1 - ચહેરા વિનાના સજાગ વાચકો સાથે સંવાદ / સંવાદ / ભરત ઘેલાણી


સંવાદ......
કેવો સ-રસ શબ્દ છે....
વાતચીત કરવા માટે પણ સંવાદ કરવો પડે ને વાદ-વિવાદ માટેય સંવાદ તો કરવો જ પડે !

શબ્દકોશ અનુસાર સંવાદનો અર્થ જે પણ થતો હોય, પરંતુ મારે મન સંવાદ એટલે એક ધબકતું સત્ય ! પેલી જાણીતી ઉક્તિ છે : બે જ ચીજ તમારી સાથે સંવાદ કરી શકતી નથી. એક, ટેબલ-ખુરશી જેવી જડ ચીજવસ્તુ ને બીજું, શબ !

સંવાદ માટે બન્ને છેડે ધબકતાં-વિચારતાં બે મન-હૃદય-મગજ હોવા જોઈએ તો જ સંવાદ શક્ય બને.

જો કે એક છેડે અજાણ્યા-ચહેરાવિહોણા વાચક હોય ને બીજે છેડે કોઈ એક શબ્દનો સૌદાગર હોય ત્યારે જે સંવાદ શક્ય બને એ એક માણવા જેવી અનુભૂતિ હોય છે.

આ વાત પુરવાર કરી રહ્યાં છે અહીં પ્રગટ થઇ રહેલા આ પુસ્તક સંવાદના સર્જક જ્વલંત છાયા......

કેટલાક સજાગ પત્રકારો ચહેરાવિહોણા વાચકો (Faceless Readers) સાથે સંવાદ સાધવામાં સફળ રહેતા હોય છે. જ્વલંત મૂળભૂત રીતે દૈનિક અખબારનો પત્રકાર હોવા છતાં વાચકો સાથે સંવાદ કેળવી શક્યો છે.

જાણીતા દૈનિક દિવ્ય-ભાસ્કર સાથે સંકળાયેલો હતો ત્યારથી જ્વલંતે ભિન્ન-વિભિન્ન વિષયો પર હાથ અજમાવ્યો છે. દૈનિકના પત્રકારનું કામ-ધર્મ છે ક્ષણે ક્ષણે બનતી ઘટનાનો અહેવાલ વાચકો સુધી પહોંચાડવો. આવાં અહેવાલ એક જાણીતી ઉક્તિ મુજબ :ઉતાવળે લખાયેલો ઈતિહાસ જ છે !

જો કે આવી ઉતાવળી પરિસ્થિતિ-માહોલ પછી પણ તાજેતરમાં બનેલી એક ચોક્કસ ઘટના પર એના વિશે અલગ લેખ લખવો એ કોઈ પણ પત્રકારની વિશેષ સિદ્ધિ ગણાય.

કડવી વાસ્તવિકતા એ છે કે કોઈ પણ અખબાર કે દૈનિક એ એક આઠ કોલમનું કબ્રસ્તાન છે, જેમાં ભલભલા પત્રકારોનું ક્રમશ: દફન થઇ જતું હોય છે. આવાં માહોલમાં રોજિંદી કામગીરી બજાવ્યા પછી પણ કોઈ પત્રકાર તત્કાલીન-સમકાલીન વિષયો પર ઈન્સ્ટન્ટ કૉફીની જેમ લહેજતદાર લેખ પ્રગટાવી શકે એ સિદ્ધિ નાની-સૂની નથી.

આ પુસ્તક સંવાદમાં જ્વલંતે એ વાત અનેકવિધ વિષયો દ્વારા સિદ્ધ કરી દેખાડી છે કે રોજિંદા અખબારિયા સમાચારથી લિપ્ત-અલિપ્ત રહીને સજાગપૂર્વ પર-વેગળા રહીને પણ એ વાચકોને કંઈક નવી વિચારવાલાયક માહિતી પહોંચાડી શકે છે.

જ્વલંતે આ પુસ્તકમાં કેવા કેવા વિષય લીધા છે એની કેવીક રેન્જ છે એની ચર્ચા કે મારો મત અહીં અસ્થાને છે, પરંતુ એક તંત્રી તરીકે અહીં એવી ટકોર કરવાનું મન જરૂર થાય કે થોડો વાણીવિલાસનો લોભ જતો કર્યો હોત તો એના લગભગ બધા જ લેખ એના લાઘવ દ્વારા સણસણતી બુલેટની જેમ વાચકોના હૃદય-મનમાં સડસડાટ સચોટ ઊતરી જાત....

ખેર,હવે એ પણ શક્ય બનશે, કારણ કે હવે જ્વલંત એક દૈનિકના નહીં,પણ ચિત્રલેખા જેવા સદા અગ્રસર સાપ્તાહિકના વરિષ્ઠ પત્રકાર તરીકે કામગીરી બજાવે છે!

ભરત ઘેલાણી
(તંત્રી : ચિત્રલેખા)


0 comments


Leave comment