ સરખાવી છે. સ્વાર્થની સગી દુનિયાનું હૂબહૂ ચિત્રણ આપીને :
‘માત પિતાને તારાં કુટુંબ કબીલા
બેની બંધવ સૂત ભાઈ
અરધંગા તારી અળગી રે શે
એકલડો જીવ જાઈ.
માટે લે લે હરિના ગુણ ગઈ...’ (દાસી જીવણ)

      - જેવી પંક્તિઓ દ્વારા આપણા સંતોએ વાસ્તવિક સ્વાર્થી માનવજીવનનું ઊંડું અધ્યયન કર્યું છે. અને એ દ્વારા સમગ્ર માનવસમાજને કંઈક સાચા રસ્તે દોરવાનો પ્રયાસ કર્યો છે.

(૩) સ્તુત્યાત્મક ભજનો :
      આપણા ‘ભજનસાહિત્ય’માં સ્તુત્યાત્મક ભજનો પણ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, પરમતત્વ પરમાત્માની યશોલીલા અને અકળલીલાનું ગાન કરતાં ભજનોનું સ્થાન પણ અતિ મહત્વનું છે. સંતોના જીવનમાં... ભક્તની પરમાત્મા પ્રત્યેની તીવ્ર ઝંખના ‘કો અકળ, અનુપમ, અલખ, અકથ, અગમ. અદૃષ્ટ એવા અનહદ તત્વની ઉપાસનારૂપે પ્રગટ થઇને વાણીમાં વહે છે ત્યારે જેને આપણા ઋષિમુનિઓએ પણ નેતિ’ ‘નેતિ’ કહીને એના વ્યાપકતા, ક્ષમતા અને વૈશિષ્ઠ્ય વિશે હાથ જોડ્યા છે, એવા ગૂઢાતિગૂઢ સૂક્ષ્મતત્વને ‘ગોવિંદકી ગત ન્યારી રે કોઈના કાવ્યામાં નાવે કિરતારી...’ કે, ‘તેરી કરામત જાણી મેરે દાતા તેરી સકળ કળા ન કળાણી રે...’ જેવી પંક્તિઓમાં સાવ સીધાસાડા સરળ શબ્દોમાં આપણા દાસીજીવણ જેવા સંતોએ વ્યક્ત કર્યું છે.

(૪) ગૂઢ આત્માનુભૂત્યાત્મક ભજનો :
      આપણા સંતોની ભજનવાણીમાં કેટલાંક ભજનો સહેલાઇથી સરળ રીતે ન સમજી શકાય એવી ગૂઢ ભાષામાં ગહન અને ગંભીર અનુભૂતિ વ્યક્ત કરતાં હોય એવું જોવા મળે છે. યોગસાધના અને તાંત્રિકોની ગૂઢ ક્રિયાઓની અસરથી કથા વેદાંતનાં તત્વચિંતનને પરિણામે જે આગળ દર્શનપ્રણાલી આપણા ભજનોમાં ઉત્પન્ન થઇ છે તેનું નિદર્શન આ ભજનો કરાવે છે.

      અધૂરી ઓછી છતાંયે કલાત્મક વાણીમાં જે પરમદિવ્ય તત્વ સાથેનો પોતાનો સંબંધ દૃઢ કરવા ભજનિક સંતો અવળવાણી કે પરંપરિત પ્રતીકાત્મક શૈલીનો ઉપયોગ કરે છે, એટલે એમાં વિવિધ સાધનાઓની પારિભાષિક શબ્દાવલી દ્વારા અર્થઘટન કહી શકાય તેવું સૂક્ષ્મ નિરૂપણ થતું હોય છે.
‘દેખંદા કોઈ આ દિલમાંય,
ઝણણણ ઝણણણ ઝાલર વાગે...’
(દાસી જીવણ : જીવન અને કવન [અપ્રગટ મહાનિબંધ] ડૉ.નિરંજન રાજ્યગુરુ, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ. ૧૯૮૨ [ભજન સંપાદન]
***
‘જા સોહાગણ જા ગગન મેં,
જ્યોત જલત હે જા...’ (સંદર્ભ : ઉપર્યુક્ત)
***
‘અટળ અભંગી એવા પુરુષ અલંગી વાલા
દશમે દ્વારે મેં તો દેખ્યા રે દીવાની જ્ઞાની
આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની....’
(સંદર્ભ : ઉપર્યુક્ત)

      જેવી પંક્તિઓમાં આ જાતનું નિરૂપણ જોઈ શકાય છે, અહીં સાધકના ચિત્તમાં જે અનુભવોના સંવેદનો પડ્યાં છે તેણે પરંપરિત પ્રતીકાત્મક શૈલીનો આશરો લઇ રહસ્યમયી વાણીમાં અભિવ્યક્ત સાધી છે.

      ઉપર પ્રમાણે આપણે સ્વરૂપની દૃષ્ટિએ ભજનોને ચાર વર્ગોમાં વિભાજિત કર્યા. એ જ રીતે ભક્તિપરક, જ્ઞાનપરક અને યોગપરક એમ ત્રણ વર્ગોમાં પણ ‘ભજનવાણી’નાં આ વિશાલ સમંદરને વર્ગીકૃત કરી શકાય....

(૫) ભક્તિપરક ભજનો :
      ભજનોને જ્યારે ભક્તિપરક, જ્ઞાનપરક અને યોગપરક એવા ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરીએ ત્યારે એક વાતનો સતત ખ્યાલ રાખવો જોઈએ કે સમગ્ર ‘ભજનસાહિત્ય’નો ઉદ્દભવ ‘ભક્તિતત્વ’માંથી જ થયો હોય છે. પછી ભલે એ જ્ઞાનનું અવલંબન કરીને સ્વીકારાઈ હોય કે યોગમાર્ગની અટપટી ક્રિયાનો આધાર સ્વીકારીને....

      ભક્તિપરક ભજનોમાં આત્મા-પરમાત્માના અથવા તો પુરુષ અને પ્રકૃતિનાં વ્યાપક, ઉદાત્ત અને શાશ્વત પવિત્ર સંબંધોનું વર્ણન કરવામાં આવ્યું હોય છે. તેમાં પરમાત્મા પ્રત્યેની ભક્તહૃદયની આરઝૂઓ, ઝંખનાઓ, વિરહની વેદના અને તડપન તેમજ મિલનનો આનંદ આલેખાયો હોય છે. ભક્તનો મહિમા વર્ણવતી રચનાઓ અને ભક્તહૃદયની આર્ત-આર્દ્ર સંવેદનોથી પ્રભુને સંબોધેલી પ્રાર્થનાઓનો સમાવેશ આ રીતે ભક્તિપરક ભજનોમાં કરી શકીએ. જેમાં પ્રેમલક્ષણા-સગુણ-સાકાર બ્રહ્મની ઉપાસના થઇ હોય એવાં ભજનો પણ ભક્તિપરક ભજનો નીચે સમાવિષ્ટ થઇ શકે.

(૬) જ્ઞાનપરક ભજનો :
      નિર્ગુણ નિરાકાર બ્રહ્મની આરાધના અર્થે, અદ્વૈત વેદાન્તના જ્ઞાનગર્ભ કાવ્યત્વસભર પદોને આપણે જ્ઞાનપરક ભજનો કહી શકીએ. જેમાં વિવિધ વેદાંતપ્રવાહોનું નિદર્શન થયું હોય છે, સંસારીઓને મારેલા ફટકાઓ, ચાબખાઓમાં પણ કેટલીક જ્ઞાનપરક ઉક્તિઓ ધરાવતાં ભજનો મળી આવે છે. નરસિંહ મહેતા, અખો, ભાણદાસ, પ્રીતમ, ધીરો અને ભોજાભગત વગેરે જ્ઞાનમાર્ગી કવિઓ તરીકે જાણીતા સંતોની ‘ભજનવાણી’ જ્ઞાનપરક ભજનોનાં વર્ગમાં આવી શકે. અલબત્ત આ સંતોએ ભક્તિમાર્ગને પણ ઓછેવત્તે અંશે અપનાવ્યો છે, અને એ રીતે જ્ઞાન-ભક્તિનો સમન્વય સાધીને પરબ્રહ્મની ઉપાસના કરવાનું જ એમનું લક્ષ્ય રહ્યું છે.

‘આપણે જન્મ્યા સો પણ જાયગા, જાશે આપણાં જાયો
છેલે નહીં કૂવા કેરી છાંયા રે એમ સમજ સમજ સમાયો
આદિ અનાદિ એક રંગ રેણા લે શીતલ વનનો છાંયો
ભીમ ભેટ્યે મુંને ઈ ગમ આવી દાસી જીવણ ગુણ ગાયો....’
(દાસી જીવણ : જીવન અને કવન [અપ્રગટ મહાનિબંધ] ડૉ.નિરંજન રાજ્યગુરુ, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ. ૧૯૮૨ [ભજન સંપાદન]

      જેવી ઉક્તિઓમાં દાસી જીવણે પણ તત્વચિંતન અને જ્ઞાન દર્શનનો સમન્વય સાધ્યો છે.

(૭) યોગપરક ભજનો :
      આપણી ભજનવાણીનું એક મહત્વનું અંગ છે યોગસાધના. સંતોએ પરમાત્માની ઉપાસના કરવા માટે શરીર અને મનની શુદ્ધિ માટે યોગમાર્ગનું અનુસરણ કર્યું છે, કઠિન સાધના દ્વારા પોતાની ચિત્તવૃત્તિઓનો નિરોધ કરીને ધજાની પૂંછડી માફક ફરફરતા મનને એક ઠેકાણે બાંધી રાખવાનું કાર્ય યોગ દ્વારા જ થઇ શકે છે, અને યોગની પ્રાપ્તિ સદગુરુની કૃપા હોય તો જ થાય છે, એવી માન્યતાથી પ્રેરાઈને યોગસાધનાને પોતાની ઉપાસનામાં મહત્વનું સ્થાન આપ્યું છે આપણા સંતોએ... અને એ રજૂ થયું છે એમનાં ભજનોમાં.....

‘ઇંગલા પિંગલા સુખમણાં સાધી લે
માંઇ મેરસ સરખા દીસે છે માલરી....
વિના દીપક એક જ્યોતિ જલત હૈ,
માંઇ ખન ખન ખૂબી દીસે છે ખ્યાલરી...
ઝણણ ઝણણ વાગે છે ઝાલરી....’ (દાસી જીવણ)

      જેવી અસંખ્ય પંક્તિઓ આપણા ભજનસાહિત્યમાં મળી આવે છે. કબીરની નિરંજની ઉપાસનાના પ્રભાવ હેઠળ યોગસાધનાનો પણ આપણા ભજનિક સંતોમાં આ રીતે વિકાસ થયેલો જોવા મળે છે.


0 comments


Leave comment