2 - પ્રસ્તાવના - તાજા કલમમાં એ જ કે.. - સૂરત શહેર અને ખૂબસૂરત ગઝલ /સુરેશ દલાલ


મુકુલ ચોક્સી અને રઈશ મનીઆર – આ બે નામ એકસાથે બોલાતા, એક શ્વાસે બોલાતા મેં સાંભળ્યા છે. આ નામ સાથે શોભે એવાં પણ છે. બંને વ્યવસાયે ડૉક્ટર છે. બંને સુરતમાં રહે છે અને બંને ખૂબસુરત ગઝલ લખે છે.

રદીફ-કાફિયા ગઝલની જીવાદોરી છે. ક્યારેક એ પૂરમાં આખી ને આખી ગઝલને તાણી પણ જાય. ક્યારેક આ જીવાદોરી ગઝલના ગળા પર ફાંસો પણ બને. આવી બધી શક્યતા હોવાને કારણે જ ગઝલની ભૂમિ પર સાચવીને પગ મૂકવા જેવો છે. શબ્દના લપસણા ઢાળ પર કોણ ક્યારે લપસી પડશે એ કહેવાય નહીં. વાહ વાહ, દુબારા, ઈર્શાદ... આ બધા શબ્દોથી મુશાયરામાં ગઝલ ક્યારે બહેરી થઈ જશે એ પણ કહેવાય નહીં.

મુકુલ ચોક્સી નીવડેલા છતાંય તાજા ને તાજા એવા ગઝલકાર છે. એ પરંપરા પર કાતર નથી મૂકતા પણ પરંપરાની ગાંઠને હળવેથી છોડીને પોતાની રીતે ગઝલના પ્રદેશમાં પ્રવેશ કરે છે. માત્ર ગઝલ માટે જ સાચું નથી. કોઈ પણ સાહિત્યકૃતિ કે કોઈ પણ સાહિત્યપ્રકાર ખુદવફાઈ માંગી લે છે. મુકુલ ચોક્સીની ગઝલ વાંચતા આ ખુદવફાઈની આપોઆપ પ્રતીતિ થાય છે. અવાજને એ બુલંદ કરતા નથી પણ એમના શબ્દલયમાં ધ્વનિનો ઈશારો છે અને વ્યંજનાના ભણકારા છે.

ગઝલ સહજ અને સ્વાભાવિક પ્રકાર છે. ગઝલ જો બહુ આવડી જાય તો ખતરનાક નીવડે. ઉત્તમ ગઝલકાર માટે પ્રત્યેક ગઝલ નવો પડકાર છે. આવું કંઈપણ પહેલા મારાથી કે અન્યથી લખાઈ તો નથી ગયુંને ? આ પ્રશ્ર દરેક સર્જકે પોતાને પૂછવો જોઈએ. જેમ કેવળ પ્રેરણાથી ન ચાલે તેમ કેવળ ટેકનિકથી પણ નથી ચાલતું પ્રેરણા અને કસબ સર્જકને કલાકાર બનાવે છે.

ગુજરાતી ભાષા સમૃદ્ધ છે એની ખેલદિલી અને ઉદારતાને કારણે. એને માટે કશું પારકું નથી. પરાયાંને પોતીકું કરી શકે છે. બહારથી આવેલા કાવ્યપ્રકારને પુરેપુરો સ્વીકારીને એ પ્રગટાવે છે પોતાનું પોત. ઈટલીથી અંગ્રેજો દ્વારા આવેલું સૉનેટ કે ઈરાનથી ફારસી-ઉર્દૂ દ્વારા આવેલી ગઝલે પોતાનું કાઠું કાઢ્યું છે. ગઝલ હવે કેવળ મુશાયરા માટે વંચાતી મનોરંજનની ચીજ નથી રહી. મુશાયરાઓ તો પહેલા પણ થતા હતા ને આજે પણ થાય છે. પણ મુશાયરાનો અને ગઝલનો મિજાજ સાવ બદલાઈ ગયો છે. આંજી નાખતી એવી શબ્દોની આતશબાજી નથી. અહીં શબ્દોનું અજવાળું છે. આ અજવાળું એમનેમ નથી પ્રગટ્યું. કેટલીયે પરંપરાનો મુકાબલો કર્યા પછી વાત બનતી આવી છે.

આદિલ મન્સૂરી ઇત્યાદિથી ગઝલે નવો વળાંક લીધો. વળાંકે સાબિત કરી આપ્યું કે ગઝલને સાવકી નજરે ન જોવાય. ગઝલને પણ ગંભીરતાથી લેવાની હોય છે. એનું પણ વિવેચન થઈ શકે અને એનાં પણ આસ્વાદલેખો હોઈ શકે. વચ્ચે એક જમાનો એવો હતો કે ગઝલને અને ગઝલકારોને ટાળવામાં આવતા. સંપાદનોમાં મોટેભાગે સ્થાન ના મળતું. અને જો સ્થાન ન મળતું. અને જો સ્થાન અપાયું હોય તો સ્હેજ પડ ખોલીને જોઈએ ત્યારે ખબર પડે કે એ જીવદયાનું પરિણામ છે.

આ પહેલાં મુકુલ ચોક્સીનો ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’ સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો હતો. આ સંગ્રહ એક રીતે એનો એ જ સંગ્રહ છે. બીજી રીતે જોઈએ તો એનો એ સંગ્રહ નથી જ નથી. આમાં ઘણી નવી ગઝલો ઉમેરાઈ છે. ગઝલ માટે અનિવાર્ય છે ધબકતું હ્રદય. એ ધબકારાના પડઘા શબ્દ દ્વારા પડતા હોય છે. મુકુલની ગઝલના કેટલાક ચોટદાર શેરની ઝાંખી કરીએ.

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

ગઝલનો મૂળ અર્થ પ્રિયતમા સાથેની વાતચીત છે. અહીં વાતચીતનો લ્હેકો આપણને સંભળાય છે. ગઝલ લાઘવની કળા છે. મારું આ વાક્ય એ તો કોરું નિવેદન કહેવાય. એમાં કોઈ સંવેદન નથી. વિવેચક અહીંયા જ ઠોકર ખાય છે. આ વાતને મુકુલે કેટલી અદ્દભુત રીતે કહી છે. હૃદયની વાત એટલી વિરાટ હોય છે કે જે સમગ્ર પ્રકૃતિના આશ્ર્લેષમાં ન સમાય એ નાની અમસ્તી ચબરખીમાં સમાઈ શકે છે. આમાં કોઈ લાગણીની અતિશયોક્તિ નથી પણ ઊર્મિની નરી વાસ્તવિકતા છે.
ગાંધીયુગની કવિતા (એક સુંદરમને બાદ કરતા) મહદ્ અંશે મરજાદી રહી છે. આજનો કવિ આ મરજાદને ગાંઠતો નથી. શાયર કહે છે:

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

આવા તો આ પ્રસ્તાવનામાં અનેક દર્પણો મૂકી શકાય જેનાંથી મુકુલની પ્રતિભાના પ્રતિબિંબો આપણે જોઈ શકીએ. એમનું ગઝલવિશ્વ સીમિત નથી. એમની ઉન્માદ ગઝલો, ગઝલનો એક વિશિષ્ટ પ્રદેશ છે. એક જ ભાવને કેન્દ્રમાં રાખીને અનેક ભાવની રમણીયતા પ્રગટ કરતી આ ગઝલો માત્ર મુકુલના જ નહીં પણ સમગ્ર ગુજરાતી ગઝલના સાહિત્યમાં જુદી તરી આવે છે. ક્યારેક એવું પણ લાગે કે ‘ઉન્માદ’ તખલ્લુસની અવેજીમાં કામ કરતો કોઈ શબ્દ તો નથી ને. મુકુલ પ્રલંબ ગઝલ પણ લખી શકે છે. જેની કલમ ઊંડા શ્વાસ લેતી હોય એ જ આ કામ કરી શકે. મુકુલે અછાંદસ કાવ્યો પણ લખ્યા છે. છતાં પણ મુકુલ એટલે ગઝલ એમ જ અંતે કહેવું પડે.

૭-૧૨-૨૦૦૦
સુ.દ.




0 comments


Leave comment