2 - કુછ દિલને કહા, કુછ ભઈ નહીં.... (નિવેદન) / સંવાદ / જ્વલંત છાયા


આખું પ્રેક્ષાગાર ખીચોખીચ ભરાઈ ગયું હોય, પડદો ઊંચકાઈ ગયો હોય, સ્ટેજ પર ફૂલલાઈટ્સ હોય અને બસ નાટક શરૂ થયું કે થશે? સેંકડો દર્શકોની નજર કેરેક્ટર પર હોય અને ડાયલોગ ભુલાઈ જાય તો? બસ આ એવી જ હાલત થઇ છે. કહેવાનું હો ઘણું ને કશું યાદ ન આવે... અરે ! અહીં તો એવું પણ નથી. યાદ પણ છે, પરંતુ કેટલુંક કહેવું ? આમ જુઓ તો દરેકને દરેકની પોતાની કહાની, કથની હોય. શું લખું? શું બાકી રાખું? કોઈ દંભ વગર કહું છું કે અત્યંત ખુશી છે. અત્યાર સુધી અનેક પુસ્તકો જોયાં, વાંચ્યા હવે આ એક પુસ્તક એવું પણ હશે જેનાં કવર પેજ પર લખ્યું હશે – જ્વલંત છાયા. મારા માટે આ રોમાંચક ઘડી છે જ. મિત્રોને જ નહીં મને પોતાને પણ લાગે છે કે મોડું થયું છે. આ કામ થોડા વર્ષો પહેલાં થવું જોઈતું હતું, પરંતુ આપણે તો દરેક બાબતમાં એ જ સિદ્ધાંત સ્વીકાર્યો છે ને, ‘આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે.’ મોડું તો મોડું પણ પુસ્તક થઇ રહ્યું છે તેની ખુશી છે. મોડું થવાના અન્ય કારણો તો છે જેની ચર્ચા નથી કરવી, પરંતુ મારી આળસવૃત્તિ પણ તેમાં ખરી. બીજી બાબત મારી વ્યસ્તતા અને અસ્તવ્યસ્તતા. પરંતુ આ બધી બાબતને ધીરજથી સ્વીકારી વન્ડરલેન્ડ પબ્લિકેશને આ પ્રકાશન કર્યું તેથી મિત્ર યોગેશ ચોલેરા અને ધર્મેશ જોશીનો ખરા હૃદયથી આભાર માનું છું.

શબ્દો સાથે માણસનો પહેલો સંબંધ પાટી-પેન થકી બંધાય અને પછી ધીમે ધીમે માર્યાદિત રહે સિવાય કે તે પત્રકારત્વ કે સાહિત્યમાં કામ કરે. એ રીતે મારો શબ્દ સાથેનો નાતો સારો એવો હોવા છતાં આજે રિસાઈ ગયા છે, ખરેખર બાય હાર્ટ કહું છું વિચારો ડૂમે અટવાયા છે અને બસ એમ થાય છે કે સીધે સીધી રીતે લખી નાખું કે ભાઈ આ અત્યાર સુધી જે લેખો લખ્યા તેનું આ સંકલન કર્યું છે, તે વાંચજો ને વંચાવજો !! પણ પછી એમ થાય છે મારી ય વાત કરું થોડી...હા, થોડી જ હો.

૨૦૧૦માં મારી જોબ દિવ્યભાસ્કરની અમદાવાદ ઑફિસમાં હતી. એ વર્ષ રાઉન્ડ ફિગરનું વર્ષ હતું. તે વર્ષે અનેક સિદ્ધિઓ, શોધ, ઘટનાઓને અમુક અમુક વર્ષ પૂર્ણ થતાં હતાં. જેમ કે અમિતાભની ફિલ્મી કેરીયરને ૪૦ વર્ષ અને સચીનની ક્રિકેટ કેરિયરને ૨૦ વર્ષ પૂર્ણ થતાં હતાં. ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદને ૨૦૦ વર્ષ અને બાર્બીને અમુક વર્ષ એવું કાંઈક. બસ આ જ થીમને લક્ષમાં રાખી કળશનો સ્પેશ્યલ ઇસ્યૂ પ્લાન થયો. અને ફ્રેન્ડઝ એ એક જ પૂર્તિમાં એક સાથે તદ્દન અલગ અલગ ફિલ્મ, ક્રિકેટ, સાયન્સ, વોર એમ પાંચ વિષયો પર મેં પાંચ આર્ટિકલ લખ્યા... લખવું એ નવી વાત નહોતી, પરંતુ આવું વર્સેટાઈલ એક જ સમયે, થોડા જ દિવસોમાં લખી શકાય છે તે નક્કી થઇ ગયું. આ તક એટલે મળી કે કોલમ ઓલરેડી ચાલુ જ હતી અને તે કેવી રીતે થઇ? શું થઇ એ લખું તો બીજા ૧૦૮ શબ્દો વધી જશે!! ટેવ પડી ગઈ છે યાર આમ બંધાઈને લખવાની.. ઇનશોર્ટ ભાસ્કરમાં ૨૦૦૯માં નવેમ્બરથી ફરી કોલમ શરુ થઇ તેં શ્રેય અજય ઉમટ અને મનીષ મહેતાને આપવું જ રહ્યું. થેન્ક્સ અજયભાઈ.

મારા કોલમ રાઈટિંગ વિશે વાત કરું ત્યારે મને અટલ બિહારી બાજપેયીની કવિતાનું શીર્ષક યાદ આવે, ‘આંધીઓમેં જલાયે બૂઝતે દિયે...’ તમને એમ થશે કે મોથ શું મારી, ઘણા લોકો કલમ ઘસે છે. હા, પરંતુ આ કિસ્સો થોડો અલગ છે. મેં મારી કોલમ ડેઈલી જર્નાલિઝમ કરતાં કરતાં લખી છે. બબ્બે નોકરી કરતાં કરતાં લખી છે. કોલમનો વિષય નક્કી ન હોય અથવા થયો જ હોય અને આપણે હોઈએ કોર્પોરેશનમાં ઘમાલ મચાવતા ટોળાનાં રિપોર્ટિંગમાં. કોર્પોરેશન, એજ્યુકેશન જેવા લાઈવ ફિલ્ડ કરતાં કરતાં આ કોલમ લખાઈ છે. એવા પણ ઘણાં મિત્રો છે જેઓ આ બંને કામ કરતાં હોય, પરંતુ મારી બાબતમાં એ પણ થોડું વધુ અઘરું હતું. ટૂંકમાં હેલિકોપ્ટરો તો હિમાલય પર પહોંચી જ શકે, અહીં તો ચાર પૈડાં વાળી રેકડી ચોટીલે ચડાવવાની હતી, બાપ !!

જયહિન્દમાં કોલમ શરુ થઇ ૨૦૦૩માં ત્યારે બે નોકરી હતી-સવારે આઠથી બપોરે ત્રણ સાંજ સમાચારમાં, સાંજે પાંચથી રાત્રે દસ જયહિન્દમાં. રોજેરોજ બબ્બે વાર ફિલ્ડમાં જવાનું, રિપોર્ટિંગ કરવાનું અને તેની વચ્ચે દર અઠવાડિયે લેખ લખવાનો. ત્યાર પછી દિવ્યભાસ્કરમાં નોકરી મળી અને થોડા અરસામાં ત્યાં પણ કળશમાં કોલમ શરુ થઇ. બંધ થઇ ફરી શરુ થઇ ટેબ્લોઈડમાં અંદર અડધા પાનાથી શરુ થયેલી કોલમની યાત્રા બ્રોડશીટ કળશનાં પ્રથમ પાનાં સુધી રહી અને અહીં એ કબૂલવું-કહેવું જ પડે કે મને કોલમિસ્ટ તરીકે પ્રસ્થાપિત દિવ્યભાસ્કરની કળશ પૂર્તિએ કર્યો. એ સંવાદના મૂળ જયહિન્દની પૂર્તિમાં, આજકાલની સ્પેશ્યલ સ્ટૉરીઝમાં, આજકાલ પ્લસ પૂર્તિમાં હતાં, પણ લહેરાતાં પાન કળશમાં લોકોએ જોયાં ! પ્રતિભાવો મળતા રહ્યા તો ઉત્સાહ વધ્યો. ઘણા વિષયો પર લખી શકાયું. અને આજે તે લેખો પૈકી કેટલાંકનું આ પુસ્તક આવી રહ્યું છે. લખવાની ધખના-લગાવ તો વર્ષોથી હતાં. થોડું અલગ કામ કરવાની પણ ખેવના. મને મારી કેરિયરની શરૂઆતમાં જ સારી સારી તક મળી. કેવી? પ્રથમ પાંચ જ વર્ષમાં મેં જગજીતસિંઘજી, અનિલ બીશ્વાસ, અજય દેવગણ, આમિર ખાન વગેરેના ઈન્ટરવ્યુઝ કર્યા. રાધનપુરની મહત્વની ચુંટણીનું ડીટેઇલ્ડ રિપોર્ટિંગ કર્યું. એ વાતનું પણ અત્યંત મહત્વ છે કે કારકિર્દી પણ ઉર્ધ્વગામી રહી. આજે, સ્વ.વજુ કોટકે સ્થાયેલા અને સ્વ.હરકિશન મહેતા એ સિચેલા ગુજરાતનાં અગ્ર એવા ચિત્રલેખા સામયિક સાથે કામ કરું છું.

મને ચિત્રલેખાના તંત્રી ભરતભાઈ ઘેલાણીનું નામ વારંવાર લખવાનું મન એટલે જ થાય છે. મારાં એ ૧૬ વર્ષ સખ્ત મહેનત, ભાગદોડના હતાં. દૈનિક પત્રકારત્વ અને તેમાં પણ રિપોર્ટિંગ. જીવનની બીજી બાબતો તો ખરી જ!! મારી હાલત મનોજ ખંડેરિયાના શેર જેવી હતી, ‘ભીડી ભોગળમાં સળગ્યો છું, ઘડીભર શ્વાસ લેવા દે...’ અને ભરતભાઈ ઘેલાણીએ જવાહર બક્ષીના શેરને જાણે મારા માટે ઈમ્પ્લીમેન્ટ કર્યો, ‘હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો ઓ લોકો...’ થેન્ક્સ ભરતભાઈ !!

કેટલાક પ્રશ્નો સંભળાઈ રહ્યાં છે કે આવાં પુસ્તકો તો અગાઉ પણ આવી ગયાં છે ! હા, ક્રીશ બન્યું તે પહેલાં સુપરમેનની સિરીઝ બની જ ગઈ છે ને ? લખાણ વિશે વાત કરું તો મારા લખાણમાં ભાષાનો ભભકો નથી પરંતુ વૈભવ છે. મારા લેખ નાના પાટેકર નથી અમોલ પાલેકર છે!! (નાનાની વાત ફક્ત લાઉડ ટોનના સંદર્ભમાં, અભિનયમાં તો એ પણ મોટા જ છે) આપણે ડ્રમનો અવાજ નથી કાઢ્યો જળતરંગ વગાડ્યું છે. હા, એ ચોક્કસ કે એક લેખ લખવા માટે જે સજ્જતા, તૈયારી, હોમવર્ક જોઈએ તેના માટેનો સમય દર અઠવાડિયે કદાચ ન પણ હોય એવું બનતું. જેવું જયહિન્દમાં તેવું જ દિવ્યભાસ્કરમાં. શનિવારની ડેડલાઈન હોય, શુક્રવારે કાં તો બોર્ડનું રીઝલ્ટ હોય કે પછી કોર્પોરેશનનું જનરલ બોર્ડ હોય કે કાંઈ ત્રણ. રાત્રે દોઢેક વાગ્યા સુધી ઑફિસમાં હોઈએ- શનિવારે સવારે નવ-દસ વાગ્યે ફરી ઑફિસ, નક્કી થયેલા વિષય પર ધડાધડ કી બોર્ડ ચાલુ... વાગ્યે આર્ટિકલ પૂરો થાયને પ્રૂફ પણ વાંચ્યા વગર સ્પેસ ચેક કરવાનું પણ જયેશ અધ્યારૂ પર છોડીને મોકલી દઉં, પછી નોકરી શરૂ તે વહેલા વાગે રાત્રિનાં એક-દોઢ!! આ મારી કોલમ રોજિંદી નોકરીની વનરાજી, પર્વતો, ખીણની રમણીયતાની વચ્ચે વચ્ચેથી નદીની જેમ વહી છે. ક્યારેક ઝરણું બનીને, ક્યારેક ધોધ બનીને ઉપરથી પટકાઈને.. ક્યારેક ધીમે ધીમે તો ક્યારેક ધાગધગાટ તો ક્યારેક વળી વિરાટ પ્રવાહ ધારણ કરીને.. વહી છે, તેથી નૈસર્ગિક રહી છે. કોલમે જીવાડ્યો છે. એક તબક્કો તો એવો ગયો કે કોલમ જ વેન્ટીલેટર હતી!!

ઘણું કહેવાનું બાકી છે તે બાકી રાખી દઈને હવે બધાને થેન્ક્સ કહી દઉં? મમ્મી જ્યોતિબેન અને પપ્પા અનિલભાઈને હું આ પુસ્તક અર્પણ કરું છું, આભાર તેમનો કેટલો માનું? અસ્તિત્વનું જોડાણ જેની સાથે છે તે માઈ કલાપી, માઈ મયુરી કલાપીનાં ચરણોમાં મારી સર્વ સર્જન શક્તિનો સ્ત્રોત છે. જલ્પા, મારી વાઈફ. તેણે બધી પૂર્તિઓ, રેફરન્સ પોતાના આભૂષણોથી સહેજ પણ ઓછા મહત્વના નથી સમજયા. તેની હેલ્પ ઘણી છે. તેણે પણ થેન્ક્સ જિદ ન કરીને, પેલી સુફિયાણી વાર્તાની જેમ સો રૂપિયાની નોટ બતાવી મારી પાસે સમય માંગવાની ચેષ્ટા ન કરનાર અને કળશમાં નામ વાંચીને ખુશ થનાર દીકરો બિરદ બધાને થેન્ક્સ. આજે હું ચિત્રલેખામાં નોકરી કરું છું. મને જે મોકળાશ, જે પ્રોત્સાહન અને ગુણવત્તા સભર કામ કરવાની તક આપી છે તે માટે તથા આ પુસ્તકની વેલકમનોટ લખી આપવા બદલ તંત્રી ભરતભાઈ ઘેલાણીનો હું આભાર માનું છું-દિલથી. પરિવારની વાત ફરી કરું તો નાનપણથી રમકડાંની સાથે પુસ્તકો પણ લાવી આપનાર સ્વ.રમેશકાકાનું સ્મરણ આ અવસરે સહજ છે.

સર છતાં મિત્ર, માર્ગદર્શક અનેક રીતે માર્ગકાઢક કાના બાંટવાનો આભાર માનવા માટે મારી ડીક્ષનરીમાં શબ્દ નથી. સદા પ્રોત્સાહિત કરતાં અને હિત પણ કરતાં એવા કૌશિક મહેતાને પણ થેન્ક્સ કહું જ ને? મિત્ર જય વસાવડાનું પણ ઋણ છે જ. ફરી એકવાર મનીષ મહેતા, જયેશ અધ્યારુ, વૃંદા મનજિત અને ભાસ્કર મેગેઝીન સેક્સનની ટીમનો આભાર. જયહિન્દનાં તંત્રી ભરતભાઈ શાહ, સાંજ સમાચારનાં તંત્રી પ્રદીપભાઈ શાહ, પૂર્વીભાભી, આજકાલના ભૂતપૂર્વ તંત્રી રાજુભાઈ શાહ, જયહિન્દની પૂર્તિના સંપાદક હર્ષદ દોશીનો આભાર. પરેશ દવે-હિનાભાભી, થેન્ક્સ. ડેપ્યુટી કમિશ્નર-મિત્ર પરેશ વ્યાસ, ડૉ.જે.પી.ભટ્ટ, ડૉ.મેહુલ મિત્રા-અલ્પના મિત્રા, ડૉ.વિજય નાગેચા, મેહુલ દવેને થેન્ક્સ. અને એ.ટી. કેમ ભૂલાય ? અરવિંદ શાહનો આભાર. અને સંજય વૈદ્ય તમને થેન્ક્સ કહું? જેમની સાથે માત્ર રાજકારણ અને પત્રકારત્વનાં જ સંબંધ નથી તેવા મિત્રો નિતીન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, અશોક ડાંગર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મિત્ર રાજુ ધ્રુવ અને મનીષ રાડિયા પણ આ અવસરે યાદ આવે. આ પુસ્તકનાં અનેક લેખની પ્રથમ વાચક રહેલી હેતલ પટેલ, મિત્ર-પત્રકાર મનીષ ત્રિવેદી પણ સ્મરે, દિવ્યભાસ્કર રાજકોટની ઓડિટોરીયલ ટીમ, કમ્પોઝીટર શૈલેશ મહેતા, વિમલ બોટાદરા અજય ખખ્ખર, દીપક સોલંકીને પણ થેન્ક્સ. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોટરી મીડ ટાઉન સંચાલિત તેમ જ પ્રભાદેવી નારાયણ લાઈબ્રેરીનું પણ આમાં યોગદાન છે. સાથે જ વડીલ વિનુભાઈ ઝઘડા, વીરેન્દ્ર મજીઠીયા. આશાબહેનની પણ યાદ સાથે જ છે. જ્યારે જ્યારે આ લેખો પૂર્તિઓમાં છપાયા તે પહેલા વિષય માટે ચર્ચા કરનાર, જરૂરી રેફરન્સ આપનાર, લેખને જતનથી સાચવનાર, અને છપાયા ત્યારે ફોન કરનાર, મેસેજ કરનાર સૌ કોઈ વાચકનો દિલથી આભાર. મને તો થાય કે આ બધા નામ લખું. હજી તો કેટલાંય રહી ગયાં છે. ભાવનગર કે માંડવીમાં બેઠાં વાંચીને પ્રતિભાવ આપનાર જલ્પાના મમ્મી રશ્મિબહેન-પપ્પા પ્રબોધભાઈનો આભાર રાજીવ વછરાજાની, કેયુર અંજારિયા, ઓજસ માંકડ, કમલેશ રાઠોડ, શૈલેશ જાની એવાં નામો છે જે ન લખું તો ચાલે કેમ કે એ નામો છે તો જ્વલંત છે. તો ય લખવા જોઈએ. અને આ યાદી અધૂરી જ છે. અનેક નામ રહી ગયાં છે. આ પુસ્તક પ્રકાશન અવસરે મારા તમામ મિત્રો, પરિવારજન, સહકર્મીઓનો હું દિલથી આભાર માનું છું. આ દિલની જ વાતો હતી, ‘કુછ દિલને કહા, કુછ ભી નહિ...’£

જ્વલંત છાયા
‘કરુણા’ ૨૩, પત્રકાર સોસાયટી,
એરપોર્ટ રોડ, રાજકોટ,


0 comments


Leave comment