4 - આપણાં ઘર થકી સરવ વિધિ કરો / નરસિંહ મહેતા


રાગ કેદારો

‘આપણાં ઘર થકી સરવ વિધિ કરો, લખો વહેવાઈને પત્ર આવે :
‘અવસરે આવજો, લખ્યું તેમે લાવજો’ પંડ્યો ખોખલો જઈ તેડી લાવે.’ ૧

શ્રીરંગ મહેતે પત્ર વેગે લખ્યો વીનતી વીનવી તેહ માંહે,
કુંવરબાઈએ પત્ર લખી આપિયો, એકાંતે બેસાડીને કહી કથાયે : ૨

‘આવો અવસર નહીં સાચવો, તાત ! તો સાસરિયાંમાં, કહો, કેમ રહેવાશે ?
શીશ તમારે છે કંથ કમળા તણો, તે લક્ષ્મીવર તણી લાજ જાશે’. ૩

વિપ્ર વિદાય કર્યો એવું કહી કહી, પ્રીછવ્યો બહુ પેરે પેરે વાતે,
નરસૈં મહેતાને મંદિરે આવિયો હરખતો, પત્ર લઈ આપ્યો હાથે. ૪


0 comments


Leave comment