4 - જેમણે લખવું હતું તેઓ કલમ લઈને ગયા / મુકુલ ચોક્સી


જેમણે લખવું હતું તેઓ કલમ લઈને ગયા,
કાવ્ય કરનારા તો પોતાને સ્વયમ્ લઈને ગયા.

આપવા માટે અમે આખો જનમ લઈને ગયા,
તેઓ એમાંથી ફક્ત ચપટીક અહમ્ લઈને ગયા.

ભારેખમ સમાન લઈ સૌ બેઠા ટાઈટેનિક મહીં,
સારું છે કે આપણે થોડુંક કમ લઈને ગયા.

એક પળ મળવાની ફુરસદ જેમને મળતી ન’તી,
તેઓને માટે અમે જનમોજનમ લઈને ગયા.

પૂજા કરનારાઓ પૂજનમાં જ ડૂબેલાં રહ્યાં,
ને પ્રસાદી બાકીના લોકો પ્રથમ લઈને ગયા.

ભાવનો ભૂખ્યો છે ઉપરવાળો એવું સાંભળી,
કેટલાક મૂર્ખાઓ બાનાની રકમ લઈને ગયા.0 comments


Leave comment