3 - નિયમો વિરુદ્ધ સ્વર્ગમાં એ છોકરી ગઈ / મુકુલ ચોક્સી


નિયમો વિરુદ્ધ સ્વર્ગમાં એ છોકરી ગઈ,
કાચી વયે જે પ્રેમ કરીને મરી ગઈ.

દુનિયા ફરી સિફતથી મને છેતરી ગઈ,
આ વેળા મારી ખોટી પ્રશંસા કરી ગઈ.

ધનવાનને ય જાત મફતમાં ધરી દીધી,
કેવી સરસ મજા ક ગરીબી કરી ગઈ.

ઓસરતી લાગણી વિષે ફરિયાદ કંઈ નથી,
એક પૂરની સપાટી હતી, ઓસરી ગઈ.

ફૂલોએ કીધા માફ પતંગિયાઓના ગુનાહ,
પણ ચોકી કરતા કંટકોની નોકરી ગઈ.

જેને નદી કહે છો બધા, બીજું કંઈ નથી,
અશ્રુની એક ધાર જરા વિસ્તરી ગઈ.0 comments


Leave comment