9 - જ્યાં ભૂલી ગઈ છે હવે જિજીવિષા અમૃત થવું / મુકુલ ચોકસી


જ્યાં ભૂલી ગઈ છે હવે જિજીવિષા અમૃત થવું,
શી રીતે રોકું બધી ક્ષણનું અહીં યમદૂત થવું ?

આગના ભડકા ય છે ને કેસરી કપડાં ય છે,
તો ય કંઈ સહેલું નથી આ યુદ્ધમાં રજપૂત થવું.

મારા જીવતરમાં રહેલું કાષ્ટ જીરવી ના શક્યું,
લાગણીઓને તો ખૂબ ગમતું હતું વિદ્યુત થવું.

એ તો સંકોચાયું છે, સંકોચ ને સંકોચમાં,
નહિ તો મનને આવડે છે શી રીતે વિસ્તૃત થવું.

બસ, પછી તો હું ય એક ટોળામાં ઊભો રહું અને,
જોઈ લઉં એકાંતની લંકાનું ભસ્મીભૂત થવું.0 comments


Leave comment