6 - હવે તો એ જ મને બાગથી બચાવી શકે / મુકુલ ચોકસી


હવે તો એ જ મને બાગથી બચાવી શકે,
જે સાવ સૂકી હથેળીમાં ફૂલ વાવી શકે.

આ ઠૂંઠું વૃક્ષ એ આશામાં દિન વિતાવી શકે,
પરણવા જેવડી મોસમનું માંગું આવી શકે.

ને ચોમાસું તો હજી બેસવાનું બાકી છે.
હજી ય બારીઓને રંગ તું કરાવી શકે...

હા એટલે જ તને વૃક્ષ રૂપે સ્થાપ્યો છે...
કે જેથી પગ તું કદી પણ નહીં હલાવી શકે.

ને હસવું આવે ત્યારે હળવો થઈ હસી જે પડે,
એ આદમી આ નગરમાં કદી ન ફાવી શકે.

જમાનો એનો છે, ભૂતકાળને જે થૂંકી શકે,
ને સઘળી યાદોને ગુટખાની જેમ ચાવી શકે.

જીવનની વ્યાખ્યાઓ કરવા દો એ જ લોકોને,
જે જિંદગાનીઓ ફૂટપાથ પર વિતાવી શકે.

આ તારા શબ્દો બરફ છે, એ ફ્રીજમાં શોભે,
કોઈના ઘરમાં એ ચૂલો ય ન જલાવી શકે.

બની જા કોઈ પણ મોસમ તું એટલા માટે,
ફરી ફરીને દરેક વર્ષે પાછી આવી શકે.


0 comments


Leave comment