8 - સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી / મુકુલ ચોકસી


સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી,
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલી મારી ક્ષિતિજો આ દૂર....દૂર....
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ,
જ્યાં ભાગવાને માટે કોઈ વહાણ પણ નથી.

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે !
કરફ્યૂ નંખાય એટલું રમખાણ પણ નથી.



0 comments


Leave comment