7 - મહેતાજી તવ કહે / નરસિંહ મહેતા


રાગ કેદારો

મહેતાજી તવ કહે : ‘કુંવારી માહરી ! સાસુ પાસે જઈ વસ્તુ લખાવો,
મંનગમતી પહેરામણી જેટલી, કાગળમાં લખાવી સર્વ લાવો.’ ૧

કુંવરાઈ સાસુ કને આવિયાં : ‘સાસુજી ! પત્ર લખીને રે દી જે,
મન ઈચ્છા, મુજ તાત કને માગિયે, જે રીત તમ તણું મંન રીઝે.’ ૨

વદન મલકાવી વડસાસુજી બોલિયાં : ‘એ વાતમાં સંદેહ શો છે ?
લેઈ વૈષ્ણવ વહેવાઈ ઘેર આવિયા, કોડ અમારા કેમ નહીં રે પહોંચે ? ૩

અમો ઘરડાં થઈ ધરમે લખાવશું, પૂર્વજનું પુણ્ય [આ સર્વ] જાગ્યું,
નરસૈંયાને માથે મહારાજ છે, આજ લેશું અમો મોં-માગ્યું.’ ૪


0 comments


Leave comment